ઊંટ માલધારી સંસ્કૃતિ પ્રદર્શન યાત્રા પણ યોજાઇ ભુજ : સંયુક્ત રાષ્ટ્રસંઘ UNESCO દ્વારા 2024ના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને સહજીવન સંસ્થા દ્વારા કચ્છ ઊંટ મહોત્સવ 2024 પશુપાલન અને ડેરી પ્રધાન પરસોતમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ઊંટ માલધારી સંસ્કૃતિ પ્રદર્શન યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કચ્છમાંથી 350 જેટલા ઊંટ માલધારીઓએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો.
કેમલ મિલ્ક માર્કેટ બુકનું વિમોચન : ઊંટ મહોત્સવમાં ડેરી અને પશુપાલન પ્રધાન પરસોત્તમ રૂપાલા, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભુજ, અબડાસા અને ગાંધીધામના ધારાસભ્યો, સરહદ ડેરીના ચેરમેન વલ્લમજી હુંબલ તેમજ માલધારી સંગઠનોના અગ્રણીઓ અને કચ્છ પશુપાલન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કેન્દ્રીય પ્રધાનનું માલધારી પાઘડી, સાલ અને કેમલ મિલ્ક પ્રોડક્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. તો સાથે જ સહજીવન સંસ્થા દ્વારા અપસ્કેલિંગ કેમલ મિલ્ક માર્કેટ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
સૌપ્રથમ ડોન્કી બ્રિડર્સ એસોસિયેશનનું રજીસ્ટ્રેશન : કચ્છમાં શ્વેત ક્રાંતિ લાવનાર સરહદ ડેરીના ચેરમેન વલ્લમજી હુંબલને કેમલ મિલ્ક ને ઓર્ગેનિક મિલ્કનું પ્રમાણપત્ર મળવા બદલ તેમજ નેશનલ કોપરેટિવ ઓગેનિક્સ લિમિટેડના ડાયરેકટર તરીકે નિમણૂક થવા બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો તેમને દેશની સૌપ્રથમ કેમલ મિલ્ક ડેરી, રાજ્ય સરકાર, અમૂલ, સરહદ ડેરી અને માલધારીઓના સાહસ અને સફળતાની વાત કરી હતી. કચ્છમાં દેશનું સૌપ્રથમ ડોન્કી બ્રિડર્સ એસોસિયેશનનું રજીસ્ટ્રેશન થતાં માલધારીઓને તે અંગેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. કચ્છમાં કેમલ દૂધ ડેરી શરૂ થતાં ઊંટ પાલન વ્યવસાયમાં પરત આવેલા યુવા માલધારીઓને પણ પ્રમાણપત્ર આપીને આવકારવામાં આવ્યા હતા.
માલધારીઓનું જીવનધોરણ ઊંચું આવ્યું : છેલ્લાં 10 વર્ષમાં રાજ્ય સરકારની મદદથી કચ્છમાં ઊંટ ઉછેર ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામગીરી થઇ છે, રાજ્ય સરકારની નાણાકીય મદદથી કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની પણ રચના કરવામાં આવી છે. પશુપાલન વિભાગ દ્વારા નિયમિત ઊંટના હેલ્થ કેમ્પ, ખારાઈ ઊંટની માન્યતા તેમજ કચ્છમાં દેશની સૌપ્રથમ કેમલ મિલ્ક ડેરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે ઊંટ ઉછેરક માલધારીઓનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે અને સમગ્ર દેશમાં ઊંટની સંખ્યા ઘટી રહી છે, ત્યારે કચ્છમાં ઊંટની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
50 રૂપિયે લીટર વેચાય છે ઊંટડીનું દૂધ : યુએન દ્વારા 2024ના આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષની ઉજવણી કરવાની શરુઆત છે. ઊંટ ઉછેરકોના જીવન ધોરણને ઊંચું લાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019 માં સરહદ ડેરીને સૂચન કર્યા હતા અને સરહદ ડેરીએ કેમલ મિલ્કનુ કલેક્શન શરૂ કર્યું હતું. શરૂઆતમાં 1 લીટર દૂધના 20 રૂપિયા ભાવ હતાં. આજે 50 રૂપિયા જેટલો ભાવ માલધારીઓને મળી રહ્યો છે. સરહદ ડેરી આજની તારીખે દરરોજનું ઊંટ માલિકોને 1.5 લાખ રૂપિયાનું ચુકવણું કરે છે એટલે કે માસિક 75 લાખ અને વાર્ષિક 9 કરોડ રૂપિયાનું ચુકવણું ઊંટ ઊછેરક માલધારીઓને કરવામાં આવે છે. કચ્છમાં ખાસ કરીને ઊંટની બે જાતિઓ છે જેમાં ખારાઇ ઊંટ છે તે દરિયામાં જ રહે છે અને દરિયામાં જે વનસ્પતિ થાય છે જેને ચેરીયા કહેવામાં આવે છે તે તેનો મુખ્ય ખોરાક છે.
ગુજરાતના કચ્છની અંદર આજે આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષની ઉજવણી કરવામાં આવી છે. જેમાં માલધારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતાં અને ખાસ કરીને પશુપાલન ક્ષેત્રે સહકારી પ્રવુતિઓનું યોગદાન વધી રહ્યું છે. યુવાનો પણ આ પશુપાલન સાથે સંકળાઇ રહ્યા છે અને ખાસ કરીને આ ઊંટોની ખરીદી કરીને તેના દૂધમાંથી કમાણી કરીને પોતાનું જીવન સ્તર ઊંચું લાવી રહ્યા છે...પરસોતમ રૂપાલા ( કેન્દ્રીયપ્રધાન, પશુ પાલન અને ડેરી )
વિશ્વમાં 6 પ્રકારના ઊંટો : સહજીવન સંસ્થાના રમેશભાઈ ભટ્ટીએ માહિતી આપતા જણાવ્યું હતું કે,સમગ્ર વિશ્વમાં 90 દેશો એવા છે કે જ્યાં ઊંટોની વસ્તી જોવા મળે છે. વિશ્વમાં કુલ 6 પ્રકારના ઊંટ જોવા મળે છે. યુનેસ્કો દ્વારા વર્ષ 2024ને ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. વિષમ વાતાવરણમાં ઊંટો ટકી રહે છે અને ખાસ કરીને કચ્છની આબોહવા અને વાતાવરણ વિષમતા ધરાવતી છે જેથી કચ્છમાં ઊંટોની બે પ્રજાતિ જોવા મળે છે. અહી રબારી, સોઢા, જત અને સમા પ્રકારના માલધારીઓ જોવા મળે છે. જે કચ્છી અને ખારાઇ ઊંટ એમ બે પ્રકારના ઊંટોનો ઉછેર કરે છે.
ઊંટપાલન વ્યવસાયમાં ફરીથી જોડાયા માલધારીઓ : માલધારી મહેશ ભરવાડે જણાવ્યું હતું કે,કચ્છના ઊંટના દૂધનો પ્લાન્ટ સમગ્ર ભારતમાં એક જ છે અને આ પ્લાન્ટની પણ વિશિષ્ટતા છે. જેના કારણે જે ઊંટની કિંમત 10000થી 15000 હતી તે વધીને 30,000થી 40,000 જેટલી થઈ ગઈ છે.ઊંટ માલિકોનું જીવન ધોરણ પણ ઉપર આવ્યું છે. માલધારીઓની સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક પરિસ્થતિમાં પણ સુધારો આવ્યો છે. આ ઉપરાંત 100 જેટલા યુવાનો એવા હતા જે ડ્રાઈવર તરીકે ગાડીઓ ચલાવતા હતાં તેઓ પણ હવે ઊંટ ઉછેરતા થયા છે. લોકો એક સમયે ઊંટો વેચતા હતા તેઓ આજે ફરી ઊંટ ખરીદતા થયા છે.
માલધારીઓની જીવનશૈલી, સંસ્કૃતિ, હસ્તકળાની ઝાંખી દર્શાવતી યાત્રા : ભુજના ટીનસિટી ગ્રાઉન્ડ ખાતે ઊંટ મહોત્સવ 2024 યોજવામાં આવ્યો હતો. જેમાં માલધારી સંસ્કૃતિ પ્રદર્શન યાત્રા પણ યોજાઈ હતી. જેનો પ્રારંભ કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ લીલી ઝંડી બતાવીને કર્યો હતો. રબારી અને જત, ઊંટ સાથે સંકળાયેલા સમુદાયોની જીવનશૈલી, સંસ્કૃતિ, હસ્તકળા, ગીતસંગીત, ઊંટ ઉછેર પદ્ધતિ, કેમલ મિલ્ક ડેરી, કેમલ પ્રોડક્ટ જેવી બાબતો પ્રદર્શિત કરવામાં આવી હતી. સાથે જ આ પ્રદર્શન યાત્રામાં વિવિધ ટેબ્લોને ઊંટગાડી પર તૈયાર કરીને ભુજના જાહેર માર્ગો પર આ યાત્રા નીકાળવામાં આવી હતી.
- Kutch News: 16મી જાન્યુઆરીએ યોજાશે 'ઊંટ મહોત્સવ-2024', પુરુષોત્તમ રુપાલા રહેશે હાજર
- Camel Milk: કચ્છની સિદ્ધિમાં વધુ એક ઉમેરો, કચ્છના ઊંટડીના દૂધને ઓર્ગેનિક સર્ટિફિકેશનની માન્યતા