ગુજરાત

gujarat

જામનગરમાં રોજગારીની તકો વધશે, સચાણામાં શિપ બ્રેકિંગયાર્ડ શરૂ કરવા CMની મંજૂરી

By

Published : Aug 23, 2020, 1:50 PM IST

જામનગર પાસેના સચાણામાં શિપ બ્રેકિંગયાર્ડ શરૂ કરવાની મંજૂરી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી દીધી છે. સૌરાષ્ટ્રમાં વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રેકિંગયાર્ડ પછી જામનગરનું સચાણા શિપ બ્રેકિંગ માટેનું નવું નજરાણું બનશે. કેમકે હવે જામનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબનું નવું અલંગ આકાર પામશે.

Sachana Ship Breaking Yard
Sachana Ship Breaking Yard

  • આઠ વર્ષ બાદ ફરી ધમધમશે સચાણા શિપ બ્રેકિંગયાર્ડ
  • જામનગર જિલ્લામાં રોજગારીની તકોમાં થશે વધારો
  • મધ્યમ-નાના જહાજો ભાંગવા માટે આંતરરાષ્ટ્રીય ધારા ધોરણો મુજબનું યાર્ડ બનશે

જામનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સચાણામાં શિપ બ્રેકિંગયાર્ડ શરૂ કરવાની મંજૂરી આપી છે. સૌરાષ્ટ્રમાં વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા શિપ બ્રેકિંગ માટેનું નવું નજરાણું બનશે. નવું અલંગ જેવું યાર્ડ ગુજરાત હાઇકોર્ટની સુચના મુજબ અને રચવામાં આવેલી હાઈ પાવર કમિટીએ આપેલી ભલામણના આધારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા પુઃન કાર્યરત કરવામાં આવશે. 2012માં બંધ પડેલી સચાણા શિપ બ્રેકિંગયાર્ડની ફરી ગતિવિધિઓ શરૂ કરવામાં આવશે. જેના કારણે સ્થાનિક કક્ષાએ હજારો લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ખુલશે.

હવે મોટા અને વિશાળ જહાજો અલંગમાં અને નાના-મધ્યમ કદના જહાજો સચાણામાં બ્રેક માટે આવે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવશે. સચાણાની જમીનની હદ અંગેના વિવાદનો અંત લાવવા ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવામાં આવી હતી. આ પહેલા ફળદાયી પરિણામ રૂપે 2012થી બંધ પડેલી સચાણાની શિપ બ્રેકિંગ ગતિવિધિ વિશ્વના મેરીટાઇમ અને બ્રેકિંગ રિસાયક્લિંગના નકશામાં પણ સ્થાન પામશે.

સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવા મંજૂરી

કોરોના વાયરસની સ્થિતિમાં લોકડાઉનને પરિણામે ઉદ્યોગો ધંધા-રોજગાર-વ્યવસાયોને આર્થિક વિપરીત અસર પડી છે. તેવા સંજોગોમાં સચાણા શિપ બ્રેકિંગયાર્ડ ઉદ્યોગો વ્યવસાયો દ્વારા રોજગાર અને આર્થિક રીતે નવું બળ પૂરશે. દેશ વિદેશના નાના મધ્યમ કદના જહાજો સચાણામાં શિપ બ્રેકિંગ રિસાયકલિંગ માટે આવતા થવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારને કસ્ટમ જીએસટી સહિતનું હૂંડિયામણ મળતું થશે.

સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ 1977થી કાર્યરત હતું. જો કે, ગુજરાત મેરીટાઈમ બોર્ડને મરીન વચ્ચેના વિવાદમાં સમગ્ર મામલો હાઇકોર્ટમાં ગયો હતો અને 2012માં સચાણા બ્રેકિંગ યાર્ડ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સચાણા શિપ બ્રેકિંગયાર્ડ ફરી શરૂ થાય તે માટે જામનગરના સાંસદ પૂનમ માડમ તેમજ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને સ્થાનિક નેતાઓએ રસ લઇ સમગ્ર મામલાને ઉચ્ચસ્તરે રજૂઆત કરી હતી.

આખરે સચાણા બ્રેકિંગયાર્ડને રાજ્ય સરકારે લીલીઝંડી આપતા સચાણા ગ્રામજનોમાં હર્ષ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. અગાઉ જ્યારે સચાણા બ્રેકિંગ યાર્ડ ધમધમતું હતું, ત્યારે જામનગર જિલ્લાના 15થી 20 હજાર લોકોને રોજગારી મળતી હતી. અન્ય રાજ્યના માછીમારો પણ અહીં રોજગારી માટે આવતા હતા.

ABOUT THE AUTHOR

...view details