Surat Multiple Accident : માંગરોળના પાલોદ ગામ નજીક ગોઝારો અકસ્માત, એકસાથે 10 વાહન એકબીજા પાછળ ઘુસ્યા

Surat Multiple Accident : માંગરોળના પાલોદ ગામ નજીક ગોઝારો અકસ્માત, એકસાથે 10 વાહન એકબીજા પાછળ ઘુસ્યા
માંગરોળ તાલુકાના પાલોદ ગામ નજીક ગત મોડી રાત્રે એક સાથે 10 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાને પગલે કોસંબા પોલીસ સ્થળ પહોંચી ટ્રાફિક હળવો થાય એ દિશામાં તજવીજ હાથ ધરી હતી. અકસ્માતમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા સિવાય અન્ય કોઈ જાનહાનિની માહિતી નથી.
સુરત : જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. રાત્રીના 12 વાગ્યા આસપાસ એક લક્ઝરી બસચાલકે કોઈ કારણોસર અચાનક બ્રેક મારી હતી. ત્યારબાદ પાછળ આવી રહેલાં વાહનો તબક્કાવાર એકબીજા પાછળ ઘૂસી જતા અકસ્માતની હારમાળા સર્જાઈ હતી. જેના કારણે આશરે 10 અકસ્માતગ્રસ્ત વાહનોની લાંબી લાઈન થઈ ગઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. અક્સ્માત જોવા એકત્ર થયેલા લોકોના ટોળા અકસ્માત જોઈને માથું ખંજવાળતા રહી ગયા હતા.
એક ઈજાગ્રસ્ત : અકસ્માત થયાની જાણ થતા કોસંબા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે અન્ય કોઈ મોટી જાનહાનિના સમાચાર ન મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતની જાણ થતાં જ અમારી ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક થઈ ગયો હતો. 20 થી 30 મિનિટમાં અમે હાઈવે ખુલ્લો કરી દીધો હતો. એક ઈજાગ્રસ્તને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ આગળની તજવીજ શરૂ છે. -- રાહુલભાઈ (કોસંબા પોલીસકર્મી)
અન્ય એક અકસ્માત : ગતરોજ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ નજીક સરકારી બસ પસાર થઈ રહી હતી. તે દરમિયાન એક કારચાલકને બચાવવા જતાં સરકારી બસચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. બસ સામેના ટ્રેક પર ઘુસી કેમિકલ ભરેલા ટેન્કર સાથે અથડાઈ હતી. અકસ્માતના કારણે સરકારી બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. આ અકસ્માતમાં 10 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા 108 ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગઈ હતી. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક થઈ ગયો હતો. સ્થળ પર સ્થાનિક પોલીસ અને NHAI વિભાગની ટીમે પહોંચી ટ્રાફિક હળવો થાય એ દિશામાં કામગીરી હાથ ધરી હતી. જોકે અકસ્માતની ઘટનામાં મોટી જાનહાનિના સમાચાર ન મળતાં હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
