Prabha Shah Death : સમાજ સેવક પદ્મશ્રી પ્રભા શાહનું નિધન થતાં દમણ શોકનું મોજું ફરી વળ્યું


Prabha Shah Death : સમાજ સેવક પદ્મશ્રી પ્રભા શાહનું નિધન થતાં દમણ શોકનું મોજું ફરી વળ્યું
જાણીતા સમાજ સેવક અને પદ્મશ્રી પ્રભા શાહનું નિધન થતાં દમણમાં (Prabha Shah Death) શોકનું મોજું ફરી વળ્યું છે. 93 વર્ષના પદ્મશ્રી પ્રભા શાહ દમણના પ્રથમ મહિલા અને પદ્મશ્રી મેળવનાર બીજા સમાજ સેવક હતાં. (Padmashri Prabha Shah Death)
દમણ : વર્ષ 2022માં 73માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારની ઘોષણા કરી હતી. જેમાં દમણના જાણીતા સમાજ સેવક પ્રભા શાહને પણ પદ્મશ્રી એનાયતની જાહેરાત કરવામાં આવ્યા હતા. તે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાંથી જાણીતા સમાજ સેવિકા પદ્મશ્રી પ્રભા શાહનું 18મી જાન્યુઆરી 2023ના બપોરે 1:30 વાગ્યે નિધન થતા દમણમાં શોકનો માહોલ છવાયો છે. 93 વર્ષના પદ્મશ્રી પ્રભા શાહ દમણના પ્રથમ મહિલા અને પદ્મશ્રી મેળવનાર બીજા સમાજ સેવક હતા. આ અગાઉ ડો. એસ.એસ. વૈશ્યને આ સન્માન એનાયત થયું હતું.
આ પણ વાંચો રાજભા ગઢવી અને અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ હીરાબાને અર્પી શ્રદ્ધાંજલિ
93 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ વર્ષ 1930ની 20મી ફેબ્રુઆરી બારડોલીમાં જન્મેલા શ્રીમતી પ્રભા શોભાગચંદ શાહ બારડોલીના સ્વરાજ આશ્રમ સાથે સંકળાયેલા હતાં અને ગાંધી વિચારધારાથી પ્રેરિત હતાં. તેમણે બારડોલીમાં બે વર્ષ શિક્ષણકાર્ય કર્યા બાદ દમણને કર્મભૂમિ બનાવી હતી. અહીં દમણની મુક્તિ બાદ ઇ.સ. 1963 થી વોકેશનલ ટ્રેનિંગની શરૂઆત કરી હતી. તેમણે એ જ વર્ષમાં મહિલા મંડળની પણ સ્થાપના કરી હતી. તેઓ દમણમાં જ રહેતા હતાં. 93 વર્ષની ઉંમરે બુધવારે બપોરે 1:30 વાગ્યે તેનું નિધન થયું હતું. મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત હતાં. જેમાં દોઢેક મહિનાથી બેડ રેસ્ટ પર રહ્યા બાદ આજે અચાનક હલનચલન બંધ થતાં તેમને દમણની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.
આ પણ વાંચો ઓસ્કર નોમિનેટેડ મૂવીના બાળ કલાકાર રાહુલ કોળીનું નિધન, તેરમાના દિવસે રીલીઝ થશે ફિલ્મ છેલ્લો શો
મહિલા જાગૃતિની દિશામાં પણ નોંધપાત્ર પ્રદાન પદ્મશ્રી પ્રભા શાહ દમણમાં મહિલા કો.ઓપ. સોસાયટી, લાયન્સ ક્લબ ઓફ દમણ, મહિલા ક્રેડિટ સોસાયટીની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ ઉપરાંત દમણમાં મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિની દિશામાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રભા શાહને દમણ પ્રદેશ ભાજપ તરફથી અટલ સન્માન એવોર્ડથી સેલવાસના અટલ ભવનમાં સન્માનિત કરવામાં આવ્યા હતાં. આજના તેમના નિધનના સમાચાર પ્રસરતા અનેક મહાનુભાવો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. ગુરુવારે 19મી જાન્યુઆરીએ સવારે 8:30 વાગ્યે તેમની અંતિમયાત્રા નીકળશે.
