- રાજકોટમાં HIV કાંડ
- રાજકોટ સિવિલ હોસ્પિટલ પર અક્ષેપ
- લોહી ચડાવ્યા બાદ HIVનો ચેપ લાગ્યો હોવાની ઘટના
રાજકોટઃ જિલ્લા સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની સારવાર લઈ રહેલા એક બાળકને એચઆઇવીનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. આ સમગ્ર મામલે બાળકના પરિવારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલ પર અક્ષેપ કર્યા છે કે તેમના બાળકને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા એચઆઈવી ગ્રસ્ત લોહી ચઢાવવામાં આવ્યું છે. જેને લઇને તેમના બાળકને એચ.આઈ.વી.નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરિવારની સાથે કોંગ્રેસ પણ આ મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે આવી પહોંચ્યું હતું.
સમગ્ર મામલે તપાસ માટે 7 તબીબોની ટીમ બનાવાઇ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 14 વર્ષના બાળકને લોહી ચડાવ્યા બાદ HIVનો ચેપ લાગ્યો હોવાની ઘટના સામે આવતા હાહાકાર મચ્યો છે. જેને લઈને જિલ્લા કલેક્ટરને આ મામલે રજૂઆત કરવામાં આવી છે. જોકે આ મામલે અધિક કલેક્ટરની સૂચના અન્વયે 7 તબીબની એક કમિટી બનાવાઈ છે. તે 3 દિવસમાં રિપોર્ટ કરશે. સમિતિના વડા તરીકે વરિષ્ઠ સર્જન ડૉ.જતિન ભટ્ટની નિમણૂક કરાઈ છે. 14 વર્ષના બાળકને થેલિસિમિયા હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને ત્યાં જ રક્ત આપવામાં આવતું હતું. મહિનામાં બે વખત રક્ત અપાતું અને દર 6 મહિને એચઆઈવીના ટેસ્ટ કરાતા હોવાનું પણ સામે આવ્યું છે