નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની બાકીની ત્રણ મેચો માટે પોતાની T20 ટીમમાં મોટા ફેરફાર કર્યા છે. ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિજેતા ટીમના છ ખેલાડીઓ હવે તેમના દેશ પરત જવાના છે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચાલી રહેલી પાંચ મેચની T-20 શ્રેણીમાંથી વિશ્વ કપની ટીમમાં સામેલ પોતાના ખેલાડીઓને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના X એકાઉન્ટ પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, સ્ટીવ સ્મિથ અને એડમ ઝમ્પા ત્રીજી ટી20 મેચ પહેલા જ ઘરે પરત ફર્યા છે. જ્યારે ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, જોશ ઇંગ્લિસ અને સીન એબોટ મંગળવારે ગુવાહાટીમાં ત્રીજી T20 મેચ બાદ બુધવારે સ્વદેશ પરત ફરશે.
ઓસ્ટ્રેલિયા મેનેજમેન્ટ દ્વારા નિર્ણય: બે મહિનાથી વધુ સમયથી ભારતમાં રોકાયેલા ખેલાડીઓ માટે ઓસ્ટ્રેલિયાના મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમાંના મોટાભાગના ખેલાડીઓ વિશ્વ કપ પહેલા ઓસ્ટ્રેલિયા અને ભારત વનડે શ્રેણીનો પણ ભાગ હતા. વર્લ્ડ કપ રમી રહેલા ટ્રેવિસ હેડ એકમાત્ર સભ્ય છે જે આ ટી20 સિરીઝની બાકીની મેચો માટે ભારતમાં રહેશે. વર્લ્ડ કપ ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહેલા હેડને હજુ સુધી એક પણ T-20 મેચમાં રમવાની તક મળી નથી.
કયા ખેલાડીઓ ટીમ સાથે જોડાયા:આશા છે કે ડાબોડી ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ ત્રીજી T20 મેચમાં ઓપનિંગ કરશે. ઓસ્ટ્રેલિયામાં વિકેટકીપર-બેટ્સમેન જોશ ફિલિપ અને બિગ-હિટર બેન મેકડર્મોટ ગુવાહાટીમાં ટીમ સાથે જોડાઈ ચૂક્યા છે. બેન દ્વારશુઈસ અને ઓફ સ્પિનર ક્રિસ ગ્રીન બુધવારે રાયપુરમાં ચોથી T20 મેચ પહેલા ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે.