ગુજરાત

gujarat

વાપીમાં ચૈતાલી ગ્રુપની બહેનોનો ગાંધી વિચારો સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ

By

Published : Oct 3, 2021, 4:24 PM IST

10 બહેનોના ગ્રુપે અનોખી રીતે ઉજવી ગાંધી જયંતિ

વાપીમાં ગાંધી જયંતિના દિવસે વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓ બનાવતા મહિલા ગ્રુપની બહેનોએ પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ આપ્યો હતો. દૂધની નકામી થેલી, નકામી બોટલો સહિતની કચરાતુલ્ય ચીજવસ્તીઓમાંથી ઘરની શોભા વધારતી ચીજવસ્તુઓ કેવી રીતે બનાવી શકાય તેનું પ્રદર્શન યોજી સંસ્થાની બહેનોએ ગાંધીજીની સ્વચ્છ ભારતની નેમ સાકાર કરવા નગરજનોને અપીલ કરી હતી.

  • 10 બહેનોની સંસ્થા બનાવે છે વેસ્ટમાંથી બેસ્ટ
  • ગાંધી જયંતિએ આપ્યો સ્વચ્છતાનો સંદેશ
  • ઘરની શોભા વધારતી ચીજવસ્તુઓ બનાવે છે

વાપી: મહાત્મા ગાંધી(Gandhi Jayanti ) મહિલાઓ પગભર થાય, આવડત મુજબ કંઈક ઉપયોગી ચીજવસ્તુઓ બનાવી પરિવારને આર્થિક મદદ કરી શકે તેવા વિચારોના આગ્રહી હતા. જે વિચારોને જીવનમાં ઉતારી વાપીમાં 10 જેટલી બહેનો વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓ બનાવે છે. ચૈતાલી ગ્રુપની આ બહેનોએ વાપીમાં ગાંધી જયંતિના દિવસે વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજી પર્યાવરણ જાગૃતિનો (Environmental Awareness)અનોખો સંદેશ આપ્યો હતો.

10 બહેનોના ગ્રુપે અનોખી રીતે ઉજવી ગાંધી જયંતિ

પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતાનો સંદેશ

2 ઓક્ટોબર દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ હતો. ગાંધીજીએ દેશની આઝાદીમાં અનોખું યોગદાન આપી અહિંસક લડત ચલાવી દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવી હતી, જેમની જન્મ જયંતીની ઉજવણી સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. વાપીમાં પણ વાપી નગરપાલિકાએ સ્વચ્છતા રેલી યોજી ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. ત્યારે અહીં ચૈતાલી ગ્રુપની મહિલાઓએ પણ અનોખી રીતે ગાંધી જયંતીની ઉજવણી કરી પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

3 વર્ષથી આ પ્રવૃત્તિ કરી રહ્યા છે

આ અંગે ચૈતાલી સ્વસહાય જૂથના શિલ્પા શિંદેએ જણાવ્યું હતું કે, તેમનું ગ્રુપ છેલ્લા 3 વર્ષથી આ પ્રવૃત્તિ કરી રહ્યું છે. જેમાં તેઓ દૂધની નકામી થેલી, નકામી બોટલો સહિતની કચરો ગણાતી ચીજવસ્તુઓમાંથી ઘરની શોભા વધારતી ચીજવસ્તુઓ બનાવે છે. 10 બહેનોની આ સંસ્થા છે.

10 બહેનોના ગ્રુપે અનોખી રીતે ઉજવી ગાંધી જયંતિ

તૂટેલી ફુટેલી વસ્તુઓમાંથી આકર્ષક વસ્તુ

શિલ્પા શિંદે અને તેમની સભ્ય બહેનો વેસ્ટ કહેવાતી પ્લાસ્ટિકની ચમચીઓમાંથી કેન્ડલ હોલ્ડર, દૂધની પ્લાસ્ટિકની થેલીઓમાંથી મનમોહક તોરણ, કાચની બોટલમાંથી શૉ-પીસ, ફ્લાવર પૉટ, નકામી તૂટી ગયા બાદ ફેંકી દીધેલી બંગડીઓમાંથી જ આકર્ષક બંગડીઓ જેવી વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓ બનાવે છે.

સંસ્થાની બહેનો અન્ય બહેનો માટે ક્લાસિસ ચલાવે છે

વાપીમાં ગુંજન વિસ્તારમાં રહેતી અને ઘરે રહીને વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓ બનાવતી આ બહેનોનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ જાગૃતિનો છે. દેશમાં ઠેરઠેર પ્લાસ્ટિકના કચરાને કારણે ગંદકી વધતી હોય છે અને આવા કચરાને કારણે પર્યાવરણને નુકસાન પહોંચે છે. ત્યારે આ અંગે લોકોમાં જાગૃતિ આવે, લોકો પણ આવી નકામી ચીજોનો ઉપયોગ કરી કંઈક અવનવું બનાવી શકે તે માટે વિશેષ ક્લાસિસ પણ ચલાવે છે.

10 બહેનોના ગ્રુપે અનોખી રીતે ઉજવી ગાંધી જયંતિ

નગરપાલિકાએ સંસ્થાની કામગીરી બિરદાવી

ઉલ્લેખનીય છે કે સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીજીના વિચારોમાંથી પ્રેરણા લઈ વાપીના ચૈતાલી સ્વસહાય જૂથની બહેનોએ અનેક મનમોહક ચીજવસ્તુઓ બનાવી છે. શેરીઓ-ગલીઓમાં, સોસાયટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય ઉભું થતું અટકાવવા અને પર્યાવરણને બચાવવાના આ સરાહનીય પ્રયાસ થકી સંસ્થાની બહેનો પોતાના પરિવારને આર્થિક મદદ પણ કરી રહી છે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે નગરપાલિકાએ તેમની આ કામગીરીને બિરદાવીહતી. ઉપસ્થિત શહેરીજનોએ પણ વેસ્ટમાંથી બેસ્ટ બનેલી ચીજવસ્તીઓને નિહાળી પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતાના શપથ લીધા હતા

ABOUT THE AUTHOR

...view details