દિવાળીના મીની વેકેશનમાં પાટણની રાણીની વાવને 29 હજાર પ્રવાસીઓએ નિહાળી

દિવાળીના મીની વેકેશનમાં પાટણની રાણીની વાવને 29 હજાર પ્રવાસીઓએ નિહાળી
દિવાળીના મીની વેકેશનમાં પાટણની રાણીની વાવ પ્રવાસીઓ માટે ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે. ચાલુ વર્ષે પ્રવસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. દિવાળીના 6 દિવસમાં 29,400 ભારતીય અને 113 વિદેશી પ્રવાસીઓ મળી કુલ 29513 હજાર પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લીધી છે.
પાટણ: પાટણમાં આવેલ ઐતિહાસિક રાણીની વાવને નિહાળવા માટે દિવાળીના મિની વેકેશનમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો છે. દિવાળીના 6 દિવસમાં 29 હજારથી વધુ પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લીધી હતી. જેને લઇ પુરાતત્વ વિભાગને 12 લાખથી વધુની આવક થવા પામી છે.
પુરાતત્વ વિભાગને 12 લાખની આવક: વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી વિશ્વ ફલક પર ચમકેલી અને 100 રૂપિયાની ચલણી નોટ પર અંકિત થયેલી પાટણની ઐતિહાસિક રાણીની વાવને નિહાળવા દિવાળીના તહેવારોમાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ પાટણના મહેમાન બને છે. ચાલુ વર્ષે પણ તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પાટણના મહેમાન બન્યા હતા અને રાણીની વાવના શિલ્પ સ્થાપત્ય તેમજ કલા કોતરણી નિહાળી અભિભૂત બન્યા હતા. દિવાળીના 6 દિવસમાં 29,400 ભારતીય અને 113 વિદેશી પ્રવાસીઓ મળી કુલ 29513 હજાર પ્રવાસીઓએ રાણીની વાવ નિહાળતા પુરાતત્વ વિભાગને 12,43,800ની આવક થવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.
'અહીંના શિલ્પ સ્થાપત્યો અને કલા-કોતરણી અદભુત છે. પુરત્વ વિભાગ દ્વારા અહીં સારી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. દરેક વ્યક્તિએ આ ઐતિહાસિક ધરોહરને નિહાળવી જોઈએ.' -ડેબશ્રી સાહા, પ્રવાસી
'દરેક વ્યક્તિએ આ ધરોહરને નિહાળી તેના ઇતિહાસ અંગે જાણવું જોઈએ. રાણીની વાવ એ ભૂતકાળમાં રાજાઓના પ્રજાલક્ષી કાર્યોનો ઉત્તમ નમૂનો છે. રાણીની વાવના શિલ્પ સ્થાપત્યો અને કલા કોતરણી ધર્મની સાથે સાથે સમાજ જીવનની પદ્ધતિ પણ દર્શાવે છે જે ખરેખર પ્રસંશનીય છે. આવા ઐતિહાસિક સ્થળોની અવશ્ય મુલાકાત લેવી જોઈએ.' -હર્ષદ પટેલ, પ્રવાસી
વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધી: અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે દિવાળીના દસ દિવસોમાં 39 હજાર જેટલા પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લીધી હતી ત્યારે ચાલુ વર્ષે માત્ર 6 દિવસમાં જ 29, 513 પ્રવાસીઓએ રાણીની વાવ નિહાળી છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષે 10 દિવસમાં 62 વિદેશી પ્રવાસીઓએ રાણીની વાવ નિહાળી હતી જ્યારે ચાલુ વર્ષે 6 દિવસમાં 113 વિદેશી પ્રવાસીઓએ રાણીની વાવના શિલ્પ સ્થાપત્યને કલા કોતરણી નિહાળી અભિભૂત બન્યા છે. વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે દિવાળીના મીની વેકેશનમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.
