Ayushman Bhav Campaign : PM મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ થશે આયુષ્યમાન ભવ અભિયાન
Ayushman Bhav Campaign : PM મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ થશે આયુષ્યમાન ભવ અભિયાન
17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. જેમાં સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયુષ્યમાન ભવ નામના અભિયાનની શરૂઆત થનાર છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના આઠ તાલુકા સહિત તમામ ગામડા ભાગીદાર બનવા જઈ રહ્યા છે.
સાબરકાંઠા : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયુષ્યમાન ભવ અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકા સહિત તમામ ગામડા ભાગીદાર બનવા જઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના તમામ લોકો માટે આયુષ્યમાન ભવ અભિયાનની સેવા પ્રત્યેક ઘર સુધી પહોંચે તે માટે વિશેષ વ્યવસ્થા હાથ ધરવામાં આવશે. જેમાં આયુષ્યમાન કાર્ડને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવા ઘર ઘર સંપર્ક કરવામાં આવશે.
આયુષ્યમાન મેળો : આ અભિયાન અંતર્ગત જિલ્લાના 280 થી વધારે કેન્દ્રો ઉપર આયુષ્યમાન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરળતાથી વ્યક્તિને રૂપિયા 10 લાખ સુધીની મેડિકલ સુવિધા મળી રહે તે માટે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનો સંનિષ્ઠ પ્રયાસ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ટીબી જેવા રોગો નેસ્ત નાબૂદ થાય તે માટે પણ વિશેષ પ્રયાસ હાથ ધરાશે.
આઝાદીના અમૃત મહોત્સવ સહિત વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે યોજાયેલ આવા પ્રયાસ જિલ્લાના છેવાડાના વ્યક્તિ માટે સુખાકારી બનશે તે નક્કી છે. -- નૈમેષ દવે (જિલ્લા કલેકટર સાબરકાંઠા)
મેરી મિટ્ટી મેરા દેશ : એક તરફ આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત પ્રત્યેક ઘરેથી માટી તેમજ કળશ દરેક ઘરને આઝાદીના અમૃત મહોત્સવ સાથે જોડવામાં આવશે. સાથોસાથ પ્રત્યેક વ્યક્તિ સુધી માટીનો કળશ લઈ જવાશે. જે માટી સહિત ચોખા એકત્રિત કરશે, જે આગામી ઓક્ટોબર સુધીમાં તાલુકા કક્ષા સુધી પહોંચશે. ત્યારબાદ આ તમામ કળશ તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ લાવી ગાંધીનગર મોકલાશે. જેમાં પ્રત્યેક વ્યક્તિ ભાગીદાર બને તે માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
