Jamnagar Court : જીવાપરમાં દલિત યુવકની હત્યા કેસના ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારતી જામનગર કોર્ટ

Jamnagar Court : જીવાપરમાં દલિત યુવકની હત્યા કેસના ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારતી જામનગર કોર્ટ
જામનગરના જીવાપર ગામમાં 9 વર્ષ પહેલાં દલિત યુવકની હત્યાના મામલામાં જામનગર કોર્ટે ચૂકાદો આપ્યો હતો. દલિત યુવાનની હત્યાના કેસના ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
જામનગર : જામનગર તાલુકાના જીવાપર ગામમાં નવ વર્ષ પહેલા એક દલિત યુવાનની હત્યા નીપજવાઈ હતી. જે કેસમાં આરોપી પિતા અને તેના બે પુત્રને અદાલતે આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.
દલિત યુવાનની હત્યા થઇ હતી : જામનગર તાલુકાના જીવાપર ગામમાં ગત તારીખ 9/9/14ના રોજ મિતેશ માધાભાઈ કંટારીયા નામના દલિત યુવાનની પાઇપ વડે હુમલો તથા છરીના ઘા મારીને હત્યા નિપજાવાઇ હતી. આ અંગે મૃતક મિતેશના પિતા માધાભાઈ ટપુભાઈ કંટારીયાએ આરોપી આરીફ ઉર્ફે અસલો મામદ તેના ભાઈ સિરાજ મામદ અને પિતા મામદ વાલજીભાઈ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતાં.
આજીવન કેદની સજા : આ અંગેનો કેસ ચાલી જતાં ફરિયાદ પક્ષ દ્વારા 26 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતાં. જ્યારે 29 જેટલા સાહેદોને તપાસવામાં આવ્યા હતા. બંને પક્ષના વકીલોની વિસ્તૃત દલીલો સાંભળીને એડિશનલ સેશન્સ જજ એ. આર. વ્યાસે ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને 5000નો દંડ અને દંડની રકમ ન ભરે તો વધુ સાત દિવસની સજાનો આદેશ કર્યો છે.
સરકારી વકીલની દલીલો માન્ય જામનગર તાલુકાના જીવાપર ગામમાં નવ વર્ષ પહેલાં બનેલી મિતેશ માધાભાઈ કંટારીયા નામના દલિત યુવાનની હત્યાના આ કેસમાં ફરિયાદી પક્ષ તરફથી મજબૂત પુરાવાઓ અને દલીલો પેશ કરવામાં આવી હતી. જેને માન્ય રાખતાં હત્યા કેસના આરોપી પિતા અને તેના બે પુત્રને સજા થઇ શકી હતી. આ કેસમાં સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટેર ધર્મેન્દ્ર જીવરાજાની અને મૂળ ફરિયાદી તરફે વકીલ કિરણભાઈ બગડા રોકાયા હતાં.
