DNH પેટા ચૂંટણી: પ્રચાર માટે આવેલા સંજય રાઉતે BJPને ઘેરી, સ્થાનિક પ્રશાસન પર કર્યા આકરા પ્રહાર

author img

By

Published : Oct 16, 2021, 7:22 PM IST

DNH પેટા ચૂંટણી: સંજય રાઉતે BJPને ઘેરી

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી (Dadra And Nagar Haveli)માં ખાલી પડેલી લોકસભાની બેઠક (Lok Sabha Seat) પર 30 ઑક્ટોબરના રોજ પેટા ચૂંટણી (Lok Sabha By Election) યોજાવાની છે. શિવસેના તરફથી સંજય રાઉત (Sanjay Raut) અહીં પ્રચાર માટે આવ્યા હતા. તેમણે ભાજપ અને અહીંના પ્રશાસક પર પ્રહારો કર્યા હતા. સંજય રાઉતે કહ્યું કે, "સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ડેલકર પરિવારનો ઝઘડો ભાજપ સાથે નથી, પરંતુ અહીંની સિસ્ટમ સાથે છે.આજે પણ આ પ્રદેશ આઝાદ નથી અને નરેન્દ્ર મોદી દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ મનાવે છે."

  • શિવસેનાના સંજય રાઉત DNH પેટા ચૂંટણીના પ્રચારમાં
  • રાઉતે ભાજપ અને સ્થાનિક પ્રશાસન પર કર્યા પ્રહાર
  • DNHની સિસ્ટમે મોહન ડેલકરની બલી ચડાવી હોવાનો આક્ષેપ
  • શિવસેનાના કલાબેન ડેલકર ઐતિહાસિક મતથી જીત મેળવશે તેવો દાવો

સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી (Dadra And Nagar Haveli)માં હાલ પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે શનિવારે દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી (Lok Sabha by-election)માં શિવસેના તરફથી ચૂંટણી લડી રહેલા પૂર્વ સાંસદ સ્વર્ગીય મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકર (Kalaben Delkar)ના ચૂંટણી પ્રચાર માટે શિવસેનાના રાજ્યસભાના સાંસદ તથા પ્રવક્તા સંજય રાઉત (Sanjay Raut) અને રાજ્યસભા સાંસદ તથા પાર્ટી સચિવ અનિલ દેસાઈ સેલવાસ આવ્યા હતા. ચૂંટણી પ્રચાર માટે આવેલા સંજય રાઉતે શિવસેના આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવશે તેવું જણાવી સ્થાનિક પ્રશાસન અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.

DNH પેટા ચૂંટણી: પ્રચાર માટે આવેલા સંજય રાઉતે BJPને ઘેરી, સ્થાનિક પ્રશાસન પર કર્યા આકરા પ્રહાર

અહીંના પ્રશાસક લોકોને ગુલામ માને છે: રાઉત

સંજય રાઉતે કહ્યું કે, "સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ડેલકર પરિવારનો ઝઘડો ભાજપ સાથે નથી, પરંતુ અહીંની સિસ્ટમ સાથે છે. શાસનવ્યવસ્થા સામે છે કે જેણે અહીંના લોકપ્રિય નેતા મોહનભાઈની બલી ચડાવી છે. આજે પણ આ પ્રદેશ આઝાદ નથી અને નરેન્દ્ર મોદી દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ મનાવે છે. એમને કહેવા માગું છું કે એક વાર અહીં આવો અને જૂઓ અહીંના પ્રશાસક રોજ લોકોને ગુલામ માનીને કામ કરાવે છે, શું આ આઝાદી છે?"

30 ઑક્ટોબરના લોકસભાની પેટા ચૂંટણી

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આગામી 30મી ઓકટોબરે પેટા ચૂંટણી યોજાવાની છે. અપક્ષ સાંસદ સ્વર્ગીય મોહનભાઈ ડેલકરના આપઘાત બાદ હાલ ખાલી પડેલી આ લોકસભા બેઠક પર આ ચૂંટણી લડાઇ રહી છે, જેમાં શિવસેના તરફથી સ્વર્ગીય મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરે ઉમેદવારી નોંધાવી આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.

મોહનભાઈ ડેલકર પ્રદેશના લોકનેતા હતા

ભાજપ, કોંગ્રેસ અને શિવસેના વચ્ચેના આ ત્રિપાંખિયા જંગમાં શિવસેનાના ઉમેદવાર વિજેતા બને તે માટે શિવસેનાના રાજ્યસભાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉત શનિવારે સેલવાસ આવ્યા હતા. સેલવાસમાં પત્રકાર પરિષદને સંબોધતા સંજય રાઉતે જણાવ્યું હતું કે, મોહનભાઈ ડેલકર પ્રદેશના લોકનેતા હતા. તેમના નિધન બાદ સેલવાસને તેઓ સતત બારીક નજરે જોતા આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, શિવસેના સંપૂર્ણ તાકાત સાથે ડેલકર પરિવાર સાથે છે. શિવસેના ડેલકર પરિવાર સાથે જોડાયેલી છે.

કલાબેનને વિજયી બનાવી મોહનભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપવા લોકોને કરી વિનંતી

સંસદમાં તેમની સાથે 2 વર્ષ કામ કર્યું હોઇ તેમની યાદ આજે પણ કાયમ છે, તેવું જણાવી સંજય રાઉતે હાલમાં અભિનવ ડેલકર અંગે જણાવ્યું હતું કે, તે યુવા નેતા તરીકે ઉભરી રહ્યા છે. શિવસેના તરફથી કલાબેનને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, દાદરા નગર હવેલીની પ્રજા જો મોહનભાઈ ડેલકરને સાચી શ્રદ્ધાંજલિ આપવા માંગતી હોય તો તેમના પ્રદેશ માટેના બલિદાનને યાદ કરતા કલાબેનને વિજયી બનાવવા જોઈએ. મોહન ડેલકર હંમેશા લોકહિતના પ્રશ્નોને સંસદમાં ઉઠાવતા હતા. તેમની સાથે અન્યાય થયો છે. ત્યારે શિવસેના પૂરી તાકાત સાથે ડેલકર પરિવાર સાથે છે.

સ્થાનિક લોકો પોર્ટુગીઝ શાસનને સારું ગણાવે છે

શિવસેના પ્રવક્તાએ નરેન્દ્ર મોદી અને દાદરાનગર હવેલીના પ્રશાસક પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, એક તરફ વડાપ્રધાન આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવે છે એમને કહેવા માગું છું કે આવો અને જૂઓ અહીંના પ્રશાસક રોજ લોકોને કેવા ગુલામ બનાવે છે શું આ આઝાદી છે? આના કરતા તો સ્થાનિક લોકો પોર્ટુગીઝ શાસનને સારું શાસન ગણાવે છે એટલે જો આ પ્રદેશમાં આઝાદી જોઈતી હોય તો શિવસેના અહીં જોઈએ. તે જ ભાજપને ટક્કર આપી શકે અને બદલો લઈ શકે છે.

રેલવે પ્રધાનને રેલવેમાં કોઈ કામ નથી?

સંજય રાવતે જણાવ્યું હતું કે, લોકસભાની આ સીટ જીતી અમે અહીંના આતંકને ખતમ કરીશું. દાદરા નગર હવેલીની ચૂંટણી એક સામાન્ય પેટા ચૂંટણી છે અને તેમાં પણ ભાજપે પોતાની પૂરી ફોજ ઉતારી છે. રેલવે પ્રધાન 5 દિવસથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તો તેમને રેલવેમાં કોઈ કામ નથી? પશ્ચિમ બંગાળમાં પણ પ્રધાનમંડળ ગયું હતું, મમતા બેનર્જી સામે કંઈ ન ચાલ્યું તેવી જ રીતે દાદરા નગર હવેલીમાં પણ કલાબેન સામે કંઈ નહીં ચાલે.

પ્રશાસક તાનાશાહ છે, તેમના હાથમાં પૂરો પાવર

ભાજપના વિકાસના મુદ્દાને લઈને સંજય રાઉતે પ્રહારો કર્યા હતા કે, ભાજપની રાજનીતિ વિકાસનો મુદ્દો છે, તે પ્રજાને ગેરમાર્ગે દોરવાની રાજનીતિ છે. પ્રશાસકના હાથમાં પૂરો પાવર છે. આ ચૂંટણીનો કોઈ મતલબ નથી અહીંના પ્રશાસક તાનાશાહ છે, તેમના હાથમાં પૂરો પાવર છે. દેશમાં વડાપ્રધાન અમૃત મહોત્સવ મનાવે છે, પણ અહીં પ્રશાસક પ્રજાને ગુલામ માને છે. સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે દાદરા નગર હવેલીમાં તેમને શિવસેનાનો તીર કમાન વાળો સિમ્બોલ નથી મળ્યો, પરંતુ અહીં અપક્ષ સાંસદ મોહન ડેલકરનો બેટ્સમેનવાળો સિમ્બોલ મળ્યો છે, એનાથી તેઓ ખુશ છે. મોહનભાઈ અહીં વર્ષોથી ચૂંટાતા આવ્યા છે, લોકપ્રિય નેતા હતા. આ ચૂંટણીમાં તેમને સહાનુભૂતિની કોઈ જરૂર નથી જે નેતા 9 વખત ચૂંટણી લડ્યો હોય અને તેમાંથી 7 જીત્યો હોય તેવા વ્યક્તિના પરિવાર માટે સહનુભૂતિની જરૂર નથી, પ્રજા તેમની સાથે જ છે.

મોદીજીની છબી આ પ્રદેશના પ્રશાસકે ખરાબ કરી છે

સંજય રાઉતે કહ્યું કે, આ સ્વાભિમાનની લડાઈ છે અને સ્વાભિમાનનું બીજું નામ શિવસેના છે, જે મજબૂતીથી ડેલકર પરિવાર સાથે છે. દાદરા નગર હવેલીની આ પેટા ચૂંટણીમાં ઇતિહાસમાં ક્યારેય નહીં મેળવ્યો હોય તેવો વિજય મળશે. જ્યારે મિની એસેમ્બલી માટે પણ સંજય રાઉતે જણાવ્યું હતું કે, તે માટે પણ પ્રયાસ કરીશું. પ્રશાસક તાનાશાહી ચલાવે છે. મોદીને લોકો ગાળો બોલે છે. હું જ્યારે પણ મોદીને મળીશ ત્યારે આ વાત તેમને ચોક્કસ કરીશ. મોદીજીની છબી આ પ્રદેશના પ્રશાસકે ખરાબ કરી છે.

સ્ટાર પ્રચારકો આવશે લોકસભાની પેટા ચૂંટણીના પ્રચાર માટે

ઉલ્લેખનીય છે કે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ચૂંટણીપ્રચાર ને ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસના પણ સ્ટાર પ્રચારકો આવનારા દિવસોમાં અહીંની લોકસભાની પેટા ચૂંટણીનો ચૂંટણી પ્રચાર કરવા આવવાના છે. ત્યારે તે પહેલા જ શિવસેના તરફથી સંજય રાઉતને શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરના ચૂંટણી પ્રચાર માટે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સેલવાસમાં ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા, મતદારોએ રેલવેની સમસ્યાને લઇ ઠાલવ્યો બળાપો

આ પણ વાંચો: સી. આર.ની 'વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરા' લાવવા અંગે સ્પષ્ટતા, જાણો શું કહ્યું...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.