પોરબંદરમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચનો ફિવર, ચોપાટી ખાતે વિશાળ સ્ક્રીન પર મહામુકાબલો નિહાળવા ભીડ ઉમટી
પોરબંદર : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપનો ફાઇનલ મુકાબલો રમાઈ રહ્યો છે. આ રોમાંચક મેચને લઈને વિશ્વભરના ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ છવાયો છે. ત્યારે પોરબંદર નગરપાલિકા દ્વારા લોકોમાં ઉત્સાહ વધારવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર ચોપાટી ખાતે વિશાળ સ્ક્રીન ગોઠવીને ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ નિહાળી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મહા સ્ક્રીન પર મહામુકાબલો જુઓ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ રસાકસીની મેચ જામી છે. ત્યારે આ રોમાંચક મેચને લઈને લોકોમાં ઉત્સાહ છવાયો છે અને મોટી સંખ્યામાં લોકો મેચ નિહાળી રહ્યા છે. ત્યારે પોરબંદર નગરપાલિકા દ્વારા પોરબંદર ચોપાટીના હાથી વાળા ગ્રાઉન્ડ પર એક મોટી સ્ક્રીન ગોઠવવામાં આવી છે. પોરબંદર નગરપાલિકાના આયોજનમાં મોટી સંખ્યામાં ક્રિકેટચાહકો મેચ નિહાળી રોમાંચ અનુભવી રહ્યા છે.
પોરબંદર પાલિકા દ્વારા આયોજન : ઉલ્લેખનિય છે કે, પ્રથમ દાવમાં ભારત 240 રન બનાવીને ઓલઆઉટ થયું છે. ત્યારે પોરબંદર નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે, હવે ભારત વધુમાં વધુ પ્રયત્ન કરશે અને વર્લ્ડ કપ જીતશે. લોકો માટે આ ક્રિકેટ મેચ ખૂબ જ મહત્વની હોય અને પોરબંદરવાસીઓ માટે ખાસ ચોપાટી ગ્રાઉન્ડ પર મોટી સ્ક્રીન રાખી આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અહીં પોલીસ પ્રોટેક્શન પણ રાખવામાં આવ્યું છે. મેચને લઈને કોઈ મોટી નુકસાની કે કાંઈ તોડફોડ ન થાય તે બાબતનું ધ્યાન રાખીને પોલીસ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર : એક પોરબંદરવાસીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી એક પણ મેચ ભારત હાર્યું નથી. આ મેચ પણ ભારત જીતીને રહેશે અને ભારતના બેસ્ટમેન અને બોલરો પર ખૂબ જ આશા છે, તે ક્યારેય નિષ્ફળ નહીં જાય અને સફળતા મેળવી વર્લ્ડ કપ ભારતમાં જ લાવશે. હાલ ભારતનો દરેક ક્રિકેટ પ્રેમી ભારતની જીતની આશા વ્યક્ત કરી રહ્યો છે.