ભરૂચ : બાંગ્લાદેશી ઘૂસણખોરોને બ્લેકમેઈલ કરીને પૈસા પડાવતો, ઘૂસણખોરોએ ભેગા મળીને જ ઢીમ ઢાળ્યું

author img

By

Published : Jul 9, 2021, 10:59 PM IST

બાંગ્લાદેશી ઘૂસણખોરોને બ્લેકમેઈલ કરીને પૈસા પડાવતો, ઘૂસણખોરોએ ભેગા મળીને જ ઢીમ ઢાળ્યું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અમરતપુરા અને સારંગપુર નજીકથી સૂટકેસમાં કપાયેલા માનવ અંગો મળી આવ્યા હતા. આ ઘટનાના ગણતરીના દિવસોમાં જ જિલ્લા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, મૃતક વિવિધ સ્થળોએ ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને બ્લેકમેઈલ કરીને પૈસા ઉઘરાવતો હતો. તેણે આરોપીઓ પૈકીની મહિલા સાથે પણ આમ જ કર્યું હતું. જેથી મહિલાએ અન્ય 3 લોકો સાથે મળીને તેની હત્યા કરી હતી.

  • અંકલેશ્વર નજીકના ચકચારી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો
  • અમરતપુરા-સારંગપૂર નજીકથી મળ્યા હતા માનવ અંગો
  • સૂટકેસમાં માનવ અંગો મૂકીને કરાયો હતો નિકાલ

ભરૂચ : જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અમરતપુરા અને સારંગપૂર નજીકથી સૂટકેસમાં માનવ અંગો મળી આવવાના મામલામાં પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલીને 4 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં 3 બાંગ્લાદેશીઓએ રિક્ષા ચાલક સાથે મળીને હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

મૃતકે ઘૂસણખોરોને જ પોતાની કમાણીનું સાધન બનાવ્યા

બાંગ્લાદેશથી 6 વર્ષ અગાઉ લેસીન મુલ્લા, મુફલિસ મુલ્લા, અજૉમ શેખ અંકલેશ્વર આવીને વસ્યા હતા. આ લોકો તેમના લીડર અકબરના સંપર્કમાં રહેતા હતા. સમય જતા અકબર આ ઘૂસણખોરોને તેની કમાણીનું સાધન બનાવવા લાગ્યો હતો. લોકડાઉન દરમ્યાન બાંગ્લાદેશીઓની આવક ઘટી હતી પણ સામે અકબરની માંગણીઓ વધતી રહી હતી. પૈસા આપવામાં સહેજ પણ વિલંબ થાય તો અકબર પોતે પોલીસનો બાતમીદાર હોવાનું જણાવી પોલીસ પાસે પકડાવી દેવાની ધમકી પણ આપતો હતો. અત્યાચારની હદ વટાવી ચૂકેલા અકબરને ત્રણેય બાંગ્લાદેશીઓએ પતાવી દેવાનું નક્કી કર્યું હતું.

જમવામાં ઉંઘની ગોળીઓ નાંખી, તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો

અકબરનું ઢીમ ઢાળી દેવા માટે ત્રણેયે એક પ્લાન ઘડ્યો હતો. અમદાવાદ રહેતા અકબરને પૈસાના બહાને અંકલેશ્વર લેસીના મુલ્લાના ઘરે બોલાવાયો હતો. જ્યાં તેને પિરસવામાં આવેલા ભોજનમાં ઊંઘની ગોળીઓ નાંખીને અકબરને ખવડાવી દેવામાં આવ્યો હતો. અકબર બેભાન થઈ જતા તિક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારબાદ પણ તેમનો રોષ શાંત ન થતા અકબરના શરીરના 6 ટુકડા કરી નંખાયા હતા અને તેને ત્રણ સૂટકેસોમાં ભરીને સાંજે અલગ અલગ વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

પોલીસે 500થી વધુ રિક્ષાઓની તપાસ કરી

6 જુલાઈના રોજ પોલીસને જુદા જુદા વિસ્તારોમાંથી માનવ અંગો ભરેલી સૂટકેસો મળી આવતા તપાસ આરંભી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, પાછળ પીળા રંગનો વિદેશી મહિલાનો ફોટો ધરાવતી રિક્ષામાંથી આ સૂટકેસો ફેંકવામાં આવી છે. આ માહિતીના આધારે પોલીસે આસપાસના સીસીટીવી અને આ વર્ણનને મળતી આવતી 500થી વધુ રિક્ષાઓની તપાસ કરી હતી. જોકે, બનાવ સ્થળ પાસેના જ એક સીસીટીવીના આધારે પોલીસ ચોક્કસ રિક્ષા ચાલક સુધી પહોંચી હતી.

પકડાયેલા આરોપીઓ પૈકી 3 બાંગ્લાદેશી, 1 ઉત્તર પ્રદેશનો

પ્રબળ શંકાના આધારે પોલીસે રિક્ષાના ચાલક નૌશાદને પકડી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં તે પડી ભાંગતા સમગ્ર ઘટના સામે આવી હતી. જ્યારબાદ પોલીસે લેસીન મુલ્લા, મુફલિસ મુલ્લા, અજૉમ શેખને પણ પકડી પાડ્યા હતા. પકડાયેલા કુલ 4 આરોપીઓ પૈકી 3 ગેરકાયદેસર રીતે ભારતમાં વસતા બાંગ્લાદેશીઓ છે અને રિક્ષા ચાલક મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ચારેયની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘૂસણખોરી કૌભાંડની તપાસનો દોર શરૂ થશે

ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ વચ્ચે સર્જાયેલી આ ઘટનાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ભરૂચ જિલ્લા પોલીસે તમામ આરોપીઓને પકડી પાડ્યા છે, પરંતુ આ રીતે ભરૂચ તેમજ સમગ્ર રાજ્યમાં આ પ્રકારે વધુ કેટલા બાંગ્લાદેશીઓ રહેતા હશે? શું પોલીસના હાથે પકડાયેલા આ બાંગ્લાદેશીઓ કોઈ આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય કૌભાંડનો ભાગ તો નથી ને? તે જાણવા અને તપાસ કરવા માટે દેશની અન્ય એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં અંકલેશ્વરથી ઘૂસણખોરી કૌભાંડની તપાસનો દોર શરૂ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.