કોરોનાકાળમાં હોસ્પિટલની દાદાગીરી : મરણ નોંધ ન કરતાં ત્રણ મહિને પણ મૃત્યુ પ્રમાણપત્ર મળ્યાં નથી

author img

By

Published : Sep 7, 2021, 6:04 PM IST

કોરોનાકાળમાં હોસ્પિટલની દાદાગીરી : મરણ નોંધ ન કરતાં ત્રણ મહિને પણ મૃત્યુ પ્રમાણપત્ર મળ્યાં નથી

કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા કેટલાક દર્દીઓના પરિવાર હજુ પણ ન પોતાના સ્વજનનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા વલખા મારી રહ્યા છે. કેટલાક કેસોમાં હોસ્પિટલની મનમાનીથી મૃતકના પરિવારજનો મૃત્યુ પ્રમાણપત્ર મેળવી શક્યાં નથી. કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓના સંબંધીઓ પાસે પૂરેપૂરી રકમનું ચૂકવણું નહીં થાય ત્યાં સુધી ઓનલાઇન સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં મનમાની કરનારી 7 હોસ્પિટલોને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. બીજી બાજુ મૃત્યુ પ્રમાણપત્ર જે તમામ લોકોને મળ્યાં છે તે પ્રમાણપત્ર પર કોરોનાથી મૃત્યુ થયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

  • ઓનલાઇન સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં મનમાની કરનારી 7 હોસ્પિટલોને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ
  • પ્રમાણપત્ર પર કોરોનાથી મૃત્યુ થયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી
  • દર્દીઓના પરિવાર હજુ પણ ન પોતાના સ્વજનનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા વલખા મારી રહ્યાં છે

સુરત : સુરત શહેરમાં અત્યાર સુધી કોરોનાના કુલ 111488 કેસો નોંધાયા છે જેમાંથી મૃત્યુ આંકની વાત કરવામાં આવે તો તેની સંખ્યા સરકારી ચોપડે 1629 નોંધાઈ છે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ આટલી હદે હતું કે હોસ્પિટલોમાં જગ્યા પણ નહોતી. આજે પણ અનેક પરિવારજનો છે કે જેઓ પોતાના સ્વજનો કોરોનાથી મૃત્યુ બાદ તેમના મૃત્યુ પ્રમાણપત્ર માટે વલખા મારી રહ્યા છે. પરંતુ નીતિ-નિયમ મુજબ જે લોકોને તેમના સ્વજનના અત્યાર સુધી કોરોના મૃત્યુ પ્રમાણપત્ર મળ્યાં તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે દર્દીનું મોત કોરોનાથી થયું છે.


ત્રણ-ચાર મહિનાથી કોરોના મૃતકોની નોંધ મનપામાં કરાવી નથી
કોરોના મહામારી સમયે દર્દીઓના પરિવારને બરાબર ખંખેરી લેનાર હોસ્પિટલ સામે અરજી કરીને વધારાના પૈસા પરત મળી શકે એ માટે મનપાએ હોસ્પિટલ કમિટી બનાવી છે. આ કમિટીને મળેલી અરજીઓમાં કેટલીક એવી પણ મળી છે જેમાં કોરોના સારવારનું બિલ સંપૂર્ણ ન ભરી શકાયું હોવાથી હોસ્પિટલોએ કોરોના મૃતકનું ડેથ ઇન્ટિમેશન જ મનપાને આપ્યું નથી. ડેથ ઇન્ટિમેશન એટલે કે દર્દીના મોત અંગેની જાણકારી જે હોસ્પિટલ દ્વારા મનપાના વેબ પોર્ટલ ઉપર કરવામાં આવતી હોય છે. હોસ્પિટલ દ્વારા નોંધ થઈ ગયા બાદ પરિવારને મનપા સ્ટેટ સર્ટિફિકેટ ઈસ્યુ કરે છે. નિયમ મુજબ મૃત્યુના 21 દિવસમાં મનપાને મળી જવી જોઈએ. કેટલીક હોસ્પિટલોએ સારવારના બિલો પૂરા ભર્યા ન હોવાથી ત્રણ-ચાર મહિનાથી કોરોના મૃતકોની નોંધ મનપામાં કરાવી નથી જેને પગલે પરિવારજનોને મનપામાંથી મરણના દાખલા મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરતમાં કોરોનાથી થયેલાં મોતનો ચોપડે નોંધાયેલો આંકડો 1629

ઘર ટ્રાન્સફર કરવા માટે સર્ટિફિકેટની જરૂર છે
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી શ્વેતાએ જણાવ્યું હતું કે, પિતા રાજેશભાઈનું તારીખ 8 મે 2021 ના રોજ કોરોનાથી મૃત્યુ થયું હતું. ન્યુ સિટીલાઈટ વિસ્તાર ખાતે આવેલ રત્નદીપ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. પિતાની સારવાર માટે રૂ સાડા ચાર લાખ ખર્ચ થયા પણ બાકી બિલના અઢી લાખ ભર્યા ન હોવાથી હોસ્પિટલ ડેડબોડી બીજા દિવસે આપી સંચાલકોએ ડેથ સર્ટિફિકેટ આપવાથી ઇનકાર કરી દીધો. હાલ આ અંગે પાલિકામાં ફરિયાદ કરી છે.કારણ કે માતાના નામ પર ઘર ટ્રાન્સફર કરવા માટે સર્ટિફિકેટની જરૂર છે.

ક્લેઈમ સુદ્ધાં કરી શકાયો ન હતો
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિનું મોત કોરોનાના કારણે થયું હતું. પરંતુ આજદિન સુધી ડેથ સર્ટિફિકેટ નહીં મળતાં પરિવારને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારણકે મૃતકનો વીમો પણ હતો પરંતુ હોસ્પિટલે મૃત્યુનોંધ નહીં કરાવતા સર્ટિફિકેટ પાલિકામાં થયું નહોતું. જેના કારણે પરિવાર ક્લેઈમ કરી શક્યો નહોતો.

ઓનલાઇન ગાંધીનગર સબમિટ કરવાનું હોય છે
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.આશિષ નાયકે જણાવ્યું હતું કે કોઈ પણ દર્દીના મોત બાદ હોસ્પિટલને તમામ જાણકારી 21 દિવસની અંદર ઓનલાઇન ગાંધીનગર સબમિટ કરવાનું હોય છે. જો હોસ્પિટલ નહીં કરે તો તેમને સોગંદનામું રજૂ કરવું પડે છે. બીજી બાજુ કોઈ પણ પ્રમાણપત્ર પર કોરોનાથી મૃત્યુ થયું હોય એનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. સાથે જે ફરિયાદ અમને મળી છે તેને લઈને અમે કાયદેસરની કાર્યવાહી કરી સાત હોસ્પિટલોને નોટિસ પણ ફટકારી છે કે જો એ મૃત્યુ કે દર્દી અંગેની જાણકારી ડેથ સર્ટિફિકેટ માટે હજુ સુધી સબમિટ કરી નથી.

કારણદર્શક નોટિસ આપવામાં આવી
હોસ્પિટલ કમિટીને મળેલી અરજીઓ અંગે કમિટી સભ્યોએ મ્યુનિસિપલ કમિશનરને જાણ કરતાં સાત હોસ્પિટલોને મનપા દ્વારા કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. જે હોસ્પિટલોને મનપા દ્વારા નોટિસો અપાઇ છે તેમાં બે હોસ્પિટલો જૈનબ હોસ્પિટલ અને ધ્વનિ હોસ્પિટલ, અઠવા ઝોનમાં રત્નદીપ હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર, વરાછા બી ઝોનમાં જીબી વઘાણી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, સેન્ટ્રલ ઝોનની હાલાઈ મેમણ જમાત કેર સેન્ટર અને કતારગામની અનુભવ હોસ્પિટલનો સમાવેશ થાય છે.


આ પણ વાંચોઃ સુરત: ડેથ ઇન્ટિમેશન બાબાતે હોસ્પિટલ કરી રહી હતી મનમાની, મનપાએ કરી લાલ આંખ

આ પણ વાંચોઃ આ વર્ષે અત્યાર સુધીમાં ભુજ નગરપાલિકા દ્વારા ઓનલાઈન પ્રક્રિયા દ્વારા અપાયા 3678 મૃત્યુના પ્રમાણપત્ર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.