ગુજરાત

gujarat

Vadodara News : સૂરસાગરમાં બોટિંગનો કોન્ટ્રાકટ વડોદરા કોર્પોરેશને તાત્કાલિક રદ કર્યો

By ETV Bharat Gujarati Team

Published : Feb 1, 2024, 11:39 AM IST

હરણી બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોત બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા સૂરસાગર તળાવમાં બોટિંગનો કોન્ટ્રાક્ટ અને સંચાલન અંગે વિઝિટ કરી હતી. જેમાં કેટલીક અનિયમિતતાઓ સામે આવી હતી. જેનો જવાબ સૂરસાગરમાં બોટિંગનો કોન્ટ્રાકટ ધરાવનારા દ્વારા આપવામાં ન આવતાં કરારને તાત્કાલિક ધોરણે વડોદરા કોર્પોરેશને રદ કર્યો છે.

Vadodara News : સૂરસાગરમાં બોટિંગનો કોન્ટ્રાકટ વડોદરા કોર્પોરેશને તાત્કાલિક રદ કર્યો
Vadodara News : સૂરસાગરમાં બોટિંગનો કોન્ટ્રાકટ વડોદરા કોર્પોરેશને તાત્કાલિક રદ કર્યો

વડોદરા : હરણી તળાવ ખાતે બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો સહિત 14 નિર્દોષોના ભોગ લેવાધો જેના કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સૂરસાગર તળાવમાં બોટિંગ બંધ કરાવીને બોટિંગ માટે ઇજારદાર સાથે કરેલો કોન્ટ્રાકટ કેટલાક શરતોનો ઇજારદારે ભંગ કરતા તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે. જાણવા મળતી માહિતી મુજબ મ્યુનિ. કમિશનર દિલીપ રાણાએ આ અંગે હુકમ કર્યો છે અને આ હુકમની જાણ ઇજારદાર, ભાગીદારો, ડાયરેકટર કે ઓપરેટરોને કરીને હુકમ બજાવી દેવા સૂચના જારી કરી છે.

સૂરસાગરમાં બોટિંગનો કોન્ટ્રાકટ : વડોદરા મહાનગર પાલિકા દ્વારા સૂરસાગર તળાવમાં 7 વર્ષ માટે બોટિંગ શરુ કરવા સ્થાયી સમિતિએ તા 26-8-2022ના રોજ ઠરાવ કરી મંજૂરી આપી હતી. જેમાં તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાની શરતે આ માટે હુકમ તા.26-9-2022થી 7 વર્ષ માટે ઇજારદાર હાઇડ્રો ડાઇવર્સ એન્ડ એન્જિનિયર્સને આપ્યો હતો. બોટિંગ માટે આવતા લોકોની સંપૂર્ણ સલામતી જળવાઇ રહે તે હેતુસર 38 શરતો મુકી હતી અને તેનું પાલન કરવાની શરત સાથે તા.7-10-2022થી ઇજારદાર સાથે કરાર કર્યો હતો.

હરણી લેકઝોનની ઘટનાને લઈને કડક કાર્યવાહી : તા.18-01-2024ના રોજ સાંજે હરણી લેકઝોન તળાવમાં શાળાના બાળકો અને શિક્ષકો સાથેની એક બોટ પલટી જતા 14ના મોત થયા હતા. જે સંદર્ભે સૂરસાગર તળાવ ખાતે બોટિંગ માટે આવતા પ્રવાસીઓની સંપૂર્ણ સલામતી જળવાઇ રહે તે અંગે ઇજારદારને પત્ર પાઠવી દર્શાવેલી તમામ વિગતો અને સુચનોની સંપુર્ણપણે પુર્તતા કરવામાં ન આવે ત્યાં સુધી બોટિંગ સંપૂર્ણ બંધ રાખવા કહ્યું હતું. તેમજ પાલિકાના પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર સાથે ટીમની સભ્યો દ્વારા તા.21-1-2024ના રોજ સૂરસાગર તળાવ ખાતે વિઝિટ કરી હતી. જેમાં ફાયર એન.ઓ.સી. તથા પેડલ તેમજ એન્જિનવાળી બોટના ફિટનેસ સર્ટિફિકેટ 3 દિવસમાં રજૂ કરવા સૂચના આપી હતી.

ઇજારદાર દ્વારા સલામતીના નિયમોનો ભંગ : તા.27 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યે સૂરસાગર તળાવ ખાતે એક સ્પીડ બોટમાં કુલ 4 વ્યકિત સવાર થઇ તે પૈકી ફકત ત્રણેજ લાઇફ સેવિંગ જેકેટ પહેર્યા હતા અને બોટ ચલાવવામાં આવી હતી. આમ, ઇજારદાર દ્વારા સલામતી અંગેના પ્રાથમિક નિયમોનો ભંગ કરી બોટમાં સવાર સભ્યોનો જીવજોખમમાં મુકેલો હતો. એટલુંજ નહીં બોટિંગ સંપૂર્ણ બંધ રાખવા જણાવેલું હોવા છતાં તેનો ચુસ્તપણે અમલ કર્યો ન હતો. કોઇપણ પ્રકારની પરવાનગી મેળવ્યા વિના ઇજારદારે સલામતીના નિયમોનો ભંગ કરી બિનઅધિકૃત રીતે બોટનો ઉપયોગ કરેલ હોઇ કરાર તાત્કાલિક અસરથી રદ કરવા બાબતે કાર્યવાહી કેમ ન કરવી તે અંગે 1 દિવસમાં જવાબ રજૂ કરવા જણાવેલું હતું. કરારની અમુક શરતોનો ભંગ કરવા તેમજ જરુરી કાગળો આજ સુધીમાં જમા કરાયા ન હોવા ઉપરાંત કેટલાક મુદ્દાઓની પૂર્તતા ઇજારદાર દ્વારા આજ સુધી કરવામાં આવેલ ન હતી. બોટિંગ બંધ રાખવા સૂચના આપી હોવા છતાં તા.27ના રોજ સલામતીના નિયમોનો ભંગ કરી બિનઅધિકૃત રીતે બોટનો ઉપયોગ કર્યો હતો. ફયાર એન.ઓ.સી. તથા પેડલ અને એન્જિનવાળી બોટના ફિટનેસ સર્ટીફીકેટ આજ સુધી રજૂ કર્યા ન હોવા ઉપરાંત ઇજારદાર દ્વારા કોઇ જવાબ રજૂ કરવામાં આવેલો ન હતો.

મુદત પહેલાં કરાર વડોદરા કોર્પોરેશને રદ કર્યો : ઇજારદાર દ્વારા કરારની શરતોનો સીધો ભંગ કરવામાં આવેલ તેમજ સલામતીના કારણોસર તેમજ કરારની શરત નં.28 મુજબ જો સંચાલક નિયમોનું પાલન ન કરે તો વડોદરા મહાનગરપાલિકા મુદ્દત પહેલા કરાર રદ કરી શકાશે તે મુજબ મ્યુનિસિપલ કમિશનરને બોટિંગનો ઇજારો ટર્મિનેટ કરવાની સત્તા પ્રાપ્ત થયેલી હોવાથી તેના આધારે બોટિંગનો કરાર રદ કરવા હુકમ કર્યો છે.

  1. Surat News: હરણી તળાવ દુર્ઘટના બાદ સુરત કલેકટરની સ્ટ્રિક્ટ ગાઈડલાઈન, હંગામી ધોરણે બોટિંગ અને રાઈડ્સ બંધ
  2. Harani Lake Accident: VMC દ્વારા બિન અનુભવી કોટિયા પ્રોજેક્ટ્સને રદ કરેલ કોન્ટ્રાક્ટ ફરીથી 30 વર્ષ માટે અપાયો હતો

ABOUT THE AUTHOR

...view details