ગીર સોમનાથના તાલાલામાં 6 કલાકમાં 6.5 અને ઉનામાં 5 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

author img

By

Published : Sep 1, 2021, 2:25 PM IST

gir

ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો હોવાથી પાક સૂકાય રહ્યો હતો એવા સમયે આજે સવારથી જિલ્લાભરમાં વરસેલા શ્રીકાર વરસાદથી ખેતીના પાકો પરનું સંકટ ટળ્યુ હોવાથી ખેડૂતોમાં ખુશી છવાઇ હતી. ગીર પંથકમાં પડી રહેલા ભારે વરસાદના પગલે તાલાલા ગીર પંથકની હિરણ નદીમાં ઘોડાપુર આવેલ જયારે અનેક નદી-નાળાઓમાં વરસાદના પાણી ઘસમસતા વહેતા જોવા મળતા હતા.

  • ઘોઘમાર વરસાદના પગલે ગીર પંથકની હિરણ નદીમાં ઘોડાપુર આવ્‍યું
  • અનેક નદી-નાળા-વોકળાઓમાં ઘસમસતા નવા નીર વહેતા થયા
  • જિલ્લાના ગીર જંગલ અને દરીયાકાંઠા વિસ્‍તારમાં ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગીર સોમનાથ: જિલ્લાના 6 તાલુકાઓમાં આજે (બુધવાર) સવારથી શરૂ થયેલ અવિરત મેઘસવારીએ ચાર કલાકમાં સાબલેઘાર વરસાદ વરસાવી દેતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. નદી-નાળાઓમાં નવા નીર વહેતા થતા ઘોડાપૂર જેવી સ્‍થ‍િતિ ઉભી થઇ છે. આજે સવારથી બપોર સુઘી છ કલાકમાં જિલ્લામાં સૌથી વઘુ તાલાલા ગીર 162 મીમી (6.5 ઇંચ) અને સૌથી ઓછો સુત્રાપાડામાં 49 મીમી (2 ઇંચ) જેટલો વરસાદ વરસ્‍યો છે. ઉનામાં 5 ઇંચ, ગીરગઢડામાં 4 ઇંચ, વેરાવળમાં 3 ઇંચ, કોડીનારમાં 2.5 ઇંચ વરસાદ વરસ્‍યો છે.

જિલ્લાના છ તાલુકામાં વરસેલ વરસાદ

મંગળવારની રાત્રીથી ગીર સોમનાથ જિલ્લાના છએય તાલુકામાં મેઘરાજાએ મુકામ કરી ઝાપટારૂપી હેત વરસાવી રહ્યા હતા. સમગ્ર રાત્રી દરમિયાન જિલ્લાના 6 તાલુકામાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. બાદમાં આજે બુઘવારની સવારથી મેઘરાજાએ મનમુકીને વરસવાનું શરૂ કર્યુ હતુ. જેના પગલે જિલ્લાભરમાં સરરેશા અઢી થી સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ગીર જંગલ વિસ્‍તારમાં પણ ભારે વરસાદ વરસી રહયો હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લાના છ તાલુકાઓમાં આજે સવારે 6 થી બપોરે 12 વાગ્‍યા (છ કલાક)માં વરસેલા વરસાદ જોઇએ તો વેરાવળમાં 75 મીમી (3 ઇંચ), તાલાલામાં 162 મીમી (6.5 ઇંચ), સુત્રાપાડામાં 49 મીમી (2 ઇંચ), કોડીનારમાં 67 મીમી (2.5 ઇંચ), ગીરગઢડામાં 95 મીમી (4 ઇંચ) અને ઉનામાં 121 મીમી (5 ઇંચ) વરસાદ વરસી ગયો છે.

તાલાલામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

આજે સવારથી જિલ્લાભરમાં થઇ રહેલ શ્રીકાર વર્ષામાં ખાસ તાલાલા ગીર પંથકમાં ભારે 6.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જેમાં સવારે પ્રથમ બે કલાકમાં 1.5 ઇંચ બાદ સવારે 8 થી 10 માં 4.5 ઇંચ જેટલો અનરાઘાર વરસાદ વરસી જતા અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્‍યા હતા. જેમાં તાલાલા તાલુકાના આંબળાસ, જેપુર ગીર, ધરમપુર ગીર, ગલીયાવાડ સહિતના અનેક ગામોના રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે પંથકમાં પડી રહેલ ઘોઘમાર વરસાદના પગલે નદી-નાળા અને વોકળામાં પણ વરસાદી પાણીની ભરપુર આવક જોવા મળતી હતી.

આ પણ વાંચો : રાષ્ટ્રીય પોષણ માસ આજથી શરૂ, જાણો પોષણ અભિયાનને સફળ બનાવવા કેવા આયોજન

હિરણ નદીમાં ઘોડાપુર આવ્‍યુ

ગતરાત્રથી શરૂ થયેલ મેઘસવારની સાથે ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદના કારણે ગીર પંથકની હિરણ નદીમાં નવા નીરની ભરપૂર આવકના પગલે નદીમાં ઘોડાપુર આવ્યુ હતુ. આ નદી તાલાલાના ભગોળેથી પસાર થતી હોવાથી ઘોડપુરનો નજારો જોવા લોકો ઉમટી રહ્યા હતા. તાલાલા ગીર પંથકમાં શ્રીકાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તાલાલાના જેપુર-ઘણેજ ગામમાંથી પસાર થતી આંબાખોય નદીના પાણી ફરી વળ્યા હતા. આ નદી આગળ જતાં હિરણ નદીમાં ભળી જાય છે.

ગીર સોમનાથના તાલાલામાં 6 કલાકમાં 6.5 અને ઉનામાં 5 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

વેરાવળ પંથકના અનેક ગામોમાં ઘુંટણ સમા પાણી ભરાયા

જિલ્લા મથક વેરાવળ શહેર અને પંથકમાં પણ સવારથી બપોર સુઘીમાં સતત થઇ રહેલ મેઘ સવારી વચ્‍ચે 3 ઇંચ જેટલો વરસાદ વરસી જતા શહેરના નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાવવા લાગ્‍યા હતા. શહેરના અનેક મુખ્‍ય સહિતના માર્ગો પર વરસાદી પાણી સાથે ગટરો ઉભરાતા ગંદા પાણી ફરી વળયા હતા. જેના લીઘે શહેરીજનો અને ચાલકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જયારે તાલુકાના ભેટાળી, ઈન્‍દ્રોય, ઇશ્વરીયા, કોડીદ્રા, સોનારીયા, ભેરાળા, ઇણાંજ સહિતના ગામોમાં વરસાદી પણી ફરી વળવાની સાથે અનેક માર્ગો અને શેરીઓમાં ગોઠણ સમા પાણી ભરાય ગયા હતા. જયારે અનેક ગામોમાં ખેતરોના પાણી ફરી વળ્યા હતા. જયારે ગીરમાં પડી રહેલ ધોધમાર વરસાદના પગલે અનેક માર્ગો પર નદીમાં આવેલ નવા નીરના પાણી ફરી વળ્યા હતા. જેમાં તાલાળા - ગડુને જોડતા પુલ પર પાણી ફરી વળેલ જોવા મળયા હતા.

આ પણ વાંચો : LPG સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો, જાણો ક્યા શું છે ભાવ

ઉના-ગીરગઢડાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભારે વરસાદ

જિલ્લાના ઉના-ગીરગઢડા તાલુકા અને ગીર જંગલ વિસ્‍તારમાં પણ પડી રહેલા ઘોઘમાર વરસાદના પગલે અનેક ગામોની શેરીઓ અને માર્ગો પર પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. આજે જિલ્લાભરમાં થઇ રહેલા શ્રીકાર વરસાદના પગલે લાંબા સમયથી વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો હતો. આજની મેઘ મહેરના પગલે ગઇકાલ સુઘી ખેતરોમાં સૂકાતા પાકના સ્‍થળોએ આજે વરસાદી પાણી ભરાયાના માહોલથી ખેડૂતમાં હરખની હેલી જોવા મળતી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.