ગુજરાત

gujarat

આર્થિક સંકળામણે લીધો માતા અને પુત્રીનો ભોગ, ધાર ગામમાં ગળે ફાંસો ખાઈને માતા-પુત્રીએ કરી આત્મહત્યા

By

Published : Sep 2, 2021, 5:22 PM IST

Suicide in Dhar village

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધાર ગામમાં કંપારી છૂટી જાય તેવો બનાવ સામે આવ્યો છે. આર્થિક પરિસ્થિતિ સતત નબળી બનતી જવાને કારણે તેમજ ઘરમાં બે દિકરીના સામાજિક કાર્યોને ટૂંકા સમયમાં પહોંચી નહીં વળવાની ચિંતાને કારણે માતા અને પુત્રીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

  • આર્થિક સ્થિતિ નબળી બનતી જવાને કારણે માતા અને પુત્રીએ ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા
  • નજીકના સમયમાં બે પુત્રીઓના સામાજિક કાર્યો પૂર્ણ નહીં થવાની ચિંતાએ આત્મહત્યા કરી
  • પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અમરેલી: જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધાર ગામમાં બુધવારે માતા અને પુત્રીએ એક સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા જિલ્લામાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. ધાર ગામમાં મહેતા ખીચડીયા પરિવારના પત્ની અને પુત્રીએ આર્થિક સંકળામણ તેમજ ખુબ નજીકના સમયમાં એક સાથે બે સામાજિક પ્રસંગોને પૂર્ણ નહીં કરી શકવાની ચિંતામાં મોતને વ્હાલું કર્યું છે. મૃતક હંસાબેનના પતિએ સાવરકુંડલા પોલીસ મથકમાં તેમના પત્ની અને પુત્રીએ સાડી વડે ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે, તેવી ફરિયાદ નોંધાવતાં સાવરકુંડલા પોલીસ આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.

જે ઘરમાં બે પ્રસંગ યોજાવાના હતા તે ઘરમાં બે આત્મહત્યા

ખીચડીયા પરિવારમાં તેમની દીકરીને ત્યાં સંતાનનો જન્મ થયો છે. દીકરીને સાસરે વળાવવા માટે આણાનો સામાજિક પ્રસંગ યોજવાને લઈને પરિવારમાં આયોજન થઈ રહ્યું હતું. આવા સમયે મૃતક પુત્રીના પણ વેવિશાળનો પ્રસંગ યોજવાની વાત ચાલી રહી હતી. આર્થિક સંકળામણ અને ખૂબ ટૂંકા સમયમાં બે સામાજિક પ્રસંગોને એક સાથે નહીં પહોંચી વળાય તેવી ચિંતામાં માતા અને પુત્રીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક સંકળામણે બે વ્યક્તિના જીવ લીધા છે. સમગ્ર મામલામાં પોલીસ તપાસ કરી રહી છે પરંતુ જે પ્રકારે આર્થિક સંકળામણ આત્મહત્યા સુધી લઈ જઈ શકે છે, તેને લઈને અમરેલી જિલ્લામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જે ઘરમાં શુભ પ્રસંગને લઈને ખુશીનું વાતાવરણ સર્જવા જઈ રહ્યું હતું તે ઘરમાં એક સાથે બે વ્યક્તિની આત્મહત્યાથી ભારે ગમગીની જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details