- પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ પરત ફરી અમદાવાદ
- અમદાવાદ એરપોર્ટ પર તેમના સ્નેહીજનોએ ધામધૂમથી સ્વાગત કર્યું
- ઘાટલોડિયામાં થશે જાહેર સન્માન
અમદાવાદ- ટોક્યો પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસ રમતમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ પોતાના ઘરે અમદાવાદ પરત ફર્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર તેમના સ્નેહીજનોએ ખૂબ જ ધામધૂમથી તેમનું સ્વાગત કર્યું હતું. ખુલ્લી જીપમાં તેમને અમદાવાદ એરપોર્ટથી પોતાના ઘરે ઘાટલોડિયા ખાતે લઈ જવામાં આવ્યા હતા.
વડાપ્રધાનના વતનના ભાવિના પટેલ
ભાવિના પટેલનું મૂળ વતન મહેસાણા ખાતેનું વડનગર છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ મૂળ વતન છે. ટોક્યોથી દિલ્હી પરત ફર્યા બાદ ભાવિના પટેલે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને તેમને આશીર્વાદ આપ્યા હતા. ભાવિના પટેલે જણાવ્યું હતું કે, લોકોના પ્રેમ અને સહકારથી તેઓ આટલા આગળ વધી શક્યા છે. દિવસમાં આઠ કલાક મહેનતના અંતે તેમને પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે.
ફાઇનલમાં ચીની ખેલાડી સામે રમી મળ્યો સિલ્વર મેડલ
ભાવિના પટેલે ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાની ખેલાડીને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સેમીફાઇનલમાં તેણે ચીનની ઝેન્ગ મિઆઓને હરાવી હતી. જ્યારે ગોલ્ડ મેડલ માટેની મેચમાં તેને ચાઇનાની ઝો યિંગ સામે પરાજયનો સામનો કરવો પડયો હતો, પરંતુ તેને સિલ્વર મેડલ નિશ્ચિત કર્યો હતો.