ત્વચા અને વાળની સંભાળ માટે મુલતાની માટીના ઉપયોગી પ્રયોગો

author img

By

Published : Sep 6, 2021, 5:24 PM IST

ત્વચા અને વાળની સંભાળ માટે મુલતાની માટીના ઉપયોગી પ્રયોગો

સદીઓથી આપણા દેશની સ્ત્રીઓ ત્વચા અને વાળની ​​તંદુરસ્તી અને સુંદરતા જાળવવા માટે મુલતાની માટીનો ઉપયોગ કરે છે. મુલતાની માટીને ત્વચાની દરેક સમસ્યા માટે રામબાણ ઈલાજ તરીકે જોવામાં આવે છે, તે ન માત્ર ચહેરાના રંગને જ ચમકાવે છે પણ ખંજવાળ, ફોલ્લીઓ અને બર્નિંગ જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓથી પણ છૂટકારો અપાવી શકે છે.

  • મુલતાની માટીના ઉપયોગથી દૂર કરો ત્વચા અને વાળની સમસ્યા
  • ત્વચા અને વાળને લઇને થતી ઘણીબધી સમસ્યાઓ દૂર કરે છે મુલતાની માટી
  • ઔષધીય અને સુંદરતા વધારનાર ગુણધર્મોથી ભરપૂર છે મુલતાની માટી

પ્રદૂષણ હોય, મેકઅપ પ્રોડક્ટ હોય કે બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, આજકાલ દરેક બીજી સ્ત્રીને ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે પિમ્પલ્સ, ફ્રીકલ્સ અને ડ્રાયનેસનો સામનો કરવો પડી રહ્યો છે. તેનાથી છૂટકારો મેળવવા અને ચહેરા પરની ચમક જાળવવા માટે મહિલાઓ અને છોકરીઓ પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચે છે. પરંતુ પાર્લરમાં જોવા મળતી ચમક લાંબા સમય સુધી ટકી શકતી નથી.

આયુર્વેદમાં મુલતાની માટીનું મહત્વ માન્ય કરવામાં આવ્યું છે કારણ કે તે ઔષધીય છે અને સુંદરતા વધારનાર ગુણધર્મોથી ભરપૂર છે.

મુલતાની માટીનો ત્વચા નિખારમાં ફાયદો

મુલતાની માટીનો ઉપયોગ કરવાથી ત્વચા ચમકદાર બને છે અને ખીલ, ડાઘ, ટેનિંગ વગેરે જેવી સમસ્યાઓથી પણ છૂટકારો મળે છે. મુલતાની માટી વાસ્તવમાં હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ સિલિકેટ્સનું એક સ્વરૂપ છે. તેમાં મેગ્નેશિયમ, ક્વાર્ટઝ, સિલિકા, આયર્ન, કેલ્શિયમ, કેલ્સાઈટ જેવા ખનીજો જોવા મળે છે.આ માટીની પેસ્ટ લગાવવાથી ત્વચાની અશુદ્ધિઓ અને ગંદકી દૂર થાય છે અને કરચલીઓ પણ ઓછી થાય છે. તેમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મો હોવાથી, તે ત્વચાની એલર્જીમાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. આ સાથે, તેનો ઉપયોગ કટ અથવા ઘા ધરાવતી ત્વચા પર પણ થઈ શકે છે. તેની પેસ્ટ શરીરની ચયાપચય ક્રિયાને વધારીને રક્ત પરિભ્રમણને સુધારે છે. મુલતાની માટીમાં ઠંડક હોય છે, તેથી જો સોજો હોય તો તેને ચહેરા પર લગાવવાથી સોજો નોંધપાત્ર રીતે ઓછો થાય છે. મુલતાની માટી મૃત ત્વચાને દૂર કરવામાં પણ અસરકારક સાબિત થાય છે.

ચમકતી અને સ્વસ્થ ત્વચા મેળવવા મુલતાની માટીના વિવિધ પ્રયોગો
ચમકતી અને સ્વસ્થ ત્વચા મેળવવા મુલતાની માટીના વિવિધ પ્રયોગો
કેવી રીતે કરશો ઉપયોગ
  • ચહેરાને ચમકદાર બનાવવા માટે મુલતાની માટીમાં ટામેટાનો રસ અને ચંદનનો પાવડર મિક્સ કરીને ફેસ પેક બનાવીને ચહેરા પર લગાવો. સૂકાઈ ગયા બાદ તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. આ પેક અઠવાડિયામાં બેથી ત્રણ વખત લગાવી શકાય છે.
  • સન ટેન્ડ સ્કિનને મટાડવા માટે મુલતાની માટીમાં નાળિયેર તેલ અને ખાંડ મિક્સ કરીને ફેસ પેક બનાવીને ચહેરા પર લગાવો. થોડા સમય પછી પેકને હળવા હાથે સ્ક્રબ કરીને દૂર કરો.
  • ત્વચાની શુષ્કતા દૂર કરવા માટે મુલતાની માટીમાં દૂધ અને બદામની પેસ્ટ લગાવો. આ તમારી ત્વચાને નરમ બનાવશે, આ ફેસ પેક માટે બદામની પેસ્ટ બનાવવા માટે, બદામને આખી રાત પલાળી રાખો અને સવારે તેને પીસી લો.
  • મુલતાની માટીમાં રહેલા તત્વો ચહેરા પરથી ખીલ દૂર કરવામાં મદદ કરે છે. ખાસ કરીને તૈલીય ત્વચા માટે મુલતાની માટીથી બનેલો ફેસ પેક આદર્શ માનવામાં આવે છે.
  • મુલતાની માટીનો પેક ભરાયેલા છિદ્રો ખોલવામાં મદદ કરે છે. તેને લીમડાના પાન સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ખીલની સમસ્યા સમાપ્ત થાય છે.
  • તે ત્વચાને કડક અને ટોન કરે છે અને તેને નરમ પણ બનાવે છે. આ માટે મુલતાની માટીમાં ઇંડા, મધ અને ગ્લિસરિન મિક્સ કરીને ચહેરા પર લગાવો. 10 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
  • જો તમારા ચહેરા પર દાઝ્યાંના નિશાન છે, તો લીંબુનો રસ અને વિટામિન ઇ સાથે મિશ્રિત મુલતાની માટી લગાવો, થોડા દિવસોમાં નિશાન આછાં થવા લાગશે.
  • તે ત્વચા માટે ક્લીન્ઝર તરીકે પણ કામ કરે છે. તેને ઓટમીલ અથવા ઓટ્સ, લીમડાનો પાવડર, ચંદન, ચણાનો લોટ અને હળદર પાઉડર સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ત્વચા પર જમા થયેલી તમામ ગંદકી દૂર થાય છે.
    વાળને લગતી અનેક સમસ્યાઓમાં પણ મુલતાની માટી દવાનું કામ કરે છે
    વાળને લગતી અનેક સમસ્યાઓમાં પણ મુલતાની માટી દવાનું કામ કરે છે

વાળ માટે ફાયદાકારક છે મુલતાની માટી

  • જૂના જમાનામાં જ્યારે શેમ્પૂ વગેરે ન હતાં ત્યારે લોકો મુલતાની માટીથી વાળ ધોતાં હતાં. જ્યારે વાળમાં જૂ હોય અથવા બે મોંઢાળા વાળમાં મુલતાની માટી હેર પેક અસરકારક સાબિત થાય છે. ચાલો જાણીએ કે મુલતાની માટી વાળનું સ્વાસ્થ્ય કેવી રીતે સુધારી શકે છે.
  • ખોડાના કિસ્સામાં મુલતાની માટીને મેથીના દાણા અને લીંબુના રસની પેસ્ટ સાથે મિક્સ કરીને વાળ પર લગાવો અને અડધા કલાક પછી ધોઈ લો. જો ઇચ્છા હોય તો આ પછી શેમ્પૂ કરો અને પછી કન્ડિશનર લગાવો.
  • જો વાળમાં શુષ્કતાની સમસ્યા હોય તો મુલતાની માટીમાં દહીં મિક્સ કરીને વાળ પર લગાવો અને 20 મિનિટ બાદ ધોઈ લો.
  • જો વાળ તૂટી રહ્યાં છે, તો મુલતાની માટીનું પેક લગાવવાથી વાળ તૂટવાનું બંધ થાય છે અને વાળમાં ભેજ રહે છે.
  • નિર્જીવ વાળ માટે મુલતાની મિટ્ટીમાં તલનું તેલ અને થોડું દહીં મિક્સ કરો અને આ પેક વાળ પર લગાવો.
  • જો તમારા વાળના મૂળની ચામડી ખૂબ જ તૈલી છે, તો મુલતાની માટીમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવો, તેનાથી વાળની ​​ચીકણાશ દૂર થાય છે.
  • અકાળે સફેદ થવા લાગેલાં વાળમાં મુલતાની માટી સાથે આમળાની પેસ્ટ મિશ્રિત કરીને લગાવવાથી ફાયદો થાય છે.

મુલતાની માટી વાપરવામાં આ સાવધાની રાખવી જરુરી

  • શુષ્ક ત્વચાવાળા લોકોએ મુલતાની માટીનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ. જો તમારે વાપરવી જ હોય તો બદામના દૂધ સાથે આ પેક લગાવો.
  • મુલતાની માટીમાં ઠંડકભરી અસર હોય છે, તેથી ઠંડા હવામાનમાં તેનો ઉપયોગ કરશો નહીં.
  • તેને લગાવ્યા બાદ મોઇશ્ચરાઇઝર લગાવવાનું ભૂલશો નહીં, તે ત્વચામાં ભેજ જાળવી રાખે છે.
  • મુલતાની માટીનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરતા વધારે ન કરવો જોઈએ.

આ પણ વાંચોઃ જાણો કયા-કયા પોષક તત્વો શરીરને બનાવે છે સ્વસ્થ, શરીરમાં શું હોય છે તેમનું કાર્ય

આ પણ વાંચોઃ કોવિડ-19માંથી સાજા થયાં બાદ ફિટનેસ ફ્રિક આ બાબતોનું ધ્યાન રાખે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.