બારડોલીની મીંઢોળા નદીમાં ફરી એક વખત દૂષિત પાણી આવતા અનેક માછલીઓના મોત

author img

By

Published : Sep 23, 2021, 7:35 PM IST

મીંઢોળા નદીમાં દૂષિત પાણી આવતા અનેક માછલીઓના મોત

બારડોલી નજીકથી પસાર થતી મીંઢોળા નદીમાં ફરી એક વખત દૂષિત પાણી આવતા અસંખ્ય માછલાંઓના મોત થયા છે. મૃત માછલાં નદીમાં તણાઈ આવતા આજુબાજુમાં રહેતા લોકો પકડવા માટે દોડી આવ્યા હતા. કેમિકલયુક્ત પાણીના કારણે દર વર્ષે આ સ્થિતિ સર્જાતી હોય છે તેમ છતાં કોઈ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી.

  • અનેક માછલાંઓના મોત થતા તંત્ર દોડતું થયું
  • દર વર્ષે દૂષિત પાણીથી જળચર પ્રાણીના મોત થાય છે
  • GPCB માત્ર નોટિસ આપીને સંતોષ માને છે

બારડોલી : શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં વારંવાર દૂષિત પાણી છોડવામાં આવતા અનેક માછલાં અને જળચર પ્રાણીઓના મોત થાય છે, છતાં વહીવટી તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે. અગાઉ પણ અનેક વખત મીંઢોળા નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું. છતાં સ્થાનિક તંત્ર અને જીપીસીબી દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

મીંઢોળા નદીમાં દૂષિત પાણી આવતા અનેક માછલીઓના મોત

ગયા ડિસેમ્બરમાં પણ કેમિકલયુક્ત પાણી આવતા માછલાંના મોત થયા હતા

દર વર્ષે મીંઢોળા નદીમાં ઉપરવાસમાં આવેલી કોઈ ફેક્ટરીમાંથી વારંવાર કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવે છે. જેના કારણે સંખ્યાબંધ માછલીઓ અને નદીમાં રહેતા અન્ય જળચર પ્રાણીઓ અને જીવજંતુઓ મોતને ભેટે છે. ડિસેમ્બર 2020 બાદ ફરી એક વખત ઉપરવાસમાંથી કેમિકલયુક્ત પાણી આવતા જ નદીનું પાણી લાલ રંગનું થઈ ગયું છે. કેમિકલવાળા પાણીના કારણે અસંખ્ય માછલીઓ મરી ગઈ છે.

બારડોલીની મીંઢોળા નદીમાં દૂષિત પાણી આવતા માછલાઓના મોત
બારડોલીની મીંઢોળા નદીમાં દૂષિત પાણી આવતા માછલાઓના મોત

લોકો મોટી સંખ્યામાં માછલાં પકડવા દોડી આવ્યા

મૃત માછલાં મળી આવતા નદીની આજુ-બાજુ વિસ્તારમાં રહેતા લોકો માછલી પકડવા દોડી આવ્યા હતા. મૃત માછલીઓ લોકો ખાવા માટે લઈ જતા તેમના આરોગ્યને નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે. મોટાભાગના લોકો કેમિકલના પાણીથી મરી ગયેલી માછલીઓ લઇ ગયા હતા. મહત્વની વાત તો એ હતી કે, સવારથી નદીમાંથી મૃત માછલાં મળી રહ્યા હોવા છતાં પાલિકાનું આરોગ્ય વિભાગ આ વાતથી તદ્દન અજાણ હતું. બાદમાં મોડે મોડે જાણ થતાં પાલિકાનું આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સ્થળ પર પહોંચી ગયું હતું.

દૂષિત પાણી આવતા પાલિકાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરાયો

બારડોલીની મીંઢોળા નદીનું જ પાણી સમગ્ર શહેરના લોકોને પહોંચાડવામાં આવે છે. પાણીને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના મારફતે શહેરના લોકો સુધી પહોંચાડાય છે. જેનો લોકો પીવા માટે ઉપયોગ કરે છે, પરંતુ કેમિકલયુક્ત દૂષિત પાણી આવતા માછલીઓના મોત થઈ રહ્યા છે. ત્યારે મોડે મોડે જાગેલા પાલિકા તંત્રએ લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી નદીમાંથી લેવામાં આવતા પીવાના પાણીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરી દીધો હતો.

બારડોલીની મીંઢોળા નદીમાં દૂષિત પાણી આવતા માછલાઓના મોત
બારડોલીની મીંઢોળા નદીમાં દૂષિત પાણી આવતા માછલાઓના મોત

GPCBને ઇ-મેલથી કરવામાં આવી જાણ

બારડોલી નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારી કિરણ ચૌધરીએ જણાવ્યુ હતું કે, સવારથી કેમિકલવાળું પાણી આવતા જ હાલ પાલિકાએ બોરવેલમાંથી નાગરિકોને પાણી આપવાનું શરૂ કર્યું છે અને GPCBને પણ ઇ-મેલથી જાણ કરવામાં આવી છે.

વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે- મામલતદાર

મીંઢોળા નદીમાં પ્રદુષિત પાણી આવી રહ્યું છે તે બાબતે સ્થળ તપાસ કરવામાં આવી છે અને મીંઢોળા કિનારે આવેલા ગામના તલાટીને પણ સૂચના આપી સ્થળ પર પંચક્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સેમ્પલ GPCBને મોકલાવામાં આવી રહ્યા છે અને આ પાણી કોના દ્વારા છોડવામાં આવી રહ્યું છે તે અંગે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

બારડોલીની મીંઢોળા નદીમાં દૂષિત પાણી આવતા માછલાઓના મોત
બારડોલીની મીંઢોળા નદીમાં દૂષિત પાણી આવતા માછલાઓના મોત

કેમિકલ છોડનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઇ

તંત્ર દ્વારા નદીમાં ગણેશ વિસર્જન માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. જ્યારે હવે કોઈ અજાણી ફેક્ટરી દ્વારા મીંઢોળામાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. અગાઉ મીંઢોળા નદીમાં મઢી સુગર ફેક્ટરી દ્વારા દૂષિત પાણી છોડવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું અને આ માટે GPCB દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જો કે, હાલમાં કોના દ્વારા પાણી છોડવામાં આવ્યું છે તે અંગે તંત્ર દ્વારા તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પર્યાવરણ પ્રેમીઓમાં ઉઠી છે.

આ પણ વાંચો- સિયાલજ પાસે વન્ડ ખાડીમાં કેમિકલયુક્ત પાણી ભળતા હજારો માછલીઓનાં મોત

આ પણ વાંચો- વડોદરા વારસિયા તળાવમાંથી મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ મળી આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.