Bhadarvi Amas 2023: દામોદરકુંડમાં ભાદરવી અમાસે લાખો શ્રદ્ધાળુએ કર્યું પવિત્ર સ્નાન, જાણો કેમ છે ધાર્મિક મહત્વ

Bhadarvi Amas 2023: દામોદરકુંડમાં ભાદરવી અમાસે લાખો શ્રદ્ધાળુએ કર્યું પવિત્ર સ્નાન, જાણો કેમ છે ધાર્મિક મહત્વ
જૂનાગઢના દામોદરકુંડમાં ભાદરવી અમાસે સ્નાન કરવાનું ખૂબ ધાર્મિક મહત્વ છે. જેને લઈને લાખોની સંખ્યામાં ભક્તોએ અમાસનું સ્નાન કર્યુ હતું અને પોતાના પિતૃઓના આત્માઓને મોક્ષ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
જૂનાગઢ: આજે ભાદરવી અમાસના દિવસે પિતૃ તર્પણ અને પવિત્ર ઘાટોમાં સ્નાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. તે અંતર્ગત આજે ભવનાથમાં આવેલા દામોદર કુંડમાં વહેલી સવારથી જ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યાં હતા. ભક્તો પોતાના પિતૃઓને તર્પણ કરીને ભાદરવી અમાસનું પવિત્ર સ્નાન પરિપૂર્ણ કરી ભવભવનું પુણ્યનું ભાથું બાંધતા જોવા મળ્યા હતા.
દામોદરકુંડમાં પવિત્ર સ્નાન: લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર દામોદર કુંડમાં તર્પણ વિધિ અને ત્યારબાદ અમાસનું સ્નાન કરીને પોતાના પિતૃઓના આત્માઓને મોક્ષ મળે તે માટે પ્રાર્થના કરી હતી. અમાસના દિવસે પિતૃ તર્પણને સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનું માનવામાં આવે છે. સનાતન ધર્મમાં પવિત્ર ઘાટો, નદી અને સરોવરમાં અમાસના દિવસે સ્નાન કરવાનું વિશેષ પુણ્યશાળી ફળ મળતુ હોય છે. જેને લઈને પણ દામોદર કુંડમાં લાખોની સંખ્યામાં ભક્તોએ અમાસનું સ્નાન કર્યુ હતું.
સ્નાનનું શા માટે ધાર્મિક મહત્વ: ગિરનાર પર્વત પરથી પ્રવાહિત થતી સુવર્ણ રેખા નદીનું પાણી પવિત્ર દામોદર કુંડમાં આવી રહ્યું છે. જેમાં સ્નાન કરવાનું ખૂબ ધાર્મિક મહત્વ છે. સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં 44 જેટલી નદીઓને પવિત્ર માનવામાં આવી છે. જેમાં સુવર્ણ રેખા નદીનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. જેને લઈને પણ પવિત્ર દામોદર કુંડમાં પિતૃ તર્પણ વિધિ અને સ્નાનનું ખૂબ મહત્વ જોવા મળે છે.
નેપાળથી આવ્યો પરિવાર: ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ પૌરાણિક દામોદર કુંડમાં પિતૃ તર્પણ કરવા માટે આ વર્ષે નેપાળથી એક પરિવાર આવ્યો છે. દામોદર કુંડમાં તેના તમામ સ્વજનોની તર્પણ વિધિ કરવામાં આવી હતી. દામોદર કુંડની પવિત્રતા અને તેના ધાર્મિક મહત્વને લઈને છેક નેપાળથી પણ ભાવિ ભક્તોએ પોતાના પિતૃને તર્પણ કરીને પવિત્ર અમાસનું સ્નાન કરી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
