જ્યાં દૂધ ડેરીની શક્યતા પણ નહોતી, ત્યાં સહકારિતાને કારણે બની વસુધારા ડેરી

author img

By

Published : Sep 21, 2021, 5:16 PM IST

વસુધારા ડેરી સવા લાખ પશુપાલકો માટે વરદાનરૂપ સાબિત થઈ

જ્યાં દૂધની ડેરી શરૂ ન થઈ શકેની વાત હતી, ત્યાં સહકારી ક્ષેત્રના આગેવાનોના પરિશ્રમથી રોજના સાડા આઠ લાખ લીટર દૂધ ઉત્પાદન કરતી નવસારીની વસુધારા ડેરી સવા લાખ પશુપાલકો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે.

  • રોજની 8.50 લાખ લીટરની છે ઉત્પાદન ક્ષમતા
  • રાજકારણથી દૂર રહેવાને કારણે નિર્વિવાદ રહી છે વસુધારા
  • મિક્ષ મિલ્કમાં પ્રતિ કેજી ફેટ 700 રૂપિયા ભાવ આપે છે વસુધારા

નવસારી: જ્યાં દૂધની ડેરી શરૂ ન થઈ શકેની વાત હતી, ત્યાં સહકારી ક્ષેત્રના આગેવાનોના પરિશ્રમથી રોજના સાડા આઠ લાખ લીટર દૂધ ઉત્પાદન કરતી નવસારીની વસુધારા ડેરી સવા લાખ પશુપાલકો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે.

વસુધારા વર્ષે 30.03 કરોડ દૂધનું કરે છે ઉત્પાદન

નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના પશુપાલકો માટે ડેરી શરૂ કરવા માટેના જિલ્લાના સહકારી આગેવાનોએ 48 વર્ષ આગાઉ કરેલા પ્રયત્નોમાં તેમને નિરાશા સાંપડી હતી. જો કે મક્કમતાને કારણે વર્ષ 1973માં સહકારી આગેવાનો દ્વારા વસુધારા ડેરીની સ્થાપના કરી અને વર્ષ 1982માં 30 હજાર લીટર દૂધની ક્ષમતા સાથેનો પ્લાન્ટ શરૂ થયો. શરૂઆતમાં પશુપાલકો પાસેથી દૂધ લીધા બાદ તેને સુરત મોકલવામાં આવતું હતું અને આવક પણ ઓછી રહેતી હતી, પરંતુ સહકારી આગેવાનોની દીર્ઘ દ્રષ્ટિને કારણે ડેરીનો વિકાસ થયો અને આજે રોજના 8.50 લાખ લીટર દૂધ મેળવતી ડેરી બની છે. વસુધારા બ્રાન્ડ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ ગુંજતી થતા વર્ષે 30.03 કરોડ દૂધનું ઉત્પાદન અને 1849 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરતી ડેરી બની છે.

વસુધારા ડેરીના પશુપાલકોમાં પુરૂષો કરતા મહિલાઓ વધુ

વસુધારા ડેરી તેની 'વાછરડી યોજના'ને કારણે પણ પશુપાલકોમાં જાણીતી છે. જેને કારણે ડેરી સાથે મહિલા પશુપાલકો વધુ જોડાઈ છે અને આજે પગભર બની છે. ડેરીમાં 75642 મહિલા અને 46140 પુરૂષ મળી કુલ 121782 પશુપાલકો છે, જેઓ કુલ 1130 દૂધ મંડળી થકી, રોજના 8.50 લાખ લીટર દૂધ ભરે છે. મંડળીઓમાં પણ 921 મહિલાઓની મંડળી છે.

વસુધારાનો મિક્ષ મિલ્કના પ્રતિ કેજી ફેટ ભાવ 700

વસુધારા ડેરી પશુપાલકોને દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત પણ કરતી રહે છે. જેને માટે 'વાછરડી યોજના' થકી મહિલાઓને પગભર કરવાના પણ પ્રયાસો કરે છે. રાજ્યની અન્ય ડેરીઓ કરતા વસુધારામાં મહિલા પશુપાલકોની સંખ્યા વધુ છે. જોકે ડેરી પોતાના સભાસદો એટલે કે પશુપાલકોને પ્રતિ કેજી ફેટનો સૌથી સારો ભાવ આપે છે, જેમાં મિક્ષ મિલ્કમાં પ્રતિ કેજી ફેટના 700 રૂપિયા અને ગાય તથા ભેંસના દૂધના પ્રતિ કેજી ફેટના 680 રૂપિયા આપે છે.

સહકારી ટીમને કારણે વિવાદોથી દૂર રહી છે વસુધારા

નવસારીના ચીખલી નજીક આવેલી વસુધારા ડેરી સહકારી આગેવાનોની ટીમને કારણે વિવાદોથી દૂર રહી છે. ડેરીના પૂર્વ ચેરમેન મોંઘાભાઈ દેસાઈ સતત 30 વર્ષ સુધી ડેરીના સુકાની રહ્યા હતા, જેને કારણે ડેરી સતત પ્રગતિ કરતી રહી અને 6 હજાર લીટર દૂધથી આજે 8.50 લાખ લીટર સુધી દૂધની આવક પહોંચી છે.

રાજકારણથી દૂર રહી પશુપાલકોનું હિત જ ડેરી માટે મહત્વનું

વસુધારા ડેરીના દૂધ પ્રાપ્તિ અધિકારી મિતેશભાઈ બારોટે જણાવ્યુ કે, વર્ષ 1973માં વસુધારા ડેરીનો પાયો નંખાયો ત્યારથી આજ દિન સુધી સહકારી આગેવાનોએ વસુધારાને વિકાસના પંથે આગળ જ વધારી છે. આજ સુધી ડેરીમાં રાજકારણ આવ્યું નથી અને સભાસદોને હિતને જ ડેરીએ પ્રાથમિકતા આપી છે. આજે વર્ષે 30 કરોડથી વધુ દૂધ તેમજ દૂધની વસ્તુઓનું વસુધારા ઉત્પાદન કરે છે, જ્યારે ગત વર્ષે ડેરીનું ટર્નઓવર 1849 કરોડ હતુ, જે આ વર્ષે કોરોનાને કારણે ઘટ્યું છે, તેમ છતાં ડેરીએ વર્ષે 1789.29 કરોડનું ટર્નઓવર નોંધ્યુ છે. સાથે જ ડેરી પ્રતિ કેજી ફેટ સૌથી વધુ ભાવ આપે છે, જેથી ભાવને લઈને પણ કોઈપણ વિવાદ રહેતો નથી.

વધુ વાંચો: સુમુલ ડેરીના ડિરેક્ટરનું નિવેદન, દૂધના એકસમાન ભાવની વાત ખોટી

વધુ વાંચો: સાબરકાંઠા-અરવલ્લીની જીવાદોરી સાબરડેરીમાં છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ ભાવવધારો અપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.