Navsari News: નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
નવસારી: છેલ્લા બે મહિનાથી નવસારીની વિજલપોર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ કોણ બનશે તે અંગે સમગ્ર શહેરમાં અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું હતું. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અંગે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ પદે મીનલ બેન દેસાઈની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે વિજલપુર વિભાગમાંથી આવતા સુનિલ રઘુનાથ પાટીલ તેમજ શાસક પક્ષના નેતા તરીકે હિતેશ ગેવરીયા અને કારોબારી અધ્યક્ષ તરીકે પિયુષ ગજેરા તેમજ દંડક તરીકે લીલાબેન ઠાકુરની વરણી કરવામાં આવી હતી. નવસારી વિજલપોર નગરપાલિકા બીજી ટર્મ મહિલા અનામત હોવાથી છેલ્લા કેટલાક સમયથી છાયાબેન દેસાઈ મયુરીબેન દેસાઈ તેમજ મીનલ દેસાઈના નામ ચર્ચામાં હતા. મીનલ દેસાઈની નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર ચર્ચાનો અંત આવ્યો હતો.