કોહલી ઓપનિંગમાં શા માટે આવ્યો, રોહિત શર્માએ જણાવ્યું કારણ

author img

By

Published : Mar 21, 2021, 3:50 PM IST

કોહલી ઓપનિંગમાં શા માટે આવ્યો, રોહિત શર્માએ જણાવ્યું કારણ

કોહલીની સાથે ઓપનિંગ કરવાને લઈને રોહિતે સ્વીકાર્યું કે, જો તે ટીમના હિતમાં હોય તો તેમાં કોઈ નુક્સાન નથી.

  • ઓપનિંગમાં વિરાટ કોહલીના આવવા અંગે રોહિત શર્માએ કર્યો ખુલાસો
  • મેચમાં રોહિત શર્માએ 64 રનની અને કોહલીએ 80 રનની ઇનિંગ રમી હતી
  • કોહલીની તોફાની બેટિંગે સાબિત કર્યું કે, તે પણ સારા ઓપનર બની શકે

અમદાવાદ: ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની ફાઈનલ અને અંતિમ T-20 મેચમાં કેપ્ટન કોહલીને ઓપનિંગમાં આવતા જોઈને મોટાભાગના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કોહલીની તોફાની બેટિંગે સાબિત કર્યું કે, તે પણ સારા ઓપનર બની શકે છે. બીજી તરફ, તેની સાથે ઓપનિંગમાં ઉતરેલા ટીમના ઓપનર અને ઉપ-કપ્તાન રોહિત શર્માને પણ તેમની સાથે ઓપનિંગ કરીને ખૂબ આનંદ આવ્યો હતો. ઓપનિંગ દરમિયાન રોહિતે 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે રોહિતે કોહલીની સાથે ઓપનિંગ કરવા અંગે સ્વીકાર્યું કે, જો તે ટીમના હિત માટે હોય તો તેમા કંઈપણ ખોટું નથી.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની ઇંગ્લેન્ડ પર શાનદાર જીત, 36 રને હરાવી સીરિઝ પર કર્યો કબ્જો

બધુ જ કેપ્ટનનાં વિચારવા પર નિર્ભર છે

મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે પ્રથમ વિકેટ માટે 94 રનની શાનદાર ભાગીદારી નોંધાઈ હતી. આ ભાગીદારીથી ઇંગ્લેન્ડ મેચમાં વાપસી કરી શક્યું ન હતું. રોહિતે 64 રન, તો કોહલી 80 રન બનાવીને અંત સુધી અણનમ રહ્યો હતો. જ્યારે ભારતે 224 રન બનાવીને 36 રનથી મેચ જીતી લીધી હતી. કોહલી સાથે ઓપનિંગ કરીને જીત્યા બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "અમારા માટે સારી વાત એ છે કે, અમે આ બેટિંગ લાઇન-અપ સાથે મેચ જીતી લીધી છે. મેચમાં બધું જ કેપ્ટનના વિચારવા પર નિર્ભર છે. મને લાગે છે કે, આપણે વિશ્લેષણ કરવું જોઈએ કે ટીમ માટે શું યોગ્ય છે.

આ પણ વાંચો: રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં એક સાથે ત્રણ રેકોર્ડ્સ તોડ્યા

વર્લ્ડ કપને હજુ ઘણો સમય છે, તેના પર ત્યારે વાત કરીશું

કોહલીના ઓપનિંગ પ્લાન અંગે રોહિતે કહ્યું કે, "વર્લ્ડ કપ માટે હજી ઘણો સમય બાકી છે, જેથી તેના વિશે વાત કરવાની હજુ વાર છે. પ્લાનની વાત કરવામાં આવે તો અમે વધારાના ફાસ્ટ બોલરને ઉતારવા માંગતા હતા. જેથી એક બેટ્સમેન ઓછો કરવો પડે તેમ હતું. કમનસીબે, આ જ કારણોસર કે.એલ. રાહુલને ટીમમાં શામેલ કરાયો ન હતો. રાહુલે મર્યાદિત ઓવરની ક્રિકેટમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. જોકે, હાલના ફોર્મને જોતા ટીમ મેનેજમેન્ટે તેને બહાર રાખ્યો છે. કારણ કે તેઓ મજબૂત પ્લેઇંગ ઇલેવન ઉતારવા માંગતા હતા." રોહિતે વધુમાં કહ્યું કે, "એવું નથી કે, કે. એલ. રાહુલને ટીમમાંથી પડતો મૂકવાનો આ કોઈ સંકેત છે. આ બધું ફક્ત એક મેચ માટે થયું છે. ભવિષ્યમાં પરિસ્થિતિ બદલાઈ શકે છે. કારણ કે T-​​20 વર્લ્ડ કપમાં હજુ ઘણો સમય બાકી છે. "અમે ટોપ ઑર્ડરમાં તેના પ્રદાનને ભૂલી શકીએ તેમ નથી. અમારી પાસે હજુ ઘણો સમય બાકી છે."

બહારના લોકો શું વિચારે છે, તેનાથી ફરક નથી પડતો

અંતમાં રોહિતે ઓપનિંગની જોડી વિશે કહ્યું, "ટીમમાં કોણ રમી રહ્યું છે, કોને રમવા માટે તક આપવી જોઈએ, તે અંગે બહાર લોકો શું વિચારે છે, તેનાથી અમને કોઈ ફરક નથી પડતો. સારા ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને તક આપવા પર અમે ધ્યાન કેન્દ્રિત કરીશું. વર્લ્ડ કપમાં હજુ ઘણો સમય બાકી છે. જેથી પરિસ્થિતિ બદલાઈ શકે છે. મને નથી લાગતું કે, વિરાટ વન-ડે સિરીઝમાં ઓપનિંગ કરશે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.