જાણો કઈ રીતે સુરતને મળી 'ઓર્ગન ડોનેટ સિટી' તરીકેની ઓળખ

author img

By

Published : Oct 24, 2021, 10:58 AM IST

Organ Donate

સૂર્ય પુત્રી તાપી નદીના કિનારે વસેલું સૂરત અનેક ઉપનામોથી સુશોભિત છે. સિલ્કસિટી, ટેક્સટાઈલ અને ડાયમન્ડ સીટી તરીકે પણ ઓળખાતા સુરત શહેરને છેલ્લા થોડા સમયથી એક નવી ઓળખ મળી છે અને તે છે "ઓર્ગન ડોનર સિટી" તરીકેની. એની પાછળ છે એક ઉમદા વ્યક્તિત્વ દ્વારા સમાજ સેવાની નિસસ્વાર્થ ખેવના. થોડાક વર્ષો પહેલાં તેઓ માત્ર એક ઉદ્યોગ સાહસિક. બિઝનેસમેન અથવા ચેમ્બર પ્રમુખ તરીકે ઓળખાતા હતાં પરંતુ એમની આ ઓળખ અધુરી ગણાય હવે તેઓ ઓર્ગન ડોનેશન એટલે અંગદાન (Organ donation) માટે ડોનેટ લાઈફના માધ્યમથી સંખ્યાબંધ લોકોના જીવનદાતા બની ગયા છે.

  • એક ઉદ્યોગ સાહસિકની સોળ વર્ષની તપસ્યા
  • સૂરત શહેરને "ઓર્ગન ડોનેટ સિટી" ની ઓળખ અપાવી
  • ઓર્ગનમેન" નીલેશ માંડલેવાલાનું સેવારત જીવન

સુરતઃ શહેરને છેલ્લા થોડા સમયથી એક નવી ઓળખ મળી છે અને તે છે "ઓર્ગન ડોનર સિટી" તરીકેની. એની પાછળ છે એક ઉમદા વ્યક્તિત્વ દ્વારા સમાજ સેવાની નિસસ્વાર્થ ખેવના. સોળ વર્ષની તપસ્યા અને એમની સાથે જોડાયેલી ટીમની સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના અને લગન. આવું વ્યક્તિત્વ એટલે આ ટીમનું સફળ નેતૃત્વ કરનાર નીલેશ માંડલેવાલા. સધર્ન ચેમ્બર ઓફ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સુરતના સફળ પ્રમુખ તરીકે સેવા આપનાર તેમજ સમાજ સેવાની અનેક પ્રવૃતિઓમાં પણ તેઓ હંમેશા કાર્યરત રહ્યાં. થોડાક વર્ષો પહેલાં તેઓ માત્ર એક ઉદ્યોગ સાહસિક. બિઝનેસમેન અથવા ચેમ્બર પ્રમુખ તરીકે ઓળખાતા હતાં પરંતુ એમની આ ઓળખ અધુરી ગણાય. હવે તેઓ અંગદાન (Organ donation) માટે ડોનેટ લાઈફના માધ્યમથી સંખ્યાબંધ લોકોના જીવનદાતા બની ગયા છે.

મળો સૂરતને
મળો સૂરતને "ઓર્ગન ડોનેટ સિટી" ની ઓળખ અપાવનાર નીલેશ માંડલેવાલાને

પિતાની કિડની નિષ્ફળ જતાં મળી પ્રેરણા

આ વાત 1997 ની છે. એમના પિતાની કિડની નિષ્ફળ થતા વર્ષ 2004 થી તેઓનું નિયમિતપણે ડાયાલિસીસ કરાવવા જવું પડતું, આ દરિમયાન તેઓ કિડનીના અન્ય દર્દીઓ અને તેમના પરિવારની તકલીફોઅને દુઃખથી નજરો નજર વાકેફ થયેલા. આ બધું જોયા પછી તેમના જીવનમાં એક નવી ચેતના અને નવી દિશા પ્રાપ્ત થઈ અને એ હતી અંગદાન મેળવવાની પ્રવૃત્તિ. વર્ષ 2005 થી તેમણે સુરત શહેરમાં અંગદાન અંગે ઝુંબેશ ઉપાડી. એ સમયે લોકોમાં અંગદાન (Organ donation) અંગેની જાગૃતિનો અભાવ હતો. જ્યારે તેઓ ને ખબર પડે કે કોઈ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ વ્યક્તિ સારવાર હેઠળ છે. તરત પોતાનો બિઝનેસ છોડી તે દર્દીના સ્વજનોનોને મળવા હોસ્પિટલમાં પહોંચી જતા અને બે હાથ જોડી સમજણ આપવાનો પ્રયાસ કરતાં પણ તેઓને વ્યાપક નિરાશા મળતી. કેટલીક વાર અસભ્ય વર્તન, અપમાન, અપશબ્દો સાંભળવાં સહન કરવા પડતા અને ક્યારેક ધક્કે ચડવાનો વારો પણ આવતો પણ ઉદ્યોગ સાહસિક એવા નીલેશભાઈ હિંમત હાર્યા વગર ICU ની બહાર, હોસ્પિટલના પેસેજમાં ઉભા રહીને સ્વજનના પરિવારજનોને તેમના વહાલા સ્વજનના અંગદાન કરવા માટે સમજાવવવાનો પ્રયાસ ચાલુ રાખતા.

2005 થી એકલા હાથે કામ કરતાં રહ્યાં

વર્ષ 2005 થી અંગદાનની જનજાગૃતિ (Awareness of organ donation) માટે વન મેન આર્મીની જેમ કાર્ય કરતા રહ્યાં. નીલેશભાઈએ વર્ષ 2014 માં શહેરના નામાંકિત મહાનુંભાવો તથા સ્વયંસેવકોના સહયોગથી "ડોનેટ લાઈફ "નામની સંસ્થાની સ્થાપના કરી. ડોનેટ લાઈફ એક સ્વાસ્થ્ય સહાયક સંસ્થા છે. તેનો મુખ્ય હેતુ સમાજમાં અંગદાનની જાગૃતિ લાવવાનો અને બ્રેઇનડેડ વ્યક્તિના પરિવારજનોને સમજાવી અંગદાન માટે તૈયાર કરાવી કિડની, લીવર, સ્વાદુપિંડ, હૃદય અને ફેફ્સાના રોગોથી પીડાતી વ્યક્તિઓમાં દાનમાં મેળવેલા અંગો પ્રત્યારોપણ કરાવડાવી તેમને સ્વસ્થ્ય અને નવજીવન બક્ષવાનો મુખ્યહેતુ. બીજા દેશોની સરખામણીએ આપણા દેશમાં ઓર્ગન ડોનેશન માટે જાગૃતિ ખૂબ જ ઓછી તેના કારણોમાં અજ્ઞાનતા, જાગૃતિનો અભાવ ધાર્મિક ગેર માન્યતાઓએ અને બીજું ઘણું બધું કારણભૂત હતું.

અંગદાન માટે જાગૃતિ કેળવવી ખૂબ અઘરી હતી

અંગદાન માટે સમાજને ચેતનવંતો કરવા ડોનેટ લાઈફ (Donate Life) સંસ્થા દ્વારા સમાજમાં અંગદાનની જનજાગૃતિ માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા અને ધીમે ધીમે સફળતા તરફ આગળ વધ્યા. શહેરમાં વિવિધ સેમિનારો, પ્રદર્શનો, વોકાથોન, પતંગોત્સવ, રેડિયો વાર્તાલાપ, ટેલિવીઝન તેમજ ડીઝીટલ મીડિયા સોશિયલ મીડિયા વગેરેનો ભરપૂર ઉપયોગ કરીને પાંચ કરોડથી વધુ લોકો સુધી પહોંચવામાં સફળતા મેળવી અને અંગદાન- જીવનદાનનું મહત્વ સમજાવ્યું.

ભરપૂર પ્રયાસો બાદ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે

આજે પણ દુનિયાભરના પાંચ કરોડ લોકો સંસ્થાની ગતિવિધિના ફોલોઅર્સ છે. બાકી હતું તે આ સંસ્થાએ સ્મશાન ભૂમિમાં પણ જઈને અંગદાન અંગેની જનજાગૃતિકાર્યક્રમ કર્યા હતાં. આખરે સફળતા મળવા લાગી. લોકસભા સેક્રેટરીએટ ઓફિસર અને સ્ટાફ માટે ઓનલાઈન વર્કશોપ દ્વારા અંગદાનનું મહત્વની સમજણ પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન પાર્લામેન્ટ રિચર્સ ટ્રેનિંગ ફોર ડેમોક્રેસી (પ્રાઇડ) લોકસભાના સેક્રેટરીએટ દ્વારા કરવામા આવ્યું હતું. આ બધા ભરપૂર પ્રયાસો બાદ આજે એ સ્થિતિ આવી કે દક્ષિણ ગુજરાતમાં કોઈપણ હોસ્પિટલમાં કોઈ વ્યક્તિ બ્રેઈનડેડ થાય તો તેની જાણ ડોક્ટરો, દર્દીના પરિવારજનો સૌપ્રથમ સુરતના નીલેશભાઈને કરે છે એ હદે આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

કઇ રીતે કરવામાં આવે છે પ્રક્રિયા ?

બ્રેઇનડેડ દર્દીના પરિવારનો સહયોગ અને સગાંઓની સહમતિ મળ્યા બાદ અંગપ્રાપ્તિ તથા ત્યારબાદની પ્રક્રિયા પૂર્ણ કરવા ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા SOTTO નો સંપર્ક કરવામાં આવે છે. ડોનેટ લાઈફ અંગદાતા તથા SOTTO, ROTTO અને NOTTO વચ્ચે એક માધ્યમનું કાર્ય કરે છે. હૃદય, ફેફ્સા, કિડની, લીવર, સ્વાદુપિંડ જેવા મહત્વના અંગો સમયસર એક શહેરમાંથી બીજા શહેરમાં કે બીજા રાજ્યમાં પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવા માટે સુરત શહેર પોલીસ અને રાજ્યભરના વિવિધશહેરો અને ગ્રામ્ય પોલીસ તેમજ સુરત એરપોર્ટ ઓથોરિટી સાથે સંકલનનું કાર્ય પણ ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. અંગદાન બાદ મેડીકોલીગલ કેસમાં ડોનેટ લાઈફની અંગદાતાનો પોલીસ પંચકેસ તથા પોસ્ટમોર્ટમ કરાવવામાં પણ મહત્વની ભૂમિકા રહી છે. વળી અંગદાતાના પાર્થિવ શરીરનું પુરા સન્માન સાથે એના ઘર, ગામ કે શહેર સુધી પહોચાડવાની યોગ્ય વ્યવસ્થામાં પણ તેઓ મહત્વનો ભાગ ભજવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા બ્રેઇનડેડ વ્યક્તિઓ બાળકોના શિક્ષણની જવાબદારી પણ ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા ઉપાડવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અંગદાન ક્ષેત્રમાં સુરતનું મહત્વનું સ્થાન, અત્યાર સુધીમાં 10 ઘટના બની

અંગદાનમાં વિસ્તાર વધ્યો

ગુજરાતમાં જે કેડેવરિક કિડની, લીવર અને સ્વાદુપિંડના દાન થાય છે. તેમાંથી 50 ટકા હૃદયના દાનના 73 ટકા અને ફેફ્સાના દાનના 83 ટકા દાન કરાવવાનું શ્રેય ડોનેટ લાઈફ સંસ્થાને જાય છે, ગુજરાતમાં સૌપ્રથમ વખત હાડકાંઓનું દાન કરાવવાનું શ્રેય પણ ડોનેટ લાઈફને ફાળે જાય છે. ડોનેટ લાઈફ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત આંતરસિટી કેડરિક કિડની, આંતરરાજ્ય લીવર, હ્રદય અને ફેફ્સાનું દાન કરાવીને તેનું ટ્રાન્સપ્લાન્ટ દેશના વિવિધ શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ, બેંગ્લોર, કોલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદમાં કરાવવામાં સફળતા મેળવી છે.

અંગદાન માટેની શરુઆત અને પ્રગતિ

સપ્ટેમ્બર 2017 માં ડોનેટ લાઈફ (Donate Life) દ્વારા 14 મહિનાના બ્રેઇનડેડ બાળકના કિડની અને હદયનું દાન કરાવડાવ્યું હતું. તે હદયનું ટ્રાન્સપ્લાન્ટ સાડા ત્રણ વર્ષની દીકરીમાં મુંબઈની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. નાની ઉમરના બાળકના અંગદાન અને સૌથી નાની ઉમરની બાળકીમાં હ્રદય ટ્રાન્સપ્લાન્ટની આ સૌપ્રથમ ઘટના હતી. આ ઘટના દેશમાં સૌથી વધુ ચર્ચામાં આવી હતી. ડિસેમ્બર 2020 માં ડોનેટ લાઈફ દ્વારા સુરતમાંથી જશ સંજીવ ઓઝા નામના અઢી વર્ષ બાળકના અંગોનું દાન કરાવવામાં આવ્યું હતું. દેશમાં સૌથી નાની ઉમરના બાળકના મલ્ટિપલ ઓર્ગન્સ જેવા કે હ્રદય, ફેફ્સાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાનની આ સૌપ્રથમ ઘટનાએ પણ દેશભરમાં ભારે લાગણી મેળવી હતી. સપ્ટેમ્બર 2021 માં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે બે 18 વર્ષીય મિત્રોના કિડની, લિવર, ફેફ્સાં અને ચક્ષુઓ મળી કુલ 13 અંગો અને ટીસ્યુઓનું દાન કરવવામાં આવ્યું હતું. જેને કારણે 12 વ્યક્તિઓને નવુંજીવન અને દ્રષ્ટિ મળી હતી. જે ગુજરાતની સૌપ્રથમ ઘટના હતી. ગુજરાતમાંથી 49 જેટલા હદયના અને ચોવીસ ફેફ્સાના દાન મેળવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સુરતમાં એક જ દિવસે એક સાથે 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનની બીજી ઘટના, 7 વ્યક્તિને મળ્યું નવું જીવન

કયા કયા અંગદાન થયાં છે ?

સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અંગદાનમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા 36 હદય અને 20 ફેફ્સા દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર, કોલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દોપરાંત અંગદાન ક્ષેત્રેમાં સુરતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સૂરતથી દાનમાં મેળવવામાં આવેલા હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, UAE અને રશિયાના નાગરિકો અને ફેફ્સાનું દાન યુક્રેનના નાગરિકમાં મુંબઈ અને ચેન્નાઈની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં હતાં.

માય સ્ટેમ્પની પહેલ

ડોનેટ લાઈફ (Donate Life) સંસ્થા દ્વારા દેશમાં સૌ પ્રથમ વખત અંગદાન કરનાર વ્યક્તિની યાદમાં તેમની તસ્વીરવાળી ટપાલ વિભાગની “માય સ્ટેમ્પ” આપી દરેક અંગદાન કરનાર વ્યક્તિને સન્માનિત કરવાની એક નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે.

સેવાની સુવાસ પ્રસરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સાર્વજનિક મંચ ઉપરથી નીલેશભાઈ અને તેમની સંસ્થા ડોનેટ લાઈફ (Donate Life) ની અંગદાનની પ્રવૃતિની પ્રશંસા કરતા જણાવ્યુ હતું કે "નીલેશભાઈ આપ આગળ વધો, કેવળ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ તમારી સાથે છે.” હાલના વડાપ્રધાન અને તે વખતના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કેડેવર અંગદાન દ્વારા ઓર્ગનની નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટેના નીલેશભાઈના ઉમદા કાર્ય માટે પ્રસંશાપત્ર લખ્યો હતો અને આશીર્વાદ આપ્યાં હતાં. તે વખતના ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સાર્વજનિક મંચ પરથી તેમની ભારોભાર પ્રસંશા કરતા જણાવ્યુ હતું કે “ લોકોને જીવનદાન મળે એ માટે તમે ખૂબ સુંદર કાર્ય કરો છો, તેને કારણે ગુજરાતની ગરિમા અને પ્રતિષ્ઠા વધી છે.” અંગદાનના કાર્યોમાં તેમણે આપેલા યોગદાનની નોંધ ગુજરાત સરકાર દ્વારા લઇ ઓર્ગન અને ટીસ્યુ પ્રત્યારોપણ માટેની રાજ્ય સલાહકાર સમિતિના સભ્ય તરીકે તેમની નિમણૂક કરી છે.

કોરોનાકાળમાં પણ કામ કરતાં રહ્યાં

કોરોનાની વૈશ્વિક મહામારીમાં આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું હતું, ત્યારે ડોનેટ લાઈફ (Donate Life) સુરત દ્વારા છેલ્લા એક વર્ષમાં 46 કિડની, 26 લિવર, 10 હ્રદય, 16 ફેફ્સા, 1 પેન્ક્રીયાસ અને 44 ચક્ષુદાન સહિત 143 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશ અને વિદેશના ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મેળવી છે. અંગદાનની પ્રગતિમાં સુરત શહેર અને ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તરે એક અલગ ઓળખ અપાવનારા સુરત શહેર અને ગુજરાતનું ગૌરવ નીલેશ માંડલેવાલાએ ડોનેટ લાઈફના માઘ્યમથી અંગદાન- જીવનદાનની જનજાગૃતિની અલખ જગાવીને કાર્યરત રહ્યા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી અંગદાનની વિગતો જોઈએ તો 406 કિડની, 171 લિવર, 8 પેન્ક્રીયાસ, 36 હદય, 20 ફેફ્સાં અને 308 ચક્ષુદાન કુલ 949 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવી દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશના મળી કુલ 870 વ્યક્તિઓને નવજીવન અને નવી જીંદગી આપવામાં સફળતા મેળવી છે.

ઓર્ગનમેન તરીકે જાણીતા નીલેશ માંડલેવાલાને એક સલામ

દેશમાં દર વર્ષે 5 લાખથી વધુ દર્દીઓ ઓર્ગનન મળવાને કારણે મૃત્યુ પામે છે, ત્યારે આવા દર્દીઓની સહાયતા કરવા તથા તેઓમાં આશાનું કિરણ પ્રગટાવવા તેમજ નવજીવન આપવાના આશયથી ઓર્ગનમેન તરીકે જાણીતા થયેલા ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલા પોતાનું જીવન આ ઉમદા કાર્ય માટે છેલ્લા સોળ વર્ષથી સમર્પિત કર્યું છે તેઓને સલામ કરીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.