- 508 કિલોમીટરમાંથી 237 કિલોમીટર ટ્રેકની કામગીરી માટે બીડ
- ટેક્નિકલ બીડ માટે ટેન્ડર ભરનારી ચારેય કંપનીઓ ભારતની છે
- બુલેટ ટ્રેનના કોચ કેવા હશે, તે જાણવા માટે વાંચો આ અહેવાલ
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના કામની રફતાર હવે ઝડપી થવા લાગી છે. 508 કિલોમીટરનો રૂટ ધરાવનાર હાઈ સ્પીડ બુલેટ ટ્રેન રૂટના 237 કિલોમીટર ટ્રેકની કામગીરી માટે પેકેજ C-4 હેઠળ ટેન્ડરનો ટેક્નિકલ કોન્ટ્રાક્ટ જાહેર કરાયો છે. આ રૂટ વાપીથી વડોદરા સુધી બનશે. આ ટેક્નિકલ બીડ માટે ટેન્ડર ભરનારી ચારેય કંપની ભારતની છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા આ કંપનીઓના નામ સાર્વજનિક કરાયા છે.
હવાના દબાણને દૂર કરવા માટે શું હશે?
ટૂંક સમયમાં બુલેટ ટ્રેનની કામગીરીની ઝડપથી શરૂઆત થઈ જશે. હવાઈ યાત્રા દરમિયાન યાત્રીઓને કાનમાં દબાણનો અનુભવ થતો હોય છે. તેવી જ રીતે જ્યારે બુલેટ ટ્રેન સુરંગમાંથી પાસ થાય તેવો જ અનુભવ યાત્રીઓને થઈ શકે છે . જ્યારે બુલેટ ટ્રેન સુરંગમાંથી પસાર થશે ત્યારે હવાના દબાણમાં અંતર હોઈ શકે છે જેના કારણે કાનમાં પીડાનો યાત્રીઓને અનુભવ થાય છે. આ અસુવિધા દૂર કરવા માટે ટ્રેનના કોચ સંપૂર્ણપણે એરટાઈટ રહેશે. જેથી કારણે યાત્રીઓને કોઈ તકલીફનો સામનો નહિ કરવો પડે.
અવાજ અને ધ્રુજારી ઘટાડવા માટે શું હશે?
અવાજ કોઈપણ મશીનરીનો એક ભાગ હોય છે. યાત્રીઓ અને હાઇ સ્પીડ રેલ નેટવર્કની આસપાસ રહેનારા લોકોને તકલીફ ઓછી થાય એ માટે એન્જિનિયર દિવસ-રાત કામ કરી રહ્યા છે. અવાજને ઓછો કરવા માટે અનેક વિશિષ્ટતાઓને શામેલ કરવામાં આવશે. દાખલા તરીકે રેલ કોચ ટ્રસ સેક્શનની સાથે ડબલ સ્કિન હૉલો એલ્યુમિનિયમ એક્સટ્યૂઝન, ઍર ટાઈટ ફ્લોર, ટ્રેનના ડબ્બામાં ધ્વનિ અવશોષિત કરનાર ગુણ, ડબ્બા વચ્ચે ફેરિંગસ, પૈન્ટોગ્રાફ માટે નોઈઝ ઇન્સ્યુલેશન પેનલ હશે. તમામ કોચ પર એક્ટિવ સસ્પેન્શન સિસ્ટમ ફીટ કરવામાં આવશે. જે કોચને પડતા આંચકાઓને ઓછા કરશે. આ સસ્પેન્શન સિસ્ટમ એ પારંપરિક સસ્પેન્શન સિસ્ટમ કરતા જુદી હોય છે. જેમાં એક્યુએટર અને કન્ટ્રોલર હોય છે. જે ટ્રેનને બિનજરૂરી હલનચલન કરવાથી રોકશે.
ટ્રેનના ક્રૂ સાથે એક બટન દબાવીને વાત કરી શકાશે
પ્રવાસીઓ સાથે નિયમિત વાતચીત માટે તમામ કોચ અદ્યતન પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમથી સજ્જ હશે. ડિસ્પ્લેમાં ટ્રેનનું નામ અને નંબર, વર્તમાન સ્ટેશન, નેક્સ્ટ સ્ટોપ સ્ટેશન અને ડેસ્ટિનેશનને લગતી તમામ વિગતો, ઈમરજન્સી માહિતી, લેખિત સમાચાર, બારણું ખોલવાની બાજુ અને ઝડપ વગેરે જેવી માહિતી દર્શાવવામાં આવશે. કોચમાં LCD ડિસ્પ્લે ઉપરાંત, વોઇસ કમ્યુનિકેશન (પબ્લિક એડ્રેસ) સિસ્ટમ, ઓટોમેટિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ઇમરજન્સી કોલ સાધનો, વાયર્ડ/વાયરલેસ ઇન્ટરફોન (ક્રૂ માટે) રાખવામાં આવશે. તમામ પેસેન્જર કેબિન અને તમામ ટોઇલેટમાં ઇમરજન્સી ઇન્ટરકોમ સિસ્ટમ પૂરી પાડવામાં આવશે. પ્રવાસીઓ કોઈપણ કટોકટીની સ્થિતિમાં ટ્રેનના ક્રૂ સાથે એક બટન દબાવીને વાત કરી શકશે.
આધુનિક પેસેન્જર એરક્રાફ્ટ જેવી મળશે સુવિધાઓ
આ ટ્રેનોમાં ફર્સ્ટ ક્લાસ, બિઝનેસ ક્લાસ અને સ્ટાન્ડર્ડ ક્લાસ એમ ત્રણ અલગ અલગ ક્લાસ હશે. તમામ ક્લાસમાં બેઠકો સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવી છે અને પ્રવાસીઓના આરામ માટે પૂરતી લેગ સ્પેસ પણ રાખવામાં આવી છે. વધુમાં, ટ્રેનોમાં LED લાઇટિંગ, ઓવરહેડ બેગેજ રેક જેવી સુવિધાઓ રાખવામાં આવી છે. ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસમાં સીટ ટિલ્ટ, વાંચન માટે લેમ્પ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. ટૂંકમાં બુલેટ ટ્રેનમાં એ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જે એક આધુનિક પેસેન્જર એરક્રાફ્ટમાં આપવામાં આવે છે.