Rajkot Crime News : બોટાદમાં રેપ વિથ મર્ડરની ઘટનાના આરોપીને ફાંસીની માગ સાથે દેવીપૂજક સમાજનો વિરોધ, કર્યો ચક્કાજામ

Rajkot Crime News : બોટાદમાં રેપ વિથ મર્ડરની ઘટનાના આરોપીને ફાંસીની માગ સાથે દેવીપૂજક સમાજનો વિરોધ, કર્યો ચક્કાજામ
રાજકોટમાં દેવીપૂજક સમાજે રસ્તા પર ચક્કાજામ (Botad Rape Murder Case) કર્યો હતો. બોટાદમાં 15 જાન્યુઆરીએ 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બની હતી. ત્યારે તેને લઈને સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રાજકોટઃ બોટાદમાં 15 જાન્યુઆરીના દિવસે 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી હતી. તેના કારણે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આનો વિરોધનો સૂર રાજકોટ પહોંચ્યો છે. રાજકોટમાં આજે (બુધવારે) બહુમાળી ચોક ખાતે દેવીપૂજક સમાજ મોટી સંખ્યામાં એકઠો થયો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જ્યારે થોડા સમય માટે રસ્તાને પણ ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Vadodara Crime : વડોદરાના પાદરામાં પરણીત યુવકે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
આરોપીઓને ફાંસીની સજાની કરાઈ માગઃ બોટાદમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં દેવીપૂજક સમાજ વિરોધમાં ઉતર્યો છે. આ સમાજે શહેરના કલેક્ટર કચેરીથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી હતી, જ્યાં તેમણે આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે જ દેવીપૂજક સમાજે થોડા સમય માટે રસ્તા પર ચક્કાજામ પણ કર્યો હતો. ઉપરાંત ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે માગણી કરી હતી કે, આ કેસમાં અપરાધીઓને ફાંસીની સજા થાય. જોકે, આ ઘટનામાં વિરોધ વધુ વકરે તે પહેલા જ પોલીસ દ્વારા પરિસ્થિતિ સંભાળવામાં આવી હતી.
કેસને ત્વરિત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માગઃ આ ઘટના અંગે રાજકોટ દેવીપૂજક સમાજના આગેવાન નરેશ જાનિયાએ વધુમાં જણાવ્યું હતું કે, માત્ર 9 વર્ષની બાળકી સાથે આ પ્રકારે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી છે. તે ઘટનાને ચલાવી લેવામાં નહીં આવે. આ મામલે વિરોધ કરવા દેશભરમાં દેવીપૂજક સમાજ વિરોધ કરવા રસ્તા ઉપર ઉતરી આવ્યો છે. આને લઈને અમે રાજકોટમાં પણ આ ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો છે.
કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવાય તેવી માગ : ત્યારે આ મામલાનો કેસ તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવે તેવી દેવીપૂજક સમાજની માગણી છે. ઉલ્લેખનીય છે કે, બોટાદની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર દેવીપૂજક સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.
