Diwali 2023: પાલનપુરમાં સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળીની અનોખી ઉજવણી, ઝુપડપટ્ટીના બાળકો માટે કર્યુ આવું આયોજન

Diwali 2023: પાલનપુરમાં સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળીની અનોખી ઉજવણી, ઝુપડપટ્ટીના બાળકો માટે કર્યુ આવું આયોજન
સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા દિવાળીનો તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે લોકો તહેવાર પોતાના પરિવાર સાથે મળીને પોતપોતાના ઘરે ઉજવતા હોય છે. પરંતુ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાલનપુરમાં લારી અને ગલ્લા વાળા પાસેથી ફટાકડા ખરીદીને રોડ પર ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે મળીને ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવીને દિવાળીનો તહેવાર મનાવ્યો હતો. ત્યારે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોએ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
બનાસકાંઠાઃ મોટાભાગે લોકો કોઈપણ તહેવાર પોત-પોતાના પરિવાર, સગા-સંબંધીઓ કે મિત્રો સાથે મળીને ઉજવતા હોય છે, પ્રત્યેક તહેવારો પર કોઈને વસ્તુઓ, કપડા કે મીઠાઈ પણ મોટી દુકાનો કે મોલમાંથી ખરીદતા હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય મથક પાલનપુરમાં સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી દિવાળીનો તહેવાર હોય કે અન્ય કોઈ પણ તહેવાર હોય મોટાભાગે ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે ઉજવે છે. ત્યારે આ વર્ષે પણ દિવાળીનો તહેવાર સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત પાલનપુરના લારી અને ગલ્લાવાળા મધ્યમ વર્ગના વિક્રેતા પાસેથી ફટાકડા અથવા તો અન્ય વ્યવસાય કરનારા લોકો પાસેથી વસ્તુઓ ખરીદીને પાલનપુરથી ડીસા રોડ પર ઝુંપડપટીમાં વસવાટ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે મળીને ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી મો મીઠું કરાવીને દિવાળીના પર્વની ધૂમધામ થી ઉજવણી કરવમાં આવી હતી...
લારી-પાથરણા વાળા પાસેથી ખરીદ્યા ફટાકડાઃ કોઈપણ તહેવાર હોય આજકાલના સમયમાં લોકો મોટાભાગે ઓનલાઇન ખરીદી કરતા હોય છે, અથવા તો મોટી દુકાનો કે મોલમાંથી ખરીદી કરતા સ્થાનિક લેવલે લારી અને ગલ્લાવાળા કે નાના વ્યવસાય વાળાઓને રોજી-રોટી મળતી નથી, તેથી સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાલનપુરની બજારમાં રોડ પર લારી અને ગલ્લામાં ફટાકડા વેચતા લોકો પાસેથી ફટાકડા અને અન્ય ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી જેથી કરીને તેમને પણ રોજીરોટી મળી રહે અને અન્ય લોકોને પણ પ્રેરણા મળે...
છેલ્લાં 7 વર્ષથી દિવાળીની અનોખી ઉજવણીઃ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી આ દિવાળીનો તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી ફટાકડા અને મીઠાઈની ખરીદી કરીને ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે વસવાટ કરે છે તેમની સાથે મળીને ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરીને આ દિવાળીનો તહેવાર ધામધૂમથી તેમની સાથે ઉજવવામાં આવે છે, તેથી ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો પણ દિવાળી મનાવી શકે.
આમ તો મોટાભાગે લોકો મોટી દુકાનો અને મોલમાંથી ખરીદી કરતા હોય છે, પરંતુ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમે લારી લઈને જે ફટાકડા વેચીએ છે, ત્યાં આવીને અમારી અમારી પાસેથી ખરીદી કરી છે. જેથી અમને પણ રોજી રોટી મળી રહે અને અમે અન્ય લોકોને પણ વિનંતી કરીએ છીએ કે, અમારા જેવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી ખરીદી કરવામાં આવે તો અમે પણ દિવાળી સારી રીતે ઉજવી શકીએ અને અમને પણ રોજીરોટી મળી રહે.-પ્રકાશભાઈ પટણી, ફટાકડા વેચનાર
આમ તો લોકો પોત પોતાના ઘરે, પરિવાર સાથે દિવાળી ઉજવતા હોય છે, પરંતુ આ સાહેબ લોકોએ અમારા ઘરે આવીને અમારી ઝૂંપડપટ્ટીમાં આવીને અમારી સાથે દિવાળી ઉજવી છે, અમને ફટાકડા આપ્યા છે, અમને મીઠાઈ ખવડાવીને મો મીઠું કરાવ્યું અને આમ ધૂમધામથી ઉજવણી કરી છે તે બદલ સાહેબ અને બેનનો ખુબ ખુબ આભાર.- હિના
ઝુપડપટ્ટીના બાળકો સાથે દિવાળીની ઉજવણી
12 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલી સંસ્થાઃ આ બાબતે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગીતેશભાઈ જોષીએ જણાવ્યું હતું કે, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 12 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલું છે, અને દિવાળીના તહેવારે અમે સાત આઠ વર્ષથી જે ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર છે તેમની સાથે મળીને આ દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ. ઘરે જે પરિવાર સાથે દિવાળી ઉજવીએ છીએ એના કરતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે મળીને જે દિવાળી ઉજવીએ છીએ તે ખરેખર ખૂબ મજા આવે છે. ખૂબ આનંદ આવે છે કારણ કે જ્યાં પૈસા છે ત્યાં તો બધા લોકો દિવાળી અને અન્ય તહેવારો ઉજવે છે પરંતુ જે લોકોને આર્થિક પરિસ્થિતિ નબળી છે ગરીબ અને મધ્યમ વર્ગના છે તેમની સાથે મળીને જો દિવાળી ઉજવીએ તો એનો આનંદ કંઈક અલગ છે. ત્યારે ઘણી વાર અમારી ઉપર પણ કોલ આવે છે કે તમે જ્યારે કોઈપણ આવું આયોજન રાખો તો અમને પણ ફોન કરજો. અને ઘણા બધા લોકો આ અમારી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાતા હોય છે.
સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટની અપીલઃ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, અમારે દરેક લોકોને એક મેસેજ છે કે. જે લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, તેવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, તેમની સાથે મળીને તહેવાર ઉજવવામાં આવે તો, તેમના પણ બાળકો ખુશ થાય અને તે લોકો પણ આપણી સાથે સાથે એક તહેવાર સારી રીતે ઉજવી અને માણી શકે.
