ન્યૂઝ ડેસ્કઃ કેન્દ્રીય કેબિનેટે 'STARS' (સ્ટ્રેન્ધનિંગ ટિચીંગ-લર્નિંગ એન્ડ રિઝલ્ટ્સ ફોર સ્ટેટ્સ) તરીકે ઓળખાતા નવા પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. વિશ્વ બેંકની આંશિક નાણાંકીય સહાય ધરાવતા આ પ્રોજેક્ટનો હેતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગુણવત્તાયુક્ત શિક્ષણનું ઘડતર કરીને શાળાકીય શિક્ષણને સુદ્રઢ કરવાનો છે. વાસ્તવમાં, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે વિજ્ઞાનના પ્રોજેક્ટ્સને સહાય પૂરી પાડવા માટે રૂ. 250 કરોડના બજેટ સાથે શરૂ કરેલા 'Stars' પ્રોજેક્ટનું ક્ષેત્ર અને હેતુ જુદાં છે. જાવડેકર જણાવે છે કે, તાજેતરની કામગીરીનો ઉદ્દેશ શિક્ષકની તાલીમ માટેની સુવિધાઓ સમૃદ્ધ કરવા માટે, બોર્ડની પરીક્ષાઓમાં સુધારો કરવા માટે તથા રોજગારીની તકો પૂરી પાડવા માટે શિક્ષણ વ્યવસ્થાની ક્ષમતા બહેતર બનાવવાનો છે.
આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 5,718 કરોડ છે, જેમાંથી રૂ. 3,700 કરોડનું ભંડોળ વિશ્વ બેંક દ્વારા પૂરું પાડવામાં આવશે. પ્રોજેક્ટ હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પરદેશ, કેરણ અને ઓડિશાનાં રાજ્યોમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવશે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) શાળાકીય શિક્ષણમાં ગુણવત્તાયુક્ત માપદંડો પ્રસ્થાપિત કરવાના હેતુ સાથે ગુજરાત, તમિલનાડુ, ઉત્તરાખંડ, ઝારખંડ તથા અસમ જેવાં રાજ્યોમાં સમાન પ્રકારની યોજનાઓમાં ભંડોળ પૂરું પાડી રહી છે. શગુન અને દીક્ષા જેવાં ઓનલાઇન પોર્ટલ્સની મદદથી રાજ્યો અન્ય સાથી રાજ્યોના અનુભવનો લાભ ઊઠાવી શકશે, તેવું કેન્દ્રીય મંત્રીઓ જણાવી રહ્યા હોવા છતાં, શું રાષ્ટ્રીય સ્તરે શાળાકીય શિક્ષણને સુદ્રઢ કરવા માટેનો આ વ્યવહારૂ માર્ગ છે ખરો? કેન્દ્રીય મંત્રીએ થોડા સમય અગાઉ જાહેરાત કરી હતી કે, દેશનાં 11 લાખ શિક્ષકોમાં શિક્ષણ ક્ષેત્રે યોગ્ય તાલીમનો અભાવ પ્રવર્તે છે. બિહાર અને પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક તથા માધ્યમિક શાળાનાં એક તૃત્યાંશ શિક્ષકો જરૂરી લાયકાત ધરાવતા નથી. આવી સ્થિતિમાં શું ગણ્યાગાંઠ્યા રાજ્યો પૂરતા મર્યાદિત નવા પ્રોજેક્ટ્સ દેશભરના શાળાકીય શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવશે ખરા?
વર્લ્ડ બેંકે તાજેતરમાં અંદાજ આંક્યો હતો કે, કોવિડ મહામારીના કારણે ભારત શૈક્ષણિક સંસ્થાઓ બંધ થવાના કારણે રૂ. 30 લાખ કરોડ ગુમાવશે અને સાથે જ દેશભરનાં વિદ્યાર્થીઓ શિક્ષણની તકો ગુમાવશે. જો કોરોનાના સંકટના એક વર્ષમાં જ દેશ આટલું નુકસાન વેઠશે, તો વર્ષોથી યોગ્યતા અને તાલીમબદ્ધતાનો અભાવ ધરાવતા શૈક્ષણિક સ્ટાફ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના અભાવને કારણે વિદ્યાર્થીઓને થઇ રહેલું નુકસાન વર્ષોથી ખમી રહેલા દેશને થયેલા મહાકાય નુકસાનનો અંદાજ કેવી રીતે આંકવો? કોઠારી કમિશન, ચટ્ટોપાધ્યાય સમિતિ અને યશપાલ સમિતિએ દેશમાં શિક્ષણ વ્યવસ્થા કેવી રીતે વિકસિત થવી જોઇએ તે અંગે વિસ્તૃત નિરૂપણ કર્યું હોવા છતાં દાયકાઓ સુધી સરકારોની પ્રતિક્રિયા તે પ્રત્યે ઉદાસીન રહી છે. શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ હાંસલ કરવા માટે ત્રણ વર્ષ અગાઉ રાઇટ ટુ એજ્યુકેશન અધિનિયમમાં સુધારો કરીને શાળાના શિક્ષકો માટે તાલીમ લેવી ફરજીયાત કરવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિમાં ખાસ કોઇ સુધારો થયો નથી.
નિષ્ણાતોના પીઠબળ સાથે દેશભરના 42 લાખ શાળા શિક્ષકોનાં શિક્ષણ કૌશલ્યોમાં સુધારો લાવવા માટે ગયા વર્ષે ‘શિક્ષા’ નામના બે સ્તરના તાલીમ કાર્યક્રમની પરિકલ્પના કરવામાં આવી હતી, જે હજી સુધી શરૂ થયો નથી. કેન્દ્ર સરકારે વ્યાપક સુધારાત્મક કાર્યવાહી પ્રત્યે યુદ્ધના ધોરણે કટિબદ્ધતા દાખનારા અને ઉચ્ચ શૈક્ષણિક માપદંડો હાંસલ કરવા ક્ષેત્રે કાબેલ કેન્દ્રો તરીકે ઊભરી રહેલા અન્ય દેશો પાસેથી પ્રેરણા લેવી જોઇએ. દક્ષિણ કોરિયા, ફિનલેન્ડ, સિંગાપોર અને હોંગકોંગ પ્રતિભાશાળી વ્યક્તિઓની ઓળખ કરીને અને સાતત્યપૂર્ણ તાલીમ અને આકર્ષક પગારની ઓફર કરીને તેમને શિક્ષણના ક્ષેત્રમાં આમંત્રણ આપીને આ ક્ષેત્રે નવતર પહેલ તરફ આગેકૂચ કરી રહ્યા છે. કૌશલ્ય ધરાવતા શિક્ષકો અને સમર્પિત શિક્ષણવિદો જ કોઇપણ દેશમાં શ્રેષ્ઠ એન્જિનીયરો, ડોક્ટરો, વકીલો અને અન્ય વ્યાવસાયિકો તૈયાર કરે છે. દેશમાં શિક્ષકોના શિક્ષણનું સર્વોચ્ચ સ્તર સિદ્ધ કરવાનો હેતુ પાર પાડવા માટે શાળાકીય શિક્ષણમાં સુધારો લાવવા માટે અને વર્તમાન સમયની ઊણપોને દૂર કરવા માટે રાષ્ટ્રીય સ્તરે આઇઆઇટી અને આઇઆઇએમ જેવી સ્વાયત્તતા અને સ્વતંત્રતા સાથેની સર્વોચ્ચ સંસ્થા પ્રસ્થાપિત કરવી જરૂરી છે.