નવી દિલ્હી:ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી BVR સુબ્રમણ્યમને NITI આયોગના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ પરમેશ્વરન ઐયરનું સ્થાન લેશે, જેમને વિશ્વ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ED) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા મંજૂરી:છત્તીસગઢ કેડરના 1987 બેચના IAS અધિકારી સુબ્રમણ્યમને 30 સપ્ટેમ્બરે તેમની નિવૃત્તિ પછી બે વર્ષના કરાર પર ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (ITPO) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સોમવારે જારી કરાયેલા કર્મચારી મંત્રાલયના આદેશ અનુસાર કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ સુબ્રમણ્યમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે.
બે વર્ષ માટે નિમણૂક:પદ સંભાળ્યાની તારીખથી બે વર્ષ માટે તેમની નિમણૂક કરવામાં આવી છે. નીતિ આયોગના CEO તરીકે સેવા આપી રહેલા ઐયરને ત્રણ વર્ષ માટે વિશ્વ બેંકના મુખ્યાલયમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિશ્વ બેંકનું મુખ્ય મથક અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે અય્યર 1988 બેચના IAS અધિકારી રાજેશ ખૂલ્લરનું સ્થાન લેશે, જેમને તેમના કેડર રાજ્ય હરિયાણામાં પાછા મોકલવામાં આવ્યા છે.