200થી વધુ ફેક વેબસાઈટના આધારે લોકો સાથે કરોડોની છેતરપિંડી, વિદેશી ઝડપાયો

author img

By

Published : Jul 17, 2021, 7:25 PM IST

200થી વધુ ફેક વેબસાઈટના આધારે લોકો સાથે કરોડોની છેતરપિંડી

પ્રખ્યાત હોસ્પિટલોના નામની એક વેબસાઇટ બનાવી કિડની વેંચવાથી 4 કરોડ રૂપિયા આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ બાદ સુરતનો યુવાન ઠગબાજોના સકંજામાં આવતા તેની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. આથી, યુવાને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે ગણતરીના દિવસોમાં જ મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી અલગ અલગ 40થી 50 હોસ્પિટલોની ફેક વેબસાઈટ બનાવીને લોકોને ઠગતો હોવાનો ખુલાસો થયો છે.

  • અલગ અલગ 40થી 50 હોસ્પિટલોની ફેક વેબસાઈટ બનાવી
  • આરોપી વેસ્ટ આફ્રિકાના આઇવરી કોસ્ટનો રહેવાસી નિકળ્યો
  • કિડની વેચવા નીકળેલા યુવાનને 14.78 લાખ ગુમાવવાનો વારો આવ્યો

સુરત : દેશની અલગ અલગ પ્રખ્યાત હોસ્પિટલોના નામની એક વેબસાઇટ બનાવી તેમાં કિડની વેંચવાથી 4 કરોડ રૂપિયા આપવામાં આવશે, તેવી જાહેરાત મૂકી અને RBIના નામના ફેક Email ID બનાવી લોકોને અલગ અલગ ચાર્ડ જણાવી તેમની પાસેથી રૂપિયા મેળવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને સુરત સાઇબર સેલે ઝડપી પાડ્યો છે. આરોપી વેસ્ટ આફ્રિકાના આઇવરી કોસ્ટનો રહેવાસી છે, તેની ધરપકડ બેંગ્લોર ખાતેથી કરવામાં આવી હતી. તેમણે આશરે 200થી વધુ ફેક વેબસાઇટ બનાવી છે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં કિડની વેચવાની યુવાને કરી જાહેરાત, 14.78 લાખ ગુમાવવાનો આવ્યો વારો

આર્થિક ભીંસમાં આવતા કિડની વેચવા નીકળ્યો યુવાન

શહેરના યુવાને આર્થિક તંગીને કારણે માનસિક તણાવમાં આવી પોતાની કિડની વેંચવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કર્યા બાદ, યુવાન ઠકબાજોનો શિકાર બન્યો હતો. 4 કરોડ રૂપિયામાં કિડની વેચવા નીકળેલા યુવાનને 14.78 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર મામલે યુવાને સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. સુરતના નાનપુરાના હબીબ્શા મહોલ્લા ખાતે રહેતા અરબાઝ રાણા સાથે જે ઘટના બની છે તે અનેક યુવકો માટે ચેતવણી સમાન છે. અરબાઝ કારની લે-વેચનું કામ કરે છે, પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળમાં અને લોકડાઉનના કારણે ધંધો બરાબર નહીં ચાલતાં તે આર્થિક ભીંસમાં આવતા માનસિકતા તણાવ અનુભવી રહ્યો હતો. આ વચ્ચે બહેનના લગ્ન કર્યા હોવાથી માથે દેવું થઈ ગયું હતું. આથી તેણે પોતાની કિડની વેચવાનો વિચાર કર્યો અને ઈન્ટરનેટ પર 'સેલ ફોર કિડની ફોર મની' એવું સર્ચ કર્યું હતું.

અલગ અલગ 40થી 50 હોસ્પિટલોની ફેક વેબસાઈટ બનાવી

સુરત સાઇબર સેલે આ સમગ્રો મામલે તપાસ શરૂ કરી હતી. આરોપી દ્વારા જે વ્હોટ્સ એપ નંબર આપવામાં આવ્યો હતો તેની તપાસ શરૂ કરતાં આખરે સાયબર સેલ મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી હતી. આરોપીની ધરપકડ કર્ણાટકના બેંગલોર ખાતેથી કરવામાં આવી છે. આરોપીનું નામ ટોટી દાગો ગ્રીઓગોરી છે જે મૂળ વેસ્ટ આફ્રિકાના આઇવરી કોસ્ટનો રહેવાસી છે. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે, આરોપી વર્ષ 2007માં સ્ટૂડન્ટ વિઝા પર BSC કરવા ભારત આવ્યો હતો.

અલગ અલગ 40થી 50 હોસ્પિટલોના ફેક ID

આરોપી દ્વારા કિડની સેલ કરવાથી 4 કરોડ રૂપિયા મળશે, તેવી અલગ અલગ 40થી 50 હોસ્પિટલો જેમાં મનીપાલ હોસ્પિટલ, એપોલો હોસ્પિટલ, મેક્સ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, લીલાવતી હોસ્પિટલ, ટાટા મેમોરિયલ, ગાર્ડન સિટી હોસ્પિટલ, ફોર્ટિસ હોસ્પિટલ વિગેરેના નામની વેબસાઇટ બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો: એન્જિનિયરે કમાવાની લાલચ આપી લાખો રૂપિયાની કરી છેતરપિંડી, આરોપીઓની ધરપકડ કરાઈ

KBCમાં લોટરી લાગી હોય તેવી આપવામાં આવતી લાલચ

પોલીસ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આરોપી દ્વારા આ સિવાય ફોરેક્સ ટ્રેડિંગ, ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ અલગ અલગ વેબસાઈટ બનાવવામાં આવી હતી, એટલું જ નહીં KBCમાં લોટરી લાગી હોય તેવા વીડિયોને એડિટિંગ કરી તેમાં મોબાઇલ નંબર બદલતો હતો. આરોપી દ્વારા યુકે, કેનેડા, યુ.એસ.એ જેવા દેશોમાં નોકરી આપવાના બહાને જોબ ઓફર બાબતે અલગ અલગ કંપનીઓ જેવી કે એર ક્રાફ્ટ, એગ્રીકલ્ચર જોબ, ઓઇલ અને ગેસ કંપની, કન્સ્ટ્રક્શન, ડેરી વર્ક, કુરિયર ડિલિવરી કંપની વિગેરેના નામની ફેક વેબસાઈટ બનાવવામાં આવી હતી.

બોનાફાઈડ સર્ટીફીકેટ આપવાના ગુનામાં થઈ ચૂકી છે ધરપકડ

પોલીસ કમિશ્નર તોમરે જણાવ્યું હતું કે, જુની નોટો તથા સિક્કા બદલાવી આપવાની ફેક વેબસાઈટ પણ આરોપીએ બનાવી હતી. આરોપીએ RBIના નામથી 4થી 5 ફેક EMail ID પણ બનાવી હતી. આરોપીના અલગ અલગ બેન્કના કુલ 8 એકાઉન્ટના સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાં 1 કરોડ 31 લાખથી પણ વધુ ટ્રાન્જેક્શન થયા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પોલીસે આરોપીના 7.5 લાખ રૂપિયા ફ્રીઝ કરી દીધા છે. આરોપી ઓક્ટોબર 2011માં ફેક બોનાફાઈડ સર્ટીફીકેટ આપવાના ગુનામાં બનાસ વાડી પોલીસ સ્ટેશન બેંગલોર ખાતે પકડાઈ ચૂક્યો છે. આ વેબસાઈટ બનાવવામાં કોણ આરોપીની પણ મદદ કરતું હતું, તે અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવશે, લોકોને અપીલ છે કે લોભાવણી લાલચમાં આવી તેઓ સાયબર ફ્રોડના શિકાર ન બને.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.