18 મી સદીથી અવિરત ચાલી આવતી ગિરનારની લીલી પરિક્રમાનો અદ્ભુત ઇતિહાસ

18 મી સદીથી અવિરત ચાલી આવતી ગિરનારની લીલી પરિક્રમાનો અદ્ભુત ઇતિહાસ
ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા શરૂ થવાને આડે હવે જૂજ દિવસો જ બાકી છે. 18 મી સદીમાં શરૂ થયેલી પરંપરાગત પરિક્રમામાં આજ દિન સુધીમાં જરૂરી ફેરફાર આવ્યા છતાં આજે પણ ભક્તો ભાવથી આ પરિક્રમા પૂર્ણ કરે છે. ત્યારે જાણીતા ઇતિહાસકાર હરીશભાઈ દેસાઈના માધ્યમથી જાણો ગિરનારની લીલી પરિક્રમાનો ભવ્ય ઇતિહાસ Girnar lili Parikrama
જૂનાગઢ : 23 નવેમ્બર ગુરુવારના દિવસે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે. ત્યારે 18 મી સદીમાં શરૂ થયેલી ગિરનારની લીલી પરિક્રમા અનેક કથાઓ અને ઇતિહાસને સમેટીને આધુનિક સમયમાં પણ અવિરત જોવા મળે છે. ત્યારે જાણીતા ઇતિહાસકાર હરીશભાઈ દેસાઈએ ગિરનારની પરિક્રમા અંગે ETV BHARAT સાથે વિશેષ વાતચીત કરી હતી.
ગિરનારની લીલી પરિક્રમા : 23 નવેમ્બરના રોજ કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે. ત્યારે પ્રાચીન પરંપરા મુજબ તેમજ સનાતન ધર્મના ધર્મગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ પુરાતન કાળથી ચાલતી આવતી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા 18 મી સદીમાં શરૂ થઈ હોવાનું નોંધાયું છે. 1864 માં જે તે સમયે જૂનાગઢના દીવાન અનંતજી વસાવડા દ્વારા જયેષ્ઠ મહિનામાં સંઘ દ્વારા ગિરનારની ફરતે પરિક્રમા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા અને વર્ષો પછી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કાર્તિક માસમાં શરૂ થઈ. આજે પણ આધુનિક સમયમાં પૌરાણિક ધાર્મિક અને સનાતન ધર્મની પરંપરા મુજબ દરવર્ષે અવિરત યોજાઈ રહી છે.
પરિક્રમાના પાંચ પડાવ : વર્ષ 1947 માં ભારત આઝાદ થયું પરંતુ જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે થતા જે તે સમયે જૂનાગઢમાં ભારે રાજકીય ચહલ પહલ અને અનિશ્ચિતતા જોવા મળી હતી. આવા સમયે પણ ગિરનારની લીલી પરિક્રમા બિલકુલ પારંપરિક રીતે યોજવામાં આવી હતી. પરંપરા મુજબ ભવનાથ મહાદેવથી શરૂ થઈને પરિક્રમાર્થીઓ ચરખડીયા હનુમાન, સૂરજ કુંડ, માળવેલા બોરદેવી અને પરત ભવનાથ મંદિરે પાંચ પડાવો પૂરા કરીને ત્રણ દિવસમાં પરિક્રમમાં પૂર્ણ કરતા હતા. આ ત્રણ દિવસ દરમિયાન પરિક્રમાર્થીઓ એક દિવસના 9 કિલોમીટર લેખે 36 કિમીની પદયાત્રા જય ગિરનારીના નાદ સાથે પૂરી કરે છે.
ક્યારે ક્યારે બંધ કરી પરિક્રમા ? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વમાં અરાજકતાનો માહોલ હતો. આવા સમયે કેરોસીનની કારમી અછતને કારણે પરિક્રમા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી. ત્યારબાદ કોરોના કાળને લઈને પણ પરિક્રમા ધાર્મિક વિધિ પરિપૂર્ણ થાય તે માટે સાંકેતિક રૂપે અને એકમાત્ર ભવનાથના સાધુ-સંતો ધર્મની દ્રષ્ટિએ પરંપરા પૂર્ણ કરે તે માટે પરિક્રમા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કોરોના કાળમાં એક પણ પરિક્રમાર્થીને પરિક્રમા રૂટ પર જવા દેવામાં આવ્યો નહોતા.
પરિક્રમાર્થીઓની સેવા એ જ પ્રભુસેવા : 18 મી સદીમાં જ્યારે પરિક્રમા શરૂ થઈ ત્યારે તમામ પરિક્રમાર્થીઓ પાંચ દિવસ સુધી ચાલે તેટલી ભોજનસામગ્રી લઈને ગિરનાર જંગલમાં પ્રવેશ કરતા હતા. અહીં તેઓ પાંચ દિવસ અને રાત રોકાઈને વન ભોજન કરીને પરિક્રમાને ધાર્મિક રીતે પૂર્ણ કરતા હતા. પરંતુ આધુનિક સમયમાં આજે હવે પરિક્રમાના માર્ગ પર ભોજન-પ્રસાદ, ઉતારા મંડળ અને બીજી અનેક સેવાઓ ઉપલબ્ધ હોય છે. જેના કારણે પરિક્રમાર્થીઓ પાંચ દિવસ દરમિયાન ભોજન-પ્રસાદ તેમજ અન્ય સુવિધાને લઈને કોઈ પણ પ્રકારની જરૂરિયાત સમાજ સેવા કરતા સંગઠનો દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.
