Vadodara Crime: પાદરામાં અજાણ્યા શખ્સોએ શ્રમજીવી દંપતિની હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધા

Vadodara Crime: પાદરામાં અજાણ્યા શખ્સોએ શ્રમજીવી દંપતિની હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધા
વડોદરા જિલ્લાના પાદરામાં નર્મદા કેનાલમાંથી શ્રમજીવી દંપતિના મૃતદેહો મળી આવ્યા હતા. અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ ઉપરથી હથિયાર અને ગોદડું કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.
વડોદરા: પાદરા તાલુકાના ગણપતપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બે મૃતદેહ મળી આવ્યા હતા. હત્યારાઓ દંપતીના મૃતદેહને એક ગોદડામાં લપેટી કેનાલમાં ફેંકી ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે કેનાલ પાસે લોકોના ટોળા ઊમટી પડ્યાં હતા. પાદરા પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહોને બહાર કાઢી આગળની તપાસ શરૂ કરી છે.
અજાણ્યા શખ્સો દ્વારા હત્યા: જાણવા મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના ગણપતપુરા પાસેથી પસાર થતી કેનાલના કિનારે ઝૂંપડું બાંધી રહેતા રમણ સોલંકી (ઉં.વ.55) અને તેમના ધર્મપત્ની ધનીબેન ઉર્ફ ગગીબેન સોલંકી (ઉં.વ. 53) રહેતાં હતાં. તેઓ કચરો-ભંગાર ભેગો કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગત મોડીરાત્રે કોઈ અજાણ્યા હત્યારાઓએ ઝૂંપડાની બહાર સૂઇ રહેલા સોલંકી દંપતી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ બંનેના મૃતદેહને હત્યારાઓ લોહીથી લથપથ ગોદડામાં લપેટીને કેનાલમાં ફેંકી ફરાર થઈ ગયા હતા.
'ગત મોડી રાત્રિના સમયે કેટલાક શખ્સો દ્વારા શ્રમજીવી દંપતિની હત્યા કરીને કેનાલમાં નાખી દેવામાં આવી હતી. જેથી સ્થાનિક તરવૈયાની મદદ લઈ તેઓના મૃતદેહને બહાર કાઢી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ હજી સુધી કોઈ નક્કર પુરાવા એકત્રિત થયા નથી.' - એલ.બી. તડવી, PI, પાદરા
પોલીસે તપાસ શરૂ કરી: સમગ્ર ઘટના બનતા આસપાસના રહીશો દ્વારા જાણ કરાતાં પાદરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. દંપતીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાદરા સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે પુરાવા એકત્રિત કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે સ્થળ ઉપરથી તીક્ષ્ણ હથિયાર અને ગોદડું કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.
