Dang Rain: જિલ્લામાં વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ

author img

By

Published : Jul 11, 2021, 9:17 PM IST

Dang Rain: જિલ્લામાં વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ડાંગ જિલ્લાનાં આહવા, વઘઇ અને સાપુતારા સહીતનાં પંથકોમાં શનિવારે રાત્રીના સમયગાળા અને દિવસ દરમિયાન સમયાંતરે ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીનાં દ્રશ્યો રેલાયા હતા.

  • ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનું આગમન
  • વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
  • ગિરિમથક સાપુતારામાં રવિવારે પણ પ્રવાસીઓનું ઘોડાપૂર

ડાંગ: રાજ્યનાં છેવાડાના જિલ્લામાં મેઘમહેરે લાંબો વિરામ લેતા જિલ્લાના ખેડૂતો અસમંજસમાં મુકાયા હતા. પરંતુ શનિવારનાં સાંજનાં અરસાથી ડાંગ જિલ્લામાં ધીમી ધારે વરસાદી માહોલે દસ્તક દેતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગયી હતી.

ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન

ડાંગ જિલ્લાનાં આહવા, વધઇ અને સાપુતારા સહિત પૂર્વપટ્ટી અને સરહદીય ગામડાઓમાં શનિવારે રાત્રીનાં અરસામાં તેમજ રવિવારે દિવસ દરમિયાન સમયાંતરે થોડાક સમય માટે ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણી થયુ હતું. ડાંગ જિલ્લામાં શનિવારે રાત્રીનાં અરસામાં પડેલા ધોધમાર વરસાદનાં પગલે જંગલ વિસ્તારનાં કોતરડા, વહેળાઓમાં નવા નીર આવ્યા હતા. જ્યારે ડાંગી ખેડૂતોનાં ખેતરો પાણીથી ભરાયા હતા.

વઘઇના ગીરા ધોધમાં નવા નીરનું આગમન

ડાંગ જિલ્લાનાં વઘઇ પંથકમાં એક ઈંચ જેટલો વરસાદ પડતા ગીરાધોધ ધીમી ગતિએ લયમાં આવી ધબકતો જોવા મળ્યો હતો. રવિવારે ગીરાધોધ અને બોટનીકલ ગાર્ડન વઘઇ ખાતે પણ પ્રવાસીઓનો જનસેલાબ ઉમટી પડ્યા હતા. જેમાં ગિરિમથક સાપુતારા ખાતે કુદરતી સૌંદર્યનો સ્વાદ માણવા રવિવારે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ઠેરઠેર હાઉસફુલનાં પાટિયા લગાડવામાં આવ્યા હતા.

વઘઇના ગીરા ધોધમાં નવા નીરનું આગમન
વઘઇના ગીરા ધોધમાં નવા નીરનું આગમન

ગિરિમથક સાપુતારામાં ધૂમ્મસમય વાતાવરણ

ગિરિમથક સાપુતારા ખાતે બપોરનાં અરસામાં વરસાદી માહોલની સાથે સમગ્ર સ્થળો પર દુધિયા રંગની ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા ફરવા આવેલા પ્રવાસીઓનો ઉમંગ બેવડાયો હતો. ગિરિમથક સાપુતારા ખાતે રવિવારે વિકેન્ડની રજાઓને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો કાફલો નાના મોટા વાહનો સાથે ઉમટી પડતા અહી દરેક સ્થળોએ સમયાંતરે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ હતુ. પરંતુ ડાંગ વહીવટી તંત્ર સહીત પોલીસની ટીમો સાપુતારા ખાતે દિવસભર તૈનાત રહેતા અહી દરેક સ્થળોએ વાહનવ્યવહાર પૂર્વરત રહ્યો હતો.

ગિરિમથક સાપુતારામાં ધૂમ્મસમય વાતાવરણ
ગિરિમથક સાપુતારામાં ધૂમ્મસમય વાતાવરણ

આ પણ વાંચોઃ હૈદરાબાદમાં મેઘરાજાની મહેર, અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકો પરેશાન

24 કલાકમાં ડાંગ જિલ્લામાં નોંધાયેલો વરસાદ

ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમિંયાન વઘઇ પંથકમાં 25 મિમી અર્થાત 1 ઈંચ, સાપુતારા પંથકમાં 24 મિમી અર્થાત 1 ઈંચ, જ્યારે સૌથી ઓછો સુબિર પંથકમાં 04 મિમી તથા સોથી વધુ આહવા પંથકમાં 81 મિમી 3.24 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.