ગુજરાત

gujarat

જાણો સોમવતી અમાસે સોમનાથના ત્રિવેણી ઘાટમાં સ્નાન અને પ્રાચી તીર્થના મોક્ષ પીપળે પાણી ચઢાવવાનું મહત્વ

By

Published : Sep 6, 2021, 5:50 PM IST

સોમવતી અમાસ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ સોમવાર અને સોમવતી અમાસના શુભ સંયોગના પાવન દિવસે વહેલી સવારથી જ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટમાં સ્‍નાન કરી પિતૃતર્પણ તથા નજીકના પ્રખ્‍યાત પ્રાચી તીર્થના મોક્ષ પીપળે પાણી રેડી પુણ્યનું ભાથુ બાંધવા માનવ મહેરામણ ઉમટયો હતો. જેના પગલે ત્ર‍િવેણી સંગમ ઘાટ અને પ્રાચીના મોક્ષ પીપળેના સ્‍થળે ટ્રાફીકના જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

  • ત્રિવેણી ઘાટે સોમવતી અમાસે સ્નાન કરવાથી સાત જન્મોના પાપનું નિવારણ થાય છે
  • ત્ર‍િવેણી સંગમ ઘાટ અને પ્રાચીના મોક્ષ પીપળેના સ્‍થળે ટ્રાફીકના જામના દ્રશ્યો જોવા મળ્યા
  • શંભુ એટલે વિશ્વના લય અને પ્રલય માટે કારણભુત શક્તિનો અખુટ ભંડાર

ગીર-સોમનાથ: શિવ એટલે કલ્યાણ અને શંકર એટલે કલ્યાણ કરવાવાળા તેમજ શંભુ એટલે વિશ્વના લય અને પ્રલય માટે કારણભુત શક્તિનો અખુટ ભંડાર. અરબી સમુદ્રના કિનારે બીરાજમાન સોમનાથ મહાદેવ વિશ્વનું પ્રથમ જ્યોતિર્લંગ છે. આવી જ રીતે આ પવિત્ર ધરતીમાં ક્રૃષ્ણ ભગવાને 56 કોટી યાદવોનો ઉદ્ધાર કરવા માટે પવિત્ર ત્રીવેણી સંગમના કિનારે શ્રાદ્ધ કર્મ કર્યુ હતુ. શ્રી ક્રૃષ્ણ ભગવાને પણ પોતાનો દેહોત્સર્ગ આ જ કિનારે કર્યો હતો. જેથી શાસ્ત્રોમાં પાંચ તીર્થ ક્ષેત્રોમાં ઉત્તમ તીર્થ પ્રભાસક્ષેત્ર કહેવાયુ છે. અને અહી સોમવતી અમાસે સ્નાન કરવાથી સાત જન્મોના પાપનું નિવારણ થાય છે, તેવુ શાસ્ત્રોમાં વીદીત હોવાનું તીર્થ પુરોહિત જયદેવભાઇ જાની જણાવી રહ્યા છે.

ભક્તો સોમવતી અમાસે પીપળાના વૃક્ષને પાણી ચડાવી પિતૃતર્પણ કરતા મળ્યા જોવા

આજે સોમવતી અમાસના પાવન દિવસે સોમનાથ સાંનિઘ્‍ય હિરણ, કપીલા અને સરસ્‍વતી નદીના સંગમ એવા ત્રિવેણી સંગમ ઘાટ ખાતે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તજનો ડુબકી લગાવી સ્નાન કરી પીપળાના વૃક્ષને પાણી ચડાવી પિતૃતર્પણ કરી રહ્યા હતા. ભાવિકો પોતાના પિતૃઓને યાદ કરી શ્રાદ્ધાદિક કર્મ કરવાથી આરોગ્ય, સુખ, શાંતી તેમજ સમૃદ્ધી પ્રાપ્ત થતી હોવાનું પુરાણોમાં પણ ઉલ્‍લેખ સાથે પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાનનું અતી મહત્વ જણાવ્યું છે. જેથી આજે આ અલભ્ય દિવસનો લાભ લઇ મોટી સંખ્‍યામાં ભાવિકો ધન્યતા પ્રાપ્ત કરતા જોવા મળ્યા હતા.

મહાસાગરમાં સ્નાન કરી ભાવિક પ્રસન્નતા પ્રાપ્ત કરે છે

આ પવિત્ર ભૂમિમાં પ્રસ્થાપિત આધ્યાત્મિક ચેતનાના મહાસાગરમાં સ્નાન કરી ભાવિક પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. કોઇ રોગના નિવારણ માટે, કોઇ દરીદ્રતાના નિવારણ માટે.તો કોઇ આરોગ્યની સુખાકારી માટે આજ મોક્ષદાયીની અમાસના દિવસે પોતાના પીતૃઓને યાદ કરી પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરી યથા યોગ્ય દાન કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

સોમવતી અમાસ

ભક્તો પૂજા-અર્ચના કરી ધન્યતા પ્રાપ્‍ત કરી પુણ્યનું ભાથું બાંધે છે

સોમનાથ નજીક જ આવેલા પ્રખ્‍યાત યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે મોક્ષ પીપળે પાણી ચઢાવવા માટે સોમવતી અમાસના પાવન દિવસે માનવ મહેરામણ ઉમટયો હતો. સૌરાષ્ટ્રભરમાંથી આજે સોમવતી અમાસના પાવન દિવસે યાત્રાળુઓ મોટી સંખ્યામાં સોમનાથ નજીકના પ્રાચી તીર્થ ખાતે પહોંચે છે. પ્રાચી તીર્થની સરસ્વતી નદીના કુંડમાં સ્નાન કરી મોક્ષ પીપળે પોતાના પિતૃઓના મોક્ષ માટે પાણી ચઢાવી યથાશક્તિ દાન-દક્ષિણા બ્રાહ્મણોને આપીને શ્રી માધવરાયજી પ્રભુ જે સરસ્વતી નદીમાં બિરાજમાન છે તેમના દર્શન કરી તથા સરસ્વતી તટ પર બિરાજતા છ-છ શિવ મંદિરોમાં પણ પોતાની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરીને ધન્યતા પ્રાપ્‍ત કરી પુણ્યનું ભાથું બાંધે છે.

પિતૃ અમાસે લોકમેળામાં યાત્રાળુઓ ભારે માત્રામાં ઉમટ્યા

આ પિતૃ અમાસે લોકમેળામાં યાત્રાળુઓ ભારે માત્રામાં ઉમટ્યા હતા. ભક્તિ તથા ભજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને પોતાને ધન્યતા અનુભવતા જોવા મળે છે. સૌરાષ્ટ્રભરમાં આ લોકમેળામાં સોમવતી અમાસે સો વાર કાશી એક વાર પ્રાચી તીર્થમાં હજારો યાત્રાળુ આવતા હોય ત્યારે અહીં જબરદસ્ત ટ્રાફિક પણ જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details