Pathan Movie: 'પઠાણ'ને રોકશો તો થશે કાર્યવાહી, શહેરના થિએટર્સમાં રહેશે ચુસ્ત બંદોબસ્ત
Updated on: Jan 25, 2023, 10:03 AM IST

Pathan Movie: 'પઠાણ'ને રોકશો તો થશે કાર્યવાહી, શહેરના થિએટર્સમાં રહેશે ચુસ્ત બંદોબસ્ત
Updated on: Jan 25, 2023, 10:03 AM IST
અમદાવાદ શહેરમાં આવતીકાલે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ (SRK Pathan Movie) રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે શહેરભરના થિએટર્સમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે તમામ થિએટર અને મલ્ટિપ્લેક્સમાં ચુસ્ત (Tight Police Deployment at Ahmedabad Theatres) પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. સાથે જ પોલીસે શહેરીજનોને ખાસ અપીલ પણ કરી હતી.
અમદાવાદઃ અમદાવાદ સહિત દેશભરમાં આવતીકાલે (25મી જાન્યુઆરી)એ બોલિવુડની ફિલ્મ પઠાણ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ કેટલાક દ્રશ્યોના કારણે વિવાદમાં સપડાઈ હતી. ત્યારે હવે અમદાવાદમાં પણ આ ફિલ્મ રિલીઝ થશે. આ પહેલા અમદાવાદની પોલીસે શહેરીજનોને આ ફિલ્મ બાબતે ગેરમાર્ગે ન દોરાવવા અપીલ કરી હતી.
પોલીસ થિએટરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ પઠાણ ફિલ્મ રિલીઝ થતાં પહેલાં ખૂબ જ વિવાદમાં રહી હતી. આ ફિલ્મ અંગે ભારે વિરોધ પણ થયો હતો. તો કેટલાક થિએટરમાં તોડફોડની પણ ઘટનાઓ સામે આવી હતી. ત્યારે હવે અમદાવાદ પોલીસ આ ફિલ્મની રિલીઝને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. શહેર પોલીસ શહેરના તમામ થિએટર્સ, મલ્ટિપ્લેક્સ સહિતની જગ્યાઓ પર ખાસ બંદોબસ્ત રાખવાની સાથે સતત પેટ્રોલિંગની કામગીરી પણ કરશે. ફિલ્મ રિલીઝ થાય ત્યારે કોઈ પણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને તે બાબતને ધ્યાને રાખીને પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે.
VHP હવે નહીં કરે વિરોધઃ આપને જણાવી દઈએ કે, પઠાણ ફિલ્મમાં કેટલાક દ્રશ્યોના કારણે વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો. તેમ જ આ ફિલ્મ રિલીઝ થશે તો થિએટરોને નુકસાન પહોંચાડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે હવે આ મામલે સેન્સર બોર્ડે કાર્યવાહી કરીને વિવાદાસ્પદ દ્રશ્યો ફિલ્મમાંથી હટાવી દીધા છે. ફિલ્મમાં અંદાજે 40 જેટલા દ્રશ્યોને કાપી દેવાયા છે, જેથી અંતે વિશ્વ હિન્દુ પરિષદ જેવા મોટા સંગઠનોએ ફિલ્મના વિરોધનો અંત લાવ્યો છે.
અફવાઓમાં ન આવવા અપીલઃ અમદાવાદ શહેરના ડીસીપી કન્ટ્રોલ કોમલ વ્યાસે આ અંગે જણાવ્યું હતું કે, પઠાણ ફિલ્મની રિલીઝના પગલે શહેરના દરેક થિએટર અને મલ્ટિપ્લેક્સમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. શહેર પોલીસ દ્વારા દરેક મલ્ટિપ્લેક્સ, થિએટર, મોલ બહાર બંદોબસ્ત મૂકવામાં આવશે. વિરોધના સૂર વચ્ચે ફિલ્મ પઠાણ રિલીઝ કરવા મામલે પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેની તૈયારી કરી છે. ફિલ્મનો વિરોધ કરનારા સામે પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે અને શહેરીજનોને પણ કોઈ પણ પ્રકારે અફવાઓમાં આવવાની કે પછી ગેરમાર્ગે ન દોરવાની અપીલ કરી છે.
શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા સામે કાર્યવાહી કરાશેઃ ખાસ કરીને શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પણ ખાસ વોચ રાખવામાં આવશે. તેમ જ કોઈ પણ વ્યક્તિ દ્વારા ફિલ્મના બાબતે વિવાદાસ્પદ પોસ્ટ કે લખાણ લખવામાં આવશે અને શહેરની શાંતિ ડહોળાય તે પ્રકારનું કૃત્ય કરવામાં આવશે. તો તેની સામે પણ પગલા લેવાની શહેર પોલીસે તૈયારી દર્શાવી છે.
