ઉપલેટામાં રાજપૂત સંકલન સમિતિ દ્વારા અસ્મિતા રથનું પ્રસ્થાન રાજકોટ : ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ઉપલેટા રાજપૂત સંકલન સમિતિ દ્વારા નારી અસ્મિતા ધર્મ રથનું આયોજન કરવામાં આવ્યું હતું.
નારી અસ્મિતા ધર્મ રથ :ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના દર્શન કરી રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે માં ગાયત્રીના આશીર્વાદ લઈ કોલકી ગામ થઈ ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પર બાઈક તેમજ કારનો વિશાળ કાફલો ઉપલેટા ખાતે પહોંચ્યો હતો. ઉપલેટાના મુખ્ય માર્ગો પર કેસરિયા ઝંડા અને વિવિધ સૂત્રો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા
ભાજપ અને રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી શપથ લીધા રુપાલા-ભાજપ વિરુદ્ધ શપથ લીધા:ઉપલેટામાં યોજાયેલી રેલી બાદ ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ઉપલેટા તાલુકાના ચારેલીયા ગામના કાકુભા વાળાએ ઉપસ્થિત સૌ કોઈને શપથ લેવડાવ્યા હતા. આ શપથમાં એવો નિર્ણય લેવાયો છે કે, અમે બધા સૂર્યદેવની સાક્ષીએ અમારા કુળદેવીની સોગંદ ખાઈને પ્રતિજ્ઞા લઈએ છીએ કે, આ રૂપાલાભાઈએ અમારી બહેન-દીકરીઓની નારી અસ્મિતા પર જે ગંદી ટિપ્પણી કરી અને ચારિત્ર ઉપર કાદવ ઉછાળ્યો છે, તેને અમો રાજપૂત સમાજ ક્યારેય માફ નહીં કરીએ. અમો સોગંદ ખાઈએ છીએ કે ભાજપને ક્યારેય પણ મત નહીં આપીએ અને અમે ભાજપને જ હરાવીશું.
ઉગ્ર વિરોધ પ્રદર્શન :ઉપલેટા રાજપૂત સમાજ સંકલન સમિતિના અસ્મિતા ધર્મ રથનું ઠેર-ઠેર કુમકુમ તિલક અને પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપલેટા શહેરમાં રેલી નીકળતા વિવિધ સૂત્રોચ્ચાર સાથે રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો બાઈક-કાર સાથે રેલીમાં જોડાયા હતા. રેલી પૂર્ણ થયા બાદ ઉપલેટાના રાજપૂત સમાજ ખાતે “રૂપાલા હાય હાય” તેમજ “ભાજપ હાય હાય” ના નારા પણ લાગ્યા હતા. ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું કે, આગામી દિવસોમાં સંકલન સમિતિ દ્વારા ઉચ્ચ કક્ષાએથી નક્કી થતા કાર્યક્રમોને પણ સમર્થન આપવામાં આવશે.
- ભુજના શક્તિધામમાં ક્ષત્રિય સમાજનું સ્વાભિમાન સંમેલન, કરણી સેના પ્રદેશ અધ્યક્ષે કર્યો હુંકાર
- અસ્મિતા સંમેલન ભાગ 2 કચ્છના માતાના મઢ ખાતેથી શ્રી રાજપુત કરણી સેના દ્વારા ધર્મ રથનું પ્રસ્થાન -