રાજ્યમાં કોરોનાના કારણે 10,000 નહીં પરંતુ 3 લાખ લોકોના મોત થયા છે, સરકારે આંકડા છુપાવ્યાઃ પાટણ કોંગ્રેસ

author img

By

Published : Sep 21, 2021, 3:59 PM IST

પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોવિડ-19 ન્યાયયાત્રા અંતર્ગત શહેરના જૂના સર્કિટ હાઉસ ખાતે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ધારાસભ્યએ કોવિડ-19 મહામારીમાં સરકારની નિષ્ફળતાઓ છતી કરી મૃત્યુઆંક છુપાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો કર્યા હતા.

  • કોવિડ ન્યાય યાત્રા અંતર્ગત પાટણમાં કોંગ્રેસ દ્વારા યોજાઈ પત્રકાર પરિષદ
  • ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ પત્રકાર પરિષદ
  • કોરોના નાથવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ: ડો. કિરીટ પટેલ
  • જિલ્લામાં કોરોનાથી મોત થયા હોય એવા એક હજાર ફોર્મ બે સપ્તાહમાં જ ભરાયા, એક સપ્તાહમાં 600 ફોર્મ ભરાયા
  • સરકાર કોરોનાથી થયેલ મૃત્યુઆંક છુપાવી રહી છે: ડો. કિરીટ પટેલ

પાટણઃ જિલ્લામાં કોરોના ન્યાયયાત્રા અંતર્ગત કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ધારાસભ્ય ડો. કિરીટ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કોરોનાને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે. લોકોને ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર માટે ભારે હાલાકીઓ વેઠવી પડી હતી. રાજ્યમાં કોરોનાને કારણે ત્રણ લાખ લોકોના મોત થયા છે જ્યારે સરકાર માત્ર 10,000 મૃત્યુ બતાવે છે. પાટણ જિલ્લામાં જ કોંગ્રેસની કોરોના ન્યાયયાત્રા અંતર્ગત કોંગ્રેસના કાર્યકરોએ જિલ્લામાં ઘરેઘરે ફરી કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને સહાય મળે અને તેમના પરિવારજનોની વેદનાને વાચા આપવા ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. બે સપ્તાહમાં જ 1,000 ફોર્મ ભરાયા છે. ફોર્મ ભરનાર પાસેથી મૃતકની કરાવેલી સારવાર, દવાઓની માહિતી વગેરેની વિગતો પણ કોંગ્રેસ એકત્રિત કરી રહી છે. પાટણ જિલ્લામાં 1,000થી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે સરકારી ચોપડે માત્ર 109 દર્દીઓના જ મોત બતાવવામાં આવ્યા છે. આમ, સરકાર કોરોનાના ના મૃત્યુ આંક છુપાવી રહી છે.

આ પણ વાંચો- કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયાનું જૂનાગઢમાં નિવેદન કોરોનાને કારણે રાજ્યના અઢી લાખ લોકોએ ગુમાવ્યો જીવ

સરકાર ન્યાય નહીં કરે તો વિધાનસભાનો ઘેરાવ થશેઃ કિરીટ પટેલ

ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું હતું કે, કોરોના સમયે લોકોએ જમીન, મકાન, ઘરેણાં જેવી પોતાની સ્થાવર મિલકતો વેચીને પણ દર્દીની સારવાર કરાવી છે ત્યારે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ દ્વારા કોરોના મૃતકોને રૂપિયા 4 લાખ રૂપિયા સહાય ચૂકવવા સરકારને ટકોર કરી છે. તે મુજબ સરકાર મૃતકોને સહાય ચૂકવે. જે સરકારી કર્મચારીના કોરોનાથી મોત થયા છે. તેમના પરિવારજનોને સરકારી નોકરી આપે. સમગ્ર રાજ્યમાં કોરોના ન્યાય યાત્રા અંતર્ગત ભરાયેલા ફોર્મ કોંગ્રેસ દ્વારા સરકારને આપવામાં આવશે અને તમામને ન્યાય મળે તે માટે રજૂઆત કરાશે. તેમ છતાં જો સરકાર ન્યાય નહીં આપે તો વિધાનસભાનો ઘેરાવ કરવાની તેમજ જરૂર પડે તો હાઇકોર્ટમાં રિટ કરવાની ચીમકી પણ ધારાસભ્યએ ઉચ્ચારી હતી.

આ પણ વાંચો- અમદાવાદમાં 'નમસ્તે ટ્રમ્પ' અને સુરતમાં 'નમસ્તે ભાઉ' કાર્યક્રમના કારણે કોરોના પ્રસર્યો, 20 હજારથી વધુના મોત: ડો. તુષાર ચૌધરી

રાજ્યમાં અધિકારીઓ શાસન ચલાવે છેઃ કિરીટ પટેલ

ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પત્રકાર જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર રિમોટ કન્ટ્રોલથી ચાલે છે. મુખ્યપ્રધાન કે પ્રધાનમંડળ બદલાય તેનાથી કોઈ જ ફરક પડવાનો નથી. પ્રધાનો ઉપર અધિકારીઓ રાજ કરે છે અને રાજ્યનું શાસન પણ અધિકારીઓ જ ચલાવે છે. આથી હાલ રાજ્યમાં લોકશાહીથી ચાલતી સરકાર નહીં પણ અધિકારી શાસન ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. ધારાસભ્યના આ નિવેદનથી આગામી દિવસોમાં ગુજરાતનું રાજકારણ ગરમાય તો નવાઈ નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.