અહીંના આદિવાસી બાળકો શીખી રહ્યા છે પત્રકારત્વના ગુણ

author img

By

Published : Sep 5, 2021, 8:01 PM IST

આદિવાસી બાળકો શીખી રહ્યા છે પત્રકારત્વના ગુણ

શિક્ષક ચાહે તો રણમાં પણ ફૂલ ખીલવી શકે છે, ત્યારે આદિવાસી બાળકોને શાળામાં જ પત્રકારત્વના ગુણ શીખવી, રંગપુર શાળાના શિક્ષક નીતિન પાઠકે વાચાળ બનાવી, શાળકીય દરેક સ્પર્ધા માટે તૈયાર કર્યા છે તેમજ વાંસદા તાલુકાની અંતરિયાળ રંગપુર પ્રાથમિક શાળાના શિક્ષકોએ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી આદિવાસી બાળકોને ડિજિટલી સ્માર્ટ બનાવી દીધા છે.

  • પ્રાર્થના સભામાં બોલતા ડરતી વિદ્યાર્થીનીઓ હવે કરે છે ન્યૂઝ એન્કરિંગ
  • શાળાની પ્રવૃત્તિઓ પર બને છે દર મહિને રંગપુર સમાચાર
  • ટેકનોલોજીના ઉપયોગ થકી શિક્ષણ આપતા રંગપુર શાળાના શિક્ષકો

નવસારી: પ્રલય અને નિર્માણ શિક્ષકના ખોળામાં રમે છે, આ ઉક્તિને આદિવાસી બહુલ વાંસદાના રંગપુર ગામના શિક્ષકે સાચી ઠેરવી છે. શિક્ષક ચાહે તો ચાણક્યની જેમ હજાર ચંદ્રગુપ્ત મૌર્ય બનાવી દુનિયા ફતેહ કરાવી શકે છે. આવુ જ આદિવાસી બાળકોને શાળામાં જ પત્રકારત્વના ગુણ શીખવી, રંગપુર શાળાના શિક્ષક નીતિન પાઠકે વાચાળ બનાવી, શાળકીય દરેક સ્પર્ધા માટે તૈયાર કર્યા છે. સાથે જ શાળાની પ્રવૃત્તિઓ દર મહિને રંગપુર સમાચાર તરીકે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરી, રંગપુરને વિશ્વ ફલક પર મુક્યુ છે.

આદિવાસી બાળકો શીખી રહ્યા છે પત્રકારત્વના ગુણ
આદિવાસી બાળકો શીખી રહ્યા છે પત્રકારત્વના ગુણ

રંગપુર ગામના આગેવાનોએ પણ શાળાને આગળ વધારવા કર્યા પ્રયાસો

દુનિયા સતત બદલાઈ રહી છે, જેમાં ટેકનોલોજીના કારણે લોકો ડિજિટલ થઈ રહ્યા છે. પ્રાથમિક શાળાઓમાં પણ હવે બાળકોને સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, ત્યારે નવસારીના આદિવાસી બહુલ એવા વાંસદા તાલુકાની અંતરિયાળ રંગપુર પ્રાથમિક શાળાના શિક્ષકોએ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી આદિવાસી બાળકોને ડિજિટલી સ્માર્ટ બનાવી દીધા છે. ખાસ કરીને શાળામાં પ્રાર્થના સભામાં બોલતા ખચકાતી વિદ્યાર્થીનીઓને બોલતી કરવા શાળાના આચાર્ય નીતિન પાઠકે શાળાની મહિના દરમિયાન થતી પ્રવૃત્તિઓને સમાચાર સ્વરૂપે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ વિદ્યાર્થીનીઓનો ઓડિયો મોબાઈલમાં રેકોર્ડ કરાતો, બાદમાં મોબાઈલ વીડિયો બનાવતા થયા અને કંઈક નવું કરવાના પ્રયાસમાં નીતિન પાઠકે શરૂ કર્યા રંગપુર સમાચાર.

રંગપુર સમાચાર પ્રસિદ્ધ થતા ગ્રામજનોમાં ખુશી સાથે ગર્વની લાગણી

રંગપુર પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દરેક વિદ્યાર્થીને ભાષાનું પાયાનું શિક્ષણ મળે એવા પ્રયાસો થયા છે. ત્યારે શાળાની ધોરણ 6થી 8ની બાળાઓનો ડર દૂર કરવા શરૂ કરાયેલા રંગપુર સમાચાર હવે પ્રોફેશનલી વંચાય છે. શાળાની પ્રયોગશાળામાં દાતાઓના સહયોગથી ન્યૂઝ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. શાળામાં થતી પ્રવૃત્તિઓના સમાચાર બનાવાય છે અને વિદ્યાર્થીનીઓ એન્કરિંગ કરે છે. બાદમાં આચાર્ય નીતિન પાઠક દ્વારા ન્યૂઝ એડિટ કરી, તેને યુટ્યુબ ચેનલ રંગપુર ન્યૂઝ પર પોસ્ટ કરવામાં આવે છે. રંગપુર સમાચાર પ્રસિદ્ધ થતા જ ગ્રામજનોમાં ખુશી અને ગર્વની લાગણી જોવા મળી છે. કારણ શિક્ષકોના પ્રયાસો થકી બાળકો વિવિધ ક્ષેત્રોમાં રંગપુરનો ડંકો વગાડી રહ્યા છે.

આદિવાસી બાળકો શીખી રહ્યા છે પત્રકારત્વના ગુણ
આદિવાસી બાળકો શીખી રહ્યા છે પત્રકારત્વના ગુણ

નવસારી જિલ્લાની ટેક્નોક્રેટ શાળા છે રંગપુર - પ્રાથમિક શિક્ષણાધિકારી

શિક્ષક ચાહે તો રણમાં પણ ફૂલ ખીલવી શકે છે. રંગપુરના આદિવાસી બાળકોને ડિજિટલ શિક્ષણ થકી શાળાના શિક્ષક નીતિન પાઠક અને કેતન સોલંકીએ જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ શહેરી શાળાઓના સમકક્ષ મૂકી દીધી છે. જેમાં પણ શાળાની પ્રવૃત્તિઓ સમાચાર સ્વરૂપે લખવી, એના ફોટો કે વીડિયો કરવા તેમજ વિદ્યાર્થીનીઓને એન્કરિંગ માટે તૈયાર કરી, સમાચાર વંચાવવા અને બાદમાં ટીવી ન્યૂઝની જેમ જ એડિટ કરી, એને સોશિયલ સાઇટ્સ પર પ્રસારિત કરવા, શિક્ષકની કર્તવ્ય નિષ્ઠાનું પ્રમાણ છે. જેને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ વખાણી રંગપુર શાળાને ટેક્નોક્રેટ શાળા ગણાવી છે.

કરિયર માટે ઘરેડથી અલગ ચીલો ચિતરવાનો શિક્ષકનો પ્રયાસ

આજે જ્યારે બાળકોને ડોકટર, એન્જીનિયર કે IT સેક્ટરમાં કરિયર બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, ત્યારે વાંસદાની રંગપુર શાળાના શિક્ષકોના પ્રયાસથી વિદ્યાર્થીઓ પત્રકારત્વ કે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં કરિયર બનાવવા પ્રેરિત થશે એ ચોક્કસ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.