સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પ્રાધાન્ય ગાંધીનગર : ગુજરાત રાજ્યની 3 રાજ્યસભાની બેઠક પર ચૂંટણીની જાહેરાત થઈ છે. આગામી 18 જુલાઈના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે ભાજપ પક્ષ તરફથી 11 જુલાઈના રોજ ફક્ત વિદેશ પ્રધાન એસ. જયશંકરે ઉમેદવારી નોંધાવી હતી. બીજા બે નામ પર સતત ચર્ચા ચાલી રહી હતી. તેના પર આજે કેન્દ્રીય ભાજપ પક્ષે પૂર્ણવિરામ મૂક્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ અને વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલા પર રાજ્યસભાના ઉમેદવારનો કળશ ઢોળવામાં આવ્યો છે.
બાબુભાઈએ આભાર માન્યો : રાજ્યસભાની ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ બાબુભાઈ દેસાઈએ નિવેદન આપ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે રાજ્યસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે. તે બદલ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. ઉપરાંત અમિત શાહ, જે.પી. નડ્ડા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો પણ આભાર વ્યક્ત કરી રહ્યો છું. જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો પણ આભાર માનું છું. ખાસ સંગઠનના તમામ કાર્યકર્તાનો આભાર માનું છું.
શિક્ષણની જ્યોત અને દેશનો સર્વાંગી વિકાસ થાય ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે. ભારત દેશ વિશ્વની અંદર એક હરોળ કક્ષામાં આવી રહ્યું છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ માનવ તરીકેની ખ્યાતિ મેળવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે અમારી ફરજ છે કે, તેમની નૌકાની અંદર બેસીને તેમના કાર્યને તેના સ્થાને પહોંચાડીએ. ઉપરાંત અમે સંપૂર્ણપણે નિષ્ઠાપૂર્વક કામ કરીશું.-- બાબુભાઈ દેસાઈ (રાજ્યસભા ઉમેદવાર)
કેસરીદેવસિંહ ઝાલાનું નિવેદન :રાજ્ય સભામાં ત્રીજા ઉમેદવાર તરીકે દાવેદારી કર્યા બાદ કેસરીદેવસિંહ ઝાલાએ નિવેદન આપ્યું હતું કે, ગુજરાતના રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીએ કોઈ નામચીન અથવા સિનિયર નહીં, પરંતુ એક સામાન્ય કાર્યકર્તાની નિમણૂક કરી છે. ત્યારે હું તમામ ભાજપના દિગ્ગજ નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સી.આર. પાટીલનો આભાર વ્યક્ત કરું છું. હું એક સામાન્ય કાર્યકર્તાની જેમ જ ભાજપ પક્ષ સાથે જોડાયેલો છું.
રાજકીય રણનિતિ : રાજ્યસભાના બે ઉમેદવાર તરીકે ભાજપ પક્ષ દ્વારા બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવી છે. બાબુભાઈ દેસાઈ ભાજપમાં કાંકરેજના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ઉત્તર ગુજરાત સાથે જોડાયેલા છે. ઉપરાંત બાબુભાઈ દેસાઈને રબારી સમાજના ભામાશા તરીકે ઓળખવામાં આવે છે. વાંકાનેરના રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાની રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ સૌરાષ્ટ્ર ઝોનથી આવે છે. આમ રાજ્યસભામાં ભાજપ પક્ષે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પ્રાધાન્ય આપ્યું છે.
ઉમેદવારોને શુભેચ્છા :રાજ્યસભામાં ઉમેદવારી કરવા માટે બંને ઉમેદવારો સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરાંત કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાન, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ખાસ ઉપસ્થિત હતા. ઉમેદવારી કર્યા બાદ વિધાનસભામાં આવેલ સીએમ ઓફિસમાં ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલે બન્ને ઉમેદવારોને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું.
- Uniform Civil Code : AAPના વિચારો બદલ્યા, આદિવાસી સમાજના નેતા કહ્યું કે, આ સિવિલ કોડથી અધિકારો નષ્ટ થઈ જશે
- Shaktisinh Gohil Exclusive: શક્તિસિંહ ગોહિલની ETV ભારત સાથે ખાસ વાતચીત, જુઓ યુનિફોર્મ સિવિલ કોડ મામલે શું કહ્યું...