લીલવણીયા મહાદેવ અતિ પ્રાચીન મહાદેવોમાંનું એક શિવાલય

author img

By

Published : Aug 26, 2021, 1:13 PM IST

લીલવણીયા મહાદેવ અતિ પ્રાચીન મહાદેવોમાંનું એક શિવાલય

પવિત્ર શ્રાવણ માસ એટલે શિવની આરાધનાનો માસ. ભગવાન શિવના નામરૂપ અનંત છે. શાસ્ત્રોમાં પણ તેમની ઉપાસના નિર્ગુણ- સગુણ લિંગ વિગ્રહ તથા પ્રતિમા ગ્રહથી કરવાનો નિર્દેશ છે. ભગવાન શિવનું વિશિષ્ટ રૂપ લિંગ રૂપમાં છે. આવું જ એક શિવલિંગ બાલાસિનોર વિરપુર રોડ પર અને કેડીથી ત્રણ કિલોમીટર દૂર પૌરાણિક શિવલિંગ મહાદેવ આવેલું છે, જે લીલવણીયા મહાદેવ તરીકે પ્રખ્યાત છે.

  • વિસ્તાર લીલોછમ અને વૃક્ષોથી ભરપૂર હોવાથી લીલવણીયા મહાદેવ તરીકે પ્રખ્યાત
  • સિધ્ધેશ્વર બાબાની ગુફા પાસે એક કુંડમાં બારેમાસ ચોવીસ કલાક પાણીની ધાર વરસતી રહે છે
  • અહીં લીલી વનરાજી અને આસપાસ બાર ગાઉ ફરતું તળાવ છે

મહિસાગર- બાલાસિનોર તાલુકાના મુખ્ય મથક બાલાસિનોરથી આશરે 22 કિલોમીટર દુર આવેલા બાલાસિનોર વિરપુર રોડ પર અને પરબિયા કેડીથી ત્રણ કિલોમીટર દૂર પૌરાણિક શિવલિંગ મહાદેવ આવેલું છે. આ શિવાલય નીલકંઠ મહાદેવના નામથી ઓળખાય છે. દેવગંગા નદીના કિનારે આવેલું અને જેઠોલી ગામની સીમમાં આવેલો આ વિસ્તાર ઘણા વર્ષો અગાઉ લીલોછમ રહેતો હોવાથી અને આજુબાજુનો પ્રદેશ અનેક વૃક્ષોથી ભરપૂર હોવાથી લીલવણીયા મહાદેવ તરીકે પ્રખ્યાત છે.

લીલવણીયા મહાદેવ અતિ પ્રાચીન મહાદેવોમાંનું એક શિવાલય

પરબીયા કેડીથી લીલવણીયા મહાદેવ જવાનો ત્રણ કિલોમીટરનો કાચો રસ્તો છે

અંદાજીત 200 વર્ષ જૂનું લીલવણીયા મહાદેવ અતિ પ્રાચીન મહાદેવોમાંનું એક શિવાલય છે. પરબીયા કેડીથી લીલવણીયા મહાદેવ જવાનો ત્રણ કિલોમીટરનો કાચો રસ્તો છે. દેવગંગા નદીના કિનારે આવેલા લીલવણીયા મહાદેવના સ્થળે આવતા જ અઢારમી સદીનું મદમસ્ત વાતાવરણ જોતા નિલકંઠ મહાદેવના દર્શનની અનુભૂતિ કરાવે છે.

જન્માષ્ટમી, આમલી અગિયારસ અને શિવરાત્રીએ મેળો ભરાય છે

અહીં લીલી વનરાજી અને આસપાસ બાર ગાઉ ફરતું તળાવ છે. તળાવ પર મહાદેવનું સ્થાન છે. હાલમાં ડાબી બાજુએ શિવનું અસલ લિંગ ભિતરમાં આવેલું છે. જેના પર કાયમી જળનો અભિષેક થાય છે. હાલમાં જે મહાદેવનું શિવાલય છે, ત્યાં ઘણા વર્ષો અગાઉ એકમાત્ર હનુમાન દાદાની મૂર્તિ હતી. શ્રાવણ માસમાં જન્માષ્ટમી, આમલી અગિયારસ અને શિવરાત્રીએ ભવ્ય મેળો ભરાય છે. આ મેળામાં આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટે છે.

સિધ્ધેશ્વર બાબાની આ શિવાલય પ્રત્યે અનોખી ભક્તિ

આ સ્થળે વર્ષો પહેલાં સિધ્ધેશ્વર મહંત રહી આ સ્વયંભૂ શિવલિંગની પૂજા કરતા હતા. તેમના સમયથી અહીં અખંડ ધૂણી ચાલે છે. આ દેવ સ્થાને વર્ષો જુની સિધ્ધેશ્વર બાબાની ગુફા આવેલી છે. જેમાં બેસીને તેઓ તપ કરતા હતા. સિધ્ધેશ્વર બાબાની આ શિવાલય પ્રત્યે અનોખી ભક્તિ હતી. અહીં તેમની સમાધિનું સ્થાન છે. હાલમાં તેમની સમાધિના લોકો દર્શન કરી બાધા માને છે અને તેમની મનોકામના પરિપૂર્ણ થાય છે.

ધાર્મિક સ્થળની સાથે-સાથે પિકનિક પોઇન્ટ

આ શિવાલય પરિસરમાં સિધ્ધેશ્વર બાબાની ગુફા પાસે એક કુંડમાં બારેમાસ ચોવીસ કલાક પાણીની ધાર વરસતી રહે છે. આ કુંડના પાણીથી અનેક રોગોના દર્દીઓ સાજા થયાના ચમત્કારો થયાનું ભક્તો દ્વારા માનવામાં આવે છે. આ સ્થળ ધાર્મિક સ્થળની સાથે-સાથે પિકનિક પોઇન્ટ તરીકે પણ આસપાસના વિસ્તારોના પ્રવાસીઓ મુલાકાત કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.