મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી વિવાદનું મેદાન બની, BJP ધારાસભ્યના પુત્રએ કોંગ્રેસના કાર્યકરને માર માર્યો
ઇન્દોર : મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના મતદાનના દિવસે માહોલ ગરમાયો છે. રાજ્યભરમાં અનેક જગ્યાએ હિંસા અને નાના મોટા છમકલા થઈ રહ્યા છે. ત્યારે ઈન્દોરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ સતત વિવાદની ઘટના સામે આવી રહી છે. આ શ્રેણીમાં ઈન્દોરના જૂની ઇન્દોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે.
મતદાનના દિવસે હિંસક દ્રશ્યો : ઈન્દોરમાં એક પછી એક વિવાદની ઘટનાઓ સામે આવી રહી છે. આ શ્રેણીમાં ત્રીજો વિવાદ ઈન્દોરના જૂની ઇન્દોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. ઈન્દોરમાં ધારાસભ્ય માલિની ગૌડના પુત્ર અને કોંગ્રેસ કાર્યકર્તા સામસામે આવી ગયા હતા. બંને પક્ષ સામસામે આવી જતાં જોરદાર ઝઘડો થયો હતો. જેમાં ભાજપના ધારાસભ્ય માલિની ગૌડના પુત્ર એકલવ્ય ગૌડ દ્વારા વાલ્મિકી સમાજ અને કોંગ્રેસના કાર્યકરોને માર મારતો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સામસામે ફરિયાદ : આ અંગે જાણ થતાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો જૂની ઇન્દોર પોલીસ સ્ટેશન પહોંચી તેને ઘેરી લીધું હતું. આ મામલે ધારાસભ્યના પુત્ર એકલવ્ય ગૌડ સામે ગુનો નોંધવાની માંગણી કરી હોબાળો થયો હતો. દરમિયાન જ્યારે ભાજપના કાર્યકરો અને નેતાઓને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. સમગ્ર મામલે જૂની ઇન્દોર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે.
પોલીસ કાર્યવાહી : હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વીડિયોના આધારે તપાસ કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપતા બંને પક્ષોએ પોલીસ સ્ટેશનમાં આ બાબતે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે પ્રાથમિક ફરિયાદની અરજી લીધી છે. ઉપરાંત સમગ્ર મામલાની ખૂબ જ નજીકથી તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં ઇન્દોરમાં જે રીતે વિવાદની ઘટનાઓ સામે આવી રહી છે તે જોતાં પોલીસ ટૂંક સમયમાં વધારે પોલીસ જવાન તૈનાત કરી શકે છે.
કોંગ્રેસે ભાજપને આડે હાથ લીધું : પ્રાથમિક તબક્કે બંને પક્ષની ફરિયાદ પરથી પોલીસ ગુનો નોંધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા કે.કે. મિશ્રાએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ભાજપ હારી રહી છે જેના કારણે તે નર્વસ થઈ ગઈ છે. તેથી અધિકારીઓની સાથે મળીને નિઃશસ્ત્ર કોંગ્રેસી કાર્યકરો પર હુમલો કરી રહ્યા છે.