ગુજરાત

gujarat

બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા સભા સંબોધતી વખતે ભાવુક થયા. - election form filling process

By ETV Bharat Gujarati Team

Published : Apr 16, 2024, 11:30 AM IST

દેશભરમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ત્રીજા તબક્કાની ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે ત્યારે આજે બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું.

બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર
બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર

બનાસકાંઠા: છેલ્લે દોઢ માસથી બનાસની બેન અને મામેરુ ભરવાની વાતને લઈને પ્રચાર કરતા ગેનીબેન ઠાકોરે આજે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. પાલનપુરના જોડનાપુરા નજીક ગેનીબેન ઠાકોરની જન સમર્થન સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો અને અંદાજિત 10,000 થી વધુ લોકો સભા સ્થળે હાજર રહ્યા હતાં.

ગેનીબેનનો ઘરેથી નીકળી ફોર્મ ભરે ત્યાં સુધીનો કાર્યક્રમ: કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ભાભર ખાતે પોતાના નિવાસ્થાને કુળદેવીના દર્શન કરીને ત્યારબાદ ભાભર ખાતે આવેલ આનંદધામમાં મહાદેવ મંદિરે દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. આનંદ પ્રકાશ બાપુના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ ચડોતર પહોંચી ચામુંડામાંના મંદિરે દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. ટ્રેકટર દ્વારા જોડનાપુરા સભાસ્થળ પહોંચી જંગી સભાને સંબોધી હતી. ત્યારબાદ પોતાના કાર્યકરો અને સમર્થકો સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉમેદવારી નોંધાવી હતી.

સભા સ્થળનો માહોલ: પાલનપુર ડીસા હાઈવે પર ગેનીબેન ઠાકોરની સભા યોજાઈ હતી. જે સભામાં જિલ્લાના કોંગ્રેસી કાર્યકરો સહિત વિવિધ સમાજના લોકો જોડ્યા હતા. ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપે આમ આદમી પાર્ટીના આગેવાનો પદાધિકારીઓ પણ ગેનીબેનની સભામાં હાજર રહ્યા હતા. ગેનીબેન દ્વારા ચૈત્ર નવરાત્રી ચાલતી હોવાથી 7 કન્યા પૂજન કરવામાં આવ્યું હતુ. આદિવાસી સમાજના લોકો લોકનૃત્ય કરતાં કરતાં સભા સ્થળે પહોંચ્યા હતા. તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સભામાં અંદાજિત 10,000 કરતા વધુ લોકો જોડાયા હતા.

ગેનીબેન ફોર્મ ભરતા પહેલા સભા સંબોધતી વખતે ભાવુક થયા હતા: બનાસકાંઠા લોકસભા બેઠકનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે ફોર્મ ભરતાં પહેલા સભામાં ભાષણ આપ્યુ હતુ. ગેનીબેને જણાવ્યું હતું કે, હું રાત્રે વિચાર કરું છુ કે હે ગેની તું એક ગરીબ ઘરના ઝૂંપડામાંથી આવતી દીકરી છે, આજે આખો જિલ્લો તારા પર ભરોસો રાખીને બેઠો છે અને તને જ્યારે નેતા બનાવી છે ને ત્યારે આખા જિલ્લાએ જે મારા પર ભરોસો મૂક્યો છે એને ડગવા ન દેજે. મારા બનાસકાંઠાને અને મારા નેતૃત્વને ક્યાંય આંચ ન આવે એવી મારી ભગવાનને પ્રાર્થના છે. આટલું બોલતા જ ગેનીબેન રડી પડ્યાં હતાં અને રડતાં રડતાં જણાવ્યું હતું કે હું જ્યારે ગામડે ગામડે ફરું છું ત્યારે લોકો ફૂલહાર પહેરાવે છે ને ત્યારે તેમનું ઋણ મારા પણ છે. લોકસભા એટલે નાની વસ્તુ ના કહેવાય. પેઢીઓની પેઢીઓ નિકળી જાય છે તોય ટિકિટ નથી મળતી, પણ આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી છે ત્યારે ભગવાન મારી નાવ તારજે.

  • જો ગલબાકાકાનુ ઋણ જ ઉતારવું હોય તો ડેરીનુ ચેરમેન પદ આપીને ઋણ ઉતારો:- શક્તિસિંહ ગોહિલ

જંગી સભાનું આયોજન:ગેનીબેન લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરે તે પેહલા જંગી સભાનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલ,પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના વિવિધ આગેવાનો હાજર રહ્યા હતાં.

કોંગ્રેસ અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલે સભા સંબોધી હતી: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ વિધાનસભા અધ્યક્ષ આકરા પ્રહાર કર્યા હતા. જોકે નામ લીધા વિના શક્તિસિંહ ગોહિલએ પ્રહાર કર્યા હતા. શંકર ચૌધરીને શક્તિસિંહએ અહંકારી નેતા ગણાવ્યા હતા. શક્તિસિંહ ગોહિલે પોતાના સંબોધનમાં બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને આડેહાથી લીધા હતા. તેમને જણાવ્યું હતું કે, બનાસકાંઠાના એક અહંકારી નેતાને સંસદની ચૂંટણી લડવી હતી પછી અમે ગેનીબેનનું નામ વહેતું મૂક્યું એટલે એ ઠંડા પડ્યા. જો તમારે ગલબા કાકાનો ઋણ જ ઉતારવો હોય તો પોતાનું ચેરમેન પદ છોડીને તેમને આપી દો.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખે 100000 કરતાં વધુ લીડ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો: ગેનીબેન ઠાકોરની સભાની અંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા એ ETV Bharatને વાત કરતા જણાવ્યું હતું કે, શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને જન આશીર્વાદ સભાનું આયોજન કર્યુ છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, કેન્દ્રનો શીર્ષ નેતૃત્વ અને બનાસકાંઠા જિલ્લાના 18 એ આલમે આશીર્વાદ આપ્યા છે. મને એવી આશા છે કે ગેનીબેનને જિલ્લા વાસીઓ એક લાખ કરતા વધુ લીડે જીતશે.

  1. ભાજપ હાઈકમાન્ડે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજપૂત આગેવાનો સાથે બેઠક કરી, રૂપાલાની ટિકિટ કેન્સલ કરવા પર રાજપૂતો મક્કમ - Rupala Ticket Controversy
  2. વોટની સાથે નોટ પણ માંગતા મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર - Mehsana congress candidate

ABOUT THE AUTHOR

...view details