- સુરત વીજ કંપનીમાં કોરોનાનો પગ પેસારો
- 20 જેટલા કર્મચારીઓને કોરોના ભરખી ગયો
- 50 ટકા કર્મચારીઓ સાથે વીજ કંપની ચાલી રહી છે
સુરત: કોરોનાના ફફડાટ વચ્ચે પણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં કર્મચારીઓ ગ્રાહકોને સતત 24 કલાક વીજ પુરવઠો મળી રહે તે માટે કામગીરી કરી રહ્યા છે. પણ છેલ્લા 20 દિવસથી કાળમુખા કોરોના વાઇરસના સંક્રમણની અસર સતત વધતી જઇ રહી છે. પરિણામે હાલમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કોરોના સંક્રમણ સામે ઝઝુમી રહ્યા છે, અને 21 જેટલા કર્મચારીઓ મોતને ભેટ્યા છે. જેમાં ડેપ્યુુટી ઇજનેર,ઇલેકટ્રીક આસિસ્ટન્ટ સિનીયર આસિસ્ટન્ટ સહિતના કર્મચારીઓનો સમાવેશ છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પાલેજ, રાજપીપળા, વલસાડ, સુરત, સહિતના સમ્રગ દક્ષિણ ગુજરાતમાં મોતનો ફફડાટ હોવાથી વીજ કંપનીના કર્મચારીઓની માનસિક સ્થતિ પણ સતત કથળી રહી છે. આ સંજોગોમાં વીજ કંપની દ્વારા 50 ટકા કર્મચારીઓ થકી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે.
કર્મચારીઓના નાજુક સ્થિતિ તંત્રએ સમજવી જરૂરી
વીજ કંપનીના જે કર્મચારીઓ મોતને ભેટ્યા છે, તેમના પરિવારજનોને હાલ મરણના દાખલા મેળવવા સહિતની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. એટલુ જ નહીં પણ વીજ કંપનીના કર્મચારીઓને જો કોરોના થાય તે તેમના માટે હોસ્પિટલમાં દાખલ થવાની પણ કોઇ અલાયદી વ્યવસ્થા ન હોવાથી કર્મચારીઓના પરિસ્થિતિ નાજુક બની છે.