ઐતિહાસિક ધરોહર નેરોગેજ ટ્રેનનો આજથી થયો આરંભ

author img

By

Published : Sep 4, 2021, 10:28 PM IST

Narrow gauge train

110 વર્ષોનો ઇતિહાસ જાળવી રહેલી બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન કોરોનાને કારણે બંધ થઈ હતી. જેને ફરી શરૂ કરાવવા કોંગી ધારાસભ્ય સાથે આદિવાસીઓએ આંદોલન છેડ્યુ હતુ. જેને કારણે સરકારે નેરોગેજ ટ્રેન શરૂ કરવા મુદ્દે વિચારણા કરી અને શનિવારથી બીલીમોરા-વઘઇ સુધી દોડતી નેરોગેજને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્તે લીલી ઝંડી બતાવી ફરી પાટે દોડતી કરી છે.

  • ટ્રેનમાં પ્રવાસીઓને આકર્ષવા લગાવાયો AC કોચ
  • કોરોનાકાળમાં બંધ પડેલી નેરોગેજ ટ્રેન શરૂ થતા આદિવાસીઓમાં ખુશી
  • ટ્રેન શરૂ થઈ પણ ભાડામાં 100 ટકાથી વધુનો વધારો
  • આદિવાસીઓ માટે નેરોગેજ જીવાદોરી સમાન

નવસારી: ગાયકવાડી રાજમાં સાગી લાકડા મેળવવા માટે નાંખવામાં આવેલી બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન કોરોનાકાળમાં બંધ થઈ હતી. જે ફરી શરૂ ન થતા વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસીઓએ ફરી પાટે દોડતી કરવા આંદોલન છેડી, ધરણા પ્રદર્શન સાથે જ સંબંધિતોને રજૂઆતો પણ કરી હતી. બીજી તરફ ડાંગના આદિવાસીઓ અને વેપારીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થયેલી નેરોગેજ ટ્રેન શરૂ કરવા ભાજપી આગેવાનોએ પણ સરકારમાં રજૂઆતો કરી હતી. જેને ધ્યાને લઇ પશ્ચિમ રેલવે દ્વારા ગત ઉનાળામાં સર્વે કરી, ટ્રેન શરૂ કરવાના એંધાણ આપ્યા હતા. જે બાદ સુરતના સાંસદ અને નવનિયુક્ત રેલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશે નેરોગેજ ટ્રેન શરૂ કરવા માટેની જાહેરાત કરતા જ આદિવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા. સાથે જ ટ્રેનમાં AC કોચ જોડવામાં આવનાર હોવાની વાતે સાપુતારા ફરવા જતા સાહેલાણીઓએ ઓનલાઈન બુકીંગ પણ કરાવી લીધુ હતું. બીલીમોરા રેલવે સ્ટેશનેથી શનિવારે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લીલી ઝંડી બતાવી નેરોગેજ ટ્રેનને પાટે દોડતી કરાવી હતી. ટ્રેન શરૂ થતા આદિવાસીઓ માટે ઉપયોગી થવા સાથે જ ટ્રેનમાં જોડાયેલા AC કોચ પ્રવાસીઓને પણ આકર્ષવામાં સફળ રહે એવી આશા ડાંગી આગેવાનો સેવી રહ્યા છે.

ઐતિહાસિક ધરોહર નેરોગેજ ટ્રેનનો આજથી થયો આરંભ

ઉનાઈમાં કોંગી ધારાસભ્યને સ્વાગત કરતા અટકાવતા, ટ્રેનને 20 મિનિટથી વધુ સમય અટકાવી

બીલીમોરાથી શરૂ થયેલી નેરોગેજ ટ્રેનની સફર કુદરતી સૌંદર્યની વચ્ચેથી થઈ ગણદેવી, ચીખલી, રાનકુવા થઈ ઉનાઈ પહોંચી હતી. જ્યાં વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલને નેરોગેજ ટ્રેનનું સ્વાગત કરતા અટકાવવામાં આવતા તેમણે ટ્રેનની સામે પાટા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જેને કારણે 20 થી 25 મિનીટ રોકાઈ રહી હતી. ધારાસભ્ય અનંત પટેલે ભાજપી સાંસદ કે.સી.પટેલ તેમની સાથે આવી ટ્રેનનું સ્વાગત કરે એવી માંગણી પણ કરી હતી. અંતે રેલવે પોલીસ અને સ્ટાફે કોંગ્રેસીઓને ટ્રેનને હાર પહેરાવવા દેતા, ધારાસભ્ય અનંત પટેલે ટ્રેનનું સ્વાગત કરી વિરોધ સમેટ્યો હતો.

ઐતિહાસિક ધરોહર નેરોગેજ ટ્રેનનો આજથી થયો આરંભ
ઐતિહાસિક ધરોહર નેરોગેજ ટ્રેનનો આજથી થયો આરંભ

નેરોગેજ ટ્રેનને પણ નડ્યો મોંઘવારીનો માર, ભાડામાં વધારો

બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન શરૂ તો થઈ પણ મોંઘવારીની માર પડી હોય એમ ટ્રેનના ભાડામાં 100 ટકાથી વધુનો ભાવ વધારો ઝીંકાયો છે. અગાઉ ટ્રેનનું વઘઇ સુધીનું ભાડુ 15 રૂપિયા હતું, જે હાલમાં 40 રૂપિયા થયુ છે. જેનો પ્રવાસીઓ સાથે જ કોંગી ધારાસભ્ય અનંત પટેલે પણ વિરોધ નોંધાવી ભાડુ ઘટાડવાની માંગણી કરી હતી. જેની રજૂઆત બાદ સાંસદ સી.આર.પાટીલે ભાડા મુદ્દે યોગ્ય રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.