વર્લ્ડ કપ 2023: હોટેલના ભાવમાં વધારો-ઘટાડો, ક્રિકેટ વર્લ્ડ કપના હાઇવોલ્ટેજ મહા-મુકાબલાના કારણે હોટલ માર્કેટ ડહોળાયું

વર્લ્ડ કપ 2023: હોટેલના ભાવમાં વધારો-ઘટાડો, ક્રિકેટ વર્લ્ડ કપના હાઇવોલ્ટેજ મહા-મુકાબલાના કારણે હોટલ માર્કેટ ડહોળાયું
અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચને નિહાળવા દેશ-વિદેશમાંથી ક્રિકેટપ્રેમીઓ આવી રહ્યા છે. ત્યારે તેઓ રોકાણ અર્થે શહેરની હોટલ બુક કરતા હોય છે. હાલમાં હોટલ રૂમની માંગને લઈને રૂમના ભાડા આકાશને આંબી રહ્યા છે. ત્યારે હોટલના ભાડાના વધારા-ઘટાડા અંગે ETV BHARAT દ્વારા ગુજરાત હોટલ એસોસિ. પ્રમુખ નિરંજન સોમાણી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
અમદાવાદ : 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ રમવા જઈ રહી છે. ત્યારે ફાઇનલ મેચનો ફીવર તમામ ભારતીયો ઉપર ચડેલો જોવા મળે છે. ક્રિકેટ પ્રેમીઓ વિદેશ અથવા અન્ય રાજ્યમાંથી ફાઇનલ મેચ જોવા અમદાવાદ ખાતે આવી રહ્યા છે. આ લોકોને હોટલ બુકિંગ માટે વધારે ભાવ ચૂકવવાનો વારો આવ્યો છે. પરંતુ હવે જેમ જેમ મેચના કલાકો ઓછા થતા જાય છે તેમ તેમ હોટલના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
હોટલ માર્કેટ ગરમાયું : ગુજરાત હોટલ એસોસિએશનના પ્રેસિડેન્ટ નરેન્દ્ર સોમાણીએ ETV BHARAT સાથેની સાથે ખાસ વાતચીતમાં કરી હતી. હોટલ રૂમના ભાવ અંગે માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, મેચને જ્યારે 48 કલાક બાકી હતા ત્યારે ભાવમાં 300% વધારો થયો હતો અને હોટલના રૂમ પણ પ્રાપ્ત થઈ શક્યા નહોતા. ત્યારે હવે મેચને 24 કલાક પણ બાકી નથી ત્યારે જે હોટલના રૂમ હજી સુધી વેચાયા નથી તેવી હોટલ રૂમના ભાડામાં 20 થી 25 હજાર રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે.
મોડું કરવું મોંઘુ પડશે : નરેન્દ્ર સોમાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં અમદાવાદની થ્રી સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટલમાં 20 હજારથી 30 હજાર રૂપિયા સુધીમાં રૂમ પ્રાપ્ત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અનેક લોકો કે જે એડવાન્સમાં અમદાવાદ આવી ગયા હતા અને તેઓ વહેલી તકે અને પીક સમયે હોટલ બુક કરાવતા વધારે ચાર્જ ચૂકવવાનો વારો આવ્યો છે.
હોટલ રૂમ ભાડામાં UP DOWN : ગુજરાતના હોટલ એસોસિએશનના પ્રેસિડેન્ટ નરેન્દ્ર સોમાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે મેચ શરૂ થવામાં 24 કલાક પણ બાકી નથી અને ફક્ત એક જ રાત વચ્ચે છે. ત્યારે અમદાવાદમાં હોટલ રૂમના ભાવમાં અપડાઉન જોવા મળશે. કારણ કે જે હોટલના રૂમ વેચાઈ ગયા છે તેનો ભાવ વધારે જોવા મળશે અને જે હોટલના રૂમ હજી સુધી વેચાયા નથી તેવી હોટલના રૂમનું ભાડું ઓછું કરવામાં આવ્યું છે. આમ હવે જે રીતનું બુકિંગ જોવા મળશે તે રીતે ભાવમાં પણ વધારો-ઘટાડો સામે આવશે.
અમદાવાદની 5 સ્ટાર હોટલમાં 18 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી 24 કલાક સુધીનું ભાડું :
- કોર્ટયાર્ડ મેરિયોટ હોટલ રુ. 39,999
- નોવોટેલ હોટલ રુ. 34,000
- કોર્ટયાર્ડ બાય મેરિયોટ રુ. 30,000
- ફોર્ચ્યુન હોટલ, SG હાઈવે રુ. 50,000 માંથી રુ. 42,000 થયા
- રેડિએશન બ્યુલ હોટલ રુ. 70,000 માંથી રુ. 59,500 થયા
- વિવાનતા હોટલ, SG હાઈવે રુ. 40,000 માંથી રુ, 36,000 થયા
- ધી ઉમેદ હોટેલ, રુ. 31,249 માંથી રુ. 24,999 થયા
- સિલ્વર ક્લાઉડ હોટલ, રુ. 17,729
- હોટલ ક્રાઉન પ્લાઝા રુ. 35,444 માંથી રુ. 29,999
- ITC નર્મદા રુ. 2,00,000 માંથી રુ. 1,90,000
બુકિંગની હોટલના ભાવ પર અસર : અમદાવાદની થ્રી સ્ટાર હોટલની વાત કરવામાં આવે તો હાલમાં અમદાવાદની હોટલમાં રૂમનું ભાડું 5000 રૂપિયાથી શરૂ થઈને 12000 રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં કુલ 177 જેટલી થ્રી સ્ટાર હોટલ છે. આ તમામ હોટલમાં રૂમ અવેલેબલ છે, પરંતુ જે રીતે બુકિંગ થતું જાય છે તે રીતે ભાવમાં વધારો થાય છે. તેની સામે જ્યાં બુકિંગ આવતું નથી તેવી હોટલોના ભાવમાં સતત ઘટાડો થયા કરે છે. આમ હવે 24 કલાકમાં રૂમના ભાડામાં સતત અપ એન્ડ ડાઉન જોવા મળશે તેવું હોટલ એસોસિએશનના પ્રેસિડેન્ટ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું.
હોટલ ફૂલ થતા હોસ્પિટલમાં રોકાયા લોકો ? ગુજરાતમાં હોટલના રૂમ મળી રહ્યા નથી અને રૂમનું ભાડું આસમાને પહોંચ્યું છે તેવા અહેવાલો પણ વહેતા થયા હતા. તેના કારણે અમદાવાદમાં રોકાવા માટે અનેક લોકોએ હોસ્પિટલના રૂમ બુક કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં હજારોની સંખ્યામાં રૂમ અવેલેબલ છે. જ્યારે થ્રી સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ ન હોય પરંતુ અમદાવાદ શહેરની આસપાસ અનેક વન સ્ટાર અને 2 સ્ટાર હોટલ આવેલી છે.
હોટલમાં રૂમ ન મળે તો શું કરશો ? શહેરની હોટલમાં રૂમ ન મળે તેવી સ્થિતિનો ઉપાય આપતા નરેન્દ્ર સોમાણી કહ્યું કે, અમદાવાદ રીંગરોડ ઉપર અનેક હોટલમાં રૂમ અવેલેબલ છે. ત્યાં રૂમ હજુ સુધી ખાલી છે. જ્યારે જો કોઈ ક્રિકેટ પ્રેમીને થ્રી સ્ટાર અથવા તો ફાઈવ સ્ટાર હોટલમાં જ રોકાવું હોય તો અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે નડિયાદ, ખેડા, આણંદ, વડોદરા, ગાંધીનગર, માણસા અને કલોલમાં પણ થ્રી સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટલની સુવિધા છે. જેથી તેઓ ત્યાં પણ વ્યવસ્થા કરી શકે છે. પરંતુ હોસ્પિટલમાં રાત્રે રોકાણ બાબતની વાત એ માત્ર અફવા અને ઉપજાવેલી વાતો હોવાનું નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું.
અધધ 2 લાખ રૂપિયા ભાડું : અમદાવાદની અમુક ગણતરીની ફાઈવ સ્ટાર હોટલોમાં એક રૂમનું ભાડું રુ. 1.90 લાખ રૂપિયા સુધી છે. ત્યારે આ બાબતે નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, આ એવી હોટલ છે કે જ્યાં ક્રિકેટરો, ICC પેનલ, BCCI આગેવાનો અને અધિકારીઓ માટે રૂમ બુક થયા હોય છે. ત્યારે અમુક ગણતરીના રૂમ બાકી હોય ત્યારે કોઈ એવું વ્યક્તિ આવી ન જાય અને VVIP ની સિક્યુરિટી અને સેફટી માટે પણ હોટેલ દ્વારા ગણતરીના બાકી રહેલા રૂમના ભાડા વધારી દેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ITC નર્મદામાં ભારતીય ટીમનું રોકાણ છે ત્યારે આજે હોટલમાં 1.90 લાખ રૂપિયા રૂમનું ભાડું કરી દેવામાં આવ્યું છે.
