વેસ્ટમાંથી બેસ્ટ સૂત્રને સાર્થક કરતું સુરત APMC, શાકભાજીના વેસ્ટનો ઉપયોગ કરી દર મહિને 3 લાખની આવક કરી

વેસ્ટમાંથી બેસ્ટ સૂત્રને સાર્થક કરતું સુરત APMC, શાકભાજીના વેસ્ટનો ઉપયોગ કરી દર મહિને 3 લાખની આવક કરી
સુરત APMC શાકભાજીના વેસ્ટમાંથી CNG ગેસ બનાવતા પ્લાન્ટમાંથી દર મહિને 3 લાખ રૂપિયાની આવક થઈ રહી છે. સુરત APMC માં છેલ્લા 5 વર્ષથી કાર્યરત આ પ્લાન્ટમાં CNG ગેસ ઉપરાંત દરરોજ 8,000 લિટર કરતા વધુ લિક્વિડ ઓર્ગેનિક ખાતર પણ બનાવવામાં આવે છે. જાણો વેસ્ટમાંથી બેસ્ટ સૂત્રને સાર્થક કરતા સુરત માર્કેટયાર્ડની આ પદ્ધતિની સંપૂર્ણ માહિતીSurat APMC, Biogas plant, Organic fertilizer, Liquid organic fertilizer
સુરત : વેસ્ટમાંથી બેસ્ટ સૂત્રને સાર્થક કરતું સુરત APMC માર્કેટ યાર્ડમાંથી નીકળતા શાકભાજીના કચરામાંથી CNG ગેસ બનાવનાર રાજ્યનું પ્રથમ માર્કેટયાર્ડ છે. સુરત APMC દ્વારા શાકભાજીના કચરાનો ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું ઉત્તમ ઉદાહ૨ણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. દરરોજ માર્કેટ યાર્ડમાંથી નીકળતા શાકભાજીના કચરાનો સુરત APMC યોગ્ય ઉપયોગ કરે છે. આ કચરામાંથી CNG ગેસ બનાવી સુરત APMC દર મહીને 3 લાખ રૂપિયાથી વધુની આવક મેળવી રહી છે.
બાયોગેસ પ્લાન્ટ : સુરત શહેરના સહારા દરવાજા નજીક આવેલા સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (Agricultural Product Market Committee) માં વર્ષ 2018 માં કચરામાંથી ઓર્ગેનિક ખાતર અને બાયોગેસ બનાવવાનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં દરરોજ 800 કિલો CNG ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. જેના માટે 25 ટન શાકભાજીના વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ કચરાનો ઉપયોગ કરવામાં પ્લાન્ટની ક્ષમતા 1200 કિલો CNG ગેસ બનાવવાની છે. જોકે આ માટે દરરોજ શાકભાજીના 50 ટન વેસ્ટની જરૂરિયાત હોય છે.
માર્કેટ યાર્ડમાંથી જે શાકભાજીનો વેસ્ટ નીકળે છે તેમાંથી ઓર્ગેનિક ખાતર અને સીએનજી ગેસ બનાવવામાં આવે છે. આ પ્લાન્ટ કાર્યરત થયા બાદ માર્કેટમાંથી શાકભાજીનો કચરો ઊંચકવા માટે થતા દર મહિને 5-6 લાખના ખર્ચમાંથી છુટકારો મળ્યો છે. ઉપરાંત પ્લાન્ટમાં ઉત્પન્ન થતા ગેસમાંથી રૂ. 3 લાખની આવક થઈ રહી છે. -- સંદીપ દેસાઈ ચેરમેન, સુરત APMC
લિક્વિડ ઓર્ગેનિક ખાતર : સુરત APMC માર્કેટમાંથી CNG ગેસ ઉપરાંત દરરોજ 8,000 લિટર કરતા વધુ લિક્વિડ ઓર્ગેનિક ખાતર પણ બનાવવામાં આવે છે. રાજ્યના ખેડૂતો જ્યારે ઓર્ગેનિક ખેતી કરે તો આ લિક્વિડ ઓર્ગેનિક ખાતર ખૂબ જ ઉપયોગી બની રહે છે. જેની કિંમત પણ ખૂબ જ નજીવી છે, રૂપિયા ત્રણની કિંમતમાં 1 લીટર લિક્વિડ ઓર્ગેનિક ખાતર ખેડૂતોને આપવામાં આવે છે. વર્ષ 2018 માં ઓર્ગેનિક ખાતર અને બાયોગેસ બનાવવાનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હાલમાં તેનો મહત્તમ ઉપયોગ કરવાની સાથે જ 800 કિલો CNG ગેસ બનાવવામાં આવે છે.
મહિને 3 લાખની આવક : સુરત APMC ચેરમેન સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. માર્કેટ યાર્ડમાંથી જે શાકભાજીનો વેસ્ટ નીકળે છે તેમાંથી ઓર્ગેનિક ખાતર અને સીએનજી ગેસ બનાવવામાં આવે છે. આ પ્લાન્ટ કાર્યરત થયા બાદ માર્કેટમાંથી શાકભાજીનો કચરો ઊંચકવા માટે થતા દર મહિને 5-6 લાખના ખર્ચમાંથી છુટકારો મળ્યો છે. ઉપરાંત પ્લાન્ટમાં ઉત્પન્ન થતા ગેસમાંથી રૂ. 3 લાખની આવક થઈ રહી છે. કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયેલ દ્વારા ટ્વિટ કરીને સુરત APMC ની કામગીરીને બિરદાવવામાં આવી છે.
