ગાંધીનગર : ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને વીજ ચોરીની ઘટનાઓ સામે આવી છે. જ્યારે દરિયાઈ તોફાનોમાં પણ વીજ કંપનીઓએ કરોડો રૂપિયાની ખોટ જાય છે ત્યારે બીપરજોય અને તાઉતે વાવાઝોડામાં કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું.આ અનુસંધાને મહત્ત્વની ખબર સામે આવી રહી છે. હવે વીજ કંપનીઓને આર્થિક નુકશાન અને ચોરીમાં થતું નુક્શાન અટકાવવા માટે ખાસ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને 45,000 કરોડ રૂપિયા પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સરકારી વીજ કંપનીઓના તમામ વીજ વાયર અંડર ગ્રાઉન્ડ કરવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
વીજ થાંભલા ભૂતકાળ બની જશે : 45,000 કરોડ રૂપિયાના પ્રોજેકટમાં 1094 કિલોમીટરના વીજ વાયર અંડર ગ્રાઉન્ડ કરાશે. રાજ્યના ઊર્જા વિભાગ તરફથી મળતી માહિતી મુજબ ગુજરાતની PGVCL, UGVCL, MGVCL અને DGVCL ના તમામ વાયરો કે જે હાલમાં હવામાં થાંભલાના ટેકે રાખીને વીજળી સપ્લાય કરી રહ્યા છે. ત્યારે આ તમામ વાયરો ભૂતકાળ બની જશે, કારણ કે હવે તમામ વીજ કંપનીઓ દ્વારા વીજ વાયરોને અંડર ગ્રાઉન્ડ બનાવવાનું કામ હાથ પર લેવામાં આવ્યું છે.
1094 કિલોમીટરના વાયરો અંડર ગ્રાઉન્ડ કરાશે :વીજ વાયરોને અંડર ગ્રાઉન્ડ કરવાના કામમાં કુલ 1094 કિલોમીટર વાયરો અંડર ગ્રાઉન્ડ કરવામાં આવશે. સાથે જ હાલમાં 992 કિલોમીટરના કામ માટે ટેન્ડર પણ બહાર પાડી કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં DGVCLમાં 417 કિલોમીટર, MGVCL 233 કિલોમીટર, UGVCL 543 કિલોમીટરના વાયરો કેબલોને અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં 25,000 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છેે અને કુલ પ્રોજેકટ 45000 કરોડ રુપિયાનો છે.
9000 કિલોમીટરના કેબલ અંડર ગ્રાઉન્ડ : વીજ ચોરી અને વીજ કંપનીઓને નુકશાન અટકાવવાના હેતુ સાથેના 45000 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે અંડર ગ્રાઉન્ડ કેબલિંગ અને મીડીયમ વોલ્ટેજ કવર કંડક્ટર માટેનો પ્રોજેકટ શરૂ થયો છે. માર્ચ 2025 સુધીમાં 9000 કિલોમીટરના કેબલ અંડર ગ્રાઉન્ડ કરાશે ત્યારે ગુજરાતમાં વીજ ચોરીને ઘટના સંપૂર્ણપણે ભૂતકાળ બની જશે.
શા માટે આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો? : ગુજરાતની વીજ કંપનીઓના વાયરો અને કેબલોને અંડર ગ્રાઉન્ડ કરવા બાબતે ગુજરાત રાજ્યના કેબિનેટ ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના અમુક ભાગોમાં વીજ ચોરીની ઘટનાઓ ખૂબ સામે આવી છે. લોકો લંગશીયાઓ નાખીને વીજ ચોરી કરતા હોય છે. ત્યારે આવી જ ચોરીને નાથવા માટે અને લોકોને ક્વોલિટી વીજળી પ્રાપ્ત થઈ શકે તે માટેની જ આયોજન રાજ્ય સરકારે દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરિયાઈ તોફાનોમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજના થાંભલાઓ અને વીજના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે. ત્યારે આ નુકસાનને અટકાવવા માટે પણ આ પ્રોજેક્ટ ખૂબ જરૂરી છે. જેથી આવનારા દિવસોમાં જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે સરકારના નુકસાનીના આંકડામાં પણ ઘટાડો જોવા મળશે.
કયારે શરુ થશે ક્યારે પૂરો થશે આ પ્રોજેક્ટ : જાન્યુઆરી 2024 થી શરૂ થશે અને માર્ચ 2025માં સમગ્ર પ્રોજેક્ટ પૂરો થશે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં પ્રોજેક્ટના કામનો પ્રથમ ફેઝ શરૂ થઈ ગયો છે. હજુ 4000 કરોડના પ્રોજેક્ટ માટેની મંજૂરી બાકી છે. જ્યારે આ પ્રોજેક્ટ પર DGVCL, PGVCL, MGVCL અને DGVCL દ્વારા ઝોન પ્રમાણે મોનીટર કરવામાં આવી રહ્યું છે. આ તમામ કામકાજનું સર્વેલન્સ સેન્ટ્લ ઓફિસ બરોડાથી કરવામાં આવી રહ્યું છે.
- Banaskantha News : નાવીસણામાં એક જ પરિવારના ત્રણ સભ્યો કરંટ લાગવાથી મોતને ભેટ્યાં, વીજતંત્રની બેદરકારીએ ભોગ લીધો?
- માલપુરમાં વીજ પોલ પરથી પક્ષીને બચાવવા જતાં શ્રમિકનું મોત