
Ahmedabad Patang Hotel : અમદાવાદની પતંગ હોટલ હવે નવા રૂપરંગમાં બનશે આગવી ઓળખ
અમદાવાદ શહેરની પતંગ હોટલ એ આધુનિક અમદાવાદ શહેરની ઓળખ છે. અમદાવાદમાં નહેરુબ્રિજના પશ્ચિમ છેડે આવેલી પતંગ હોટલનો આરંભ ભારત જ્યારે પ્રથમવાર ક્રિકેટ વિશ્વ ચેમ્પિયન બન્યું ત્યારે એટલે કે 1983માં થયો હતો. હાલ પતંગ હોટલ નવા રૂપ રંગ સાથે ફરીથી ગ્રાહકો માટે ખુલી રહી છે, જેનો તેના ચાહકોને લાંબા સમયથી ઇંતેજાર હતો.

Published : October 23, 2023 at 7:54 PM IST
અમદાવાદ : અમદાવાદ શહેરની પરંપરાગત ઓળખ સીદી સૈયદની જાળી છે, તો આધુનિક અમદાવાદની ઓળખ શહેરની પ્રથમ અને એક માત્ર પતંગ હોટલ છે. છેલ્લા 40 વર્ષથી પતંગ હોટલ આધુનિક અમદાવાદનું ગૌરવ બની છે. હાલ 40 વર્ષ બાદ પતંગ હોટલ નવા રૂપરંગ સાથે ફરીથી નવનિર્માણ પામી રહી છે.
અમદાવાદની આધુનિકતાનું પ્રતિક 'પતંગ' લાંબા સમયથી ચાલી રહેલા રિનોવેશન બાદ નવ સજ્જ થયેલ અમદાવાદની પતંગ હોટલ સંપૂર્ણ પણે શાકાહારી ભોજન પીરસતી હોટલ છે. સાબરમતી નદી, વિકસતા પશ્ચિમ અમદાવાદ, સાંસ્કૃતિક પૂર્વ અમદાવાદ અને રિવરફ્રન્ટ સાથે આશ્રમ રોડને બદલાતા પતંગ હોટલે સાક્ષી ભાવે જોયા છે. ત્યારે પતંગ હોટલને નવ પલ્લવિત કરનાર ઉમંગ ઠક્કરે પતંગ હોટલના નવીન કાયાકલ્પ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
40 વર્ષની સ્વર્ણિમ ગાથા : 1983 માં નિર્માણ પામેલ પતંગ હોટલનું 2007 માં હેમા માલિનીએ પુનઃ ઉદ્ઘાટન કર્યું હતું. 2010 માં પતંગ હોટલ ની છત પરથી 572 તુક્કલ ચડાવવાનો રાષ્ટ્રીય વિક્રમ છે. આ જ રીતે 2011 માં એકસાથે 1011 તુક્કલ આકાશમાં ચડાવી ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે. અમદાવાદને શ્રેષ્ઠ શહેર બનાવનારા શ્રેષ્ઠતમ 108 નગરરત્ન કલાકારો અને સમાજ શ્રેષ્ઠીઓનું અનોખું સન્માન પતંગ હોટલ પર થયેલું. ગુજરાતી કવિ તુષાર શુક્લ અને શ્યામલ સૌમિલ દ્વારા રચિત અમદાવાદ શહેર પરના ગીતોનું પુસ્તક પતંગ હોટલ ખાતે પ્રકાશિત થયું છે. પતંગ હોટલ ખાતે અમદાવાદના સાંસ્કૃતિક કલા વારસાની ઝાંખીનું પ્રેઝન્ટેશન ટુરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
મનપસંદ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન : અમદાવાદ શહેરના પ્રવાસે આવતા સિલેબ્રિટી, સરકારી મહેમાનો, વિદેશી ગેસ્ટ, ક્રિકેટરો અવશ્ય પતંગ હોટલની મુલાકાત લે છે. આધુનિક અમદાવાદની ઓળખ પતંગ હોટલ સાબરમતીના તટ જેવા અદ્ભુત સ્થળે નિર્માણ પામી છે, કે જ્યાં અનેક લોકો તેના બેકગ્રાઉન્ડમાં ફોટો પડાવે છે. 40 વર્ષની સફર બાદ હવે પતંગ હોટલ નવા સ્વરૂપે આકાર લઈ રહી છે, જેનું દશેરાના પર્વ નિમિત્તે ફિલ્મ કલાકાર સુનિલ શેટ્ટીના હસ્તે ઉદ્ઘાટન થશે.

