ETV Bharat / state

રાજકોટમાં શાકભાજીની હરાજીમાં હાલ મંદીનો માહોલ, માવઠાને કારણે પુરવઠો ઘટતા તેજી થવાની શક્યતા - FRUITS VEGETABLES APMC RAJKOT

author img

By ETV Bharat Gujarati Team

Published : May 16, 2024, 5:49 PM IST

શાકભાજીનાં ગંજબજારનાં ભાવોમાં હાલ મંદીનું મોજું છવાયેલુ છે, પરંતુ માવઠાને કારણે મંદી તેજીમાં પરિણામી શકે છે, ક્યા કારણોસર હાલ શાકભાજીનાં ગંજ-બજારનાં ભાવોમાં મંદી છે અને શાકભાજીની આવકને લઈને શું પરિસ્થિતિ છે તે સમજવા માટે વાંચો અને જુઓ આ અહેવાલ

Etv BharatFRUITS VEGETABLES APMC RAJKOT
Etv BharatFRUITS VEGETABLES APMC RAJKOT (Etv Bharat)

રાજકોટ: હવામાન ખાતાએ કરેલી કમોસમી વરસાદ અને માવઠાની આગાહીએ એક તરફ ખેડૂતોને હેરાન-પરેશાન કરી મુક્યા છે તો બીજી તરફ ગંજ-બજારમાં શાકભાજીનો વેપલો કરતા દલાલો અને વેપારીઓમાં ક્યાંક તેજીની આશા જગાડી છે. પાછલા ત્રણેક દિવસોમાં માવઠા અને કમોસમી વરસાદને કારણે ગંજબજારનાં રાજકોટ સ્થિત બે માર્કેટિંગ યાર્ડ - બેડી માર્કેટિંગ યાર્ડ અને પેડક સબ યાર્ડમાં જણસોની આવક પર અસર કરી છે. માર્કેટયાર્ડનાં ચેરમેન જયેશભાઈ જી. બોઘરાએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, જેમાં શાકભાજીની આવકમાં અસર વર્તાઈ છે પણ અનાજ, મસાલા, તેલીબિયાં વગેરેની આવકમાં કોઈ બહુ મોટો ફરક જોવા નથી મળ્યો.

રાજકોટમાં શાકભાજીની હરાજીમાં હાલ મંદીનો માહોલ (etv bharat gujrat)

વેપારીઓને બન્ને તરફથી માર પડે છે: માવઠાને કારણે શાકભાજીની આવક પર અસર વર્તાશે તેવી દહેશત સાથે છૂટક વેંચાતું શાકભાજી મોંઘુદાટ થઈ ગયું હોવાથી અને મોંઘા શાકભાજીની ઘરાકી મજબૂત ન હોવાથી અંતે એ શાકભાજી કોહવાઈ જતા ફેંકી દેવું પડે છે કે ઢોરઢાખરને ખવડાવી દેવું પડે છે અને આમ ગંજ-બજાર તેમજ છૂટક શાકભાજીનો વેપાર કરતા વેપારીઓને બન્ને તરફથી માર પડે છે.

ગંજબજારમાં શાકભાજીનાં વેપારમાં મંદી: વેકેશનનો માહોલ હોવાને કારણે શાકભાજીમાં જોઈએ તેવો ઉપાડ પણ નથી, બીજું કે ગામડે-ગામથી શહેરોમાં વેકેશન માણવા આવતા પરિવારો તેમનાં ખેતરેથી તાજી શાકભાજીનો ઉતારો લઈ આવતા, તેમજ વેકેશનનો માહોલ હોવાને કારણે હોસ્ટેલમાં વિદ્યાર્થીવર્ગ માટેની જે શાકભાજીની ખપત હોય છે તે પણ નબળી હોવાને કારણે પણ ગંજબજારમાં શાકભાજીનાં વેપારમાં મંદી પ્રવર્તી રહી હોવાનું વેપારીઓએ ETV ભારત સાથેની વાતચીતમાં કબુલ્યું છે.

છૂટક ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે: એક તરફ શાકભાજીનો પુરવઠો છે પણ વધતા જતા તાપમાનને કારણે ગુણવત્તા વાળું શાક ન હોવાથી શાકભાજીની લારી કાઢતા ફેરિયાઓ કેરી, સક્કરટેટી અને તરબૂચનાં વેચાણ તરફ વળ્યાં છે જેમાં તેજીનો માહોલ પ્રવર્તી રહ્યો છે, તો બીજી તરફ માવઠાની દહેશતથી શાકભાજીનો પુરવઠો અસર પામ્યો હોવાની વાતને સમથાન મળતા શાકભાજીનાં છૂટક ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે, એવામાં કેરીની મૌસમમાં લીલોતરી શાકની જગ્યા બટેટાએ લઈ લીધી હોવાને કારણે બટેટાનાં ભાવમાં તેજી જોવા મળી છે.

શાકભાજીનાં ભાવોમાં તેજી જોવા મળશે: આવા ગંજ-બજારમાં મંદી અને છૂટક બજારમાં તેજીનાં માહોલની વચ્ચે વેપારીઓને ક્યાંક આશા છે કે માવઠાની અસરને કારણે જો પુરવઠો તૂટ્યો તો ગંજબજારમાં પણ શાકભાજીનાં ભાવોમાં તેજી જોવા મળશે અને એવી પરિસ્થિતિમાં છૂટક બજારમાં પણ તમારી થાળીમાં આવનારી ભીંડા, ફલાવર, રીંગણા, દૂધીનાં શાકની વાટકીમાં પાડનારું શાક મોંઘુ થવાની પ્રબળ શક્યતાઓ છે.

  1. સુરતમાં કમોસમી વરસાદે પાકનો દાટ વાળ્યો, ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાયો - UNSEASONAL RAIN WITH HEAVY WIND
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.